અમાસના તારા/ફક્કડચાચા


ફક્કડચાચા

મોરબી આર્ય સુબોધ નાટકમંડળી શહેરમાં લોકપ્રિય થઈ પડી હતી. તેમાંય મહાસતી અનસૂયા નામના એના નાટકમાં ભીડનો પાર નહીં. આવતા શનિવારના નાટકની ટિકિટો આગલા જ શનિવારે વેચાઈ જાય. તે વખતે સૌથી આગળ બેસવાના બે રૂપિયા. છેલ્લી ટિકિટ ચાર આના. અમે બાર આનાવાળા વચ્ચેના વર્ગમાં બેઠા હતા. તે સમયે મારા દૂરના સગા છગનકાકા આ નાટકમંડળીમાં વ્યવસ્થાપકના મિત્ર તરીકે કારભારુ કરતા હતા. એ લત્તામાં એમના રુઆબ અને એમની ધાક પણ ઘણાં. પહાડી શરીર, કાળો વાન, બિહામણી આંખો અને કર્કશ અવાજ. એમને જોતાં જ બીક લાગે. જોનારાઓમાં જરાક પણ અશાંતિ થાય ને છગનકાકા બારણામાં ડોકાય કે લોકો પાછા શાંત થઈ જાય.

નાટકનો રંગ જામ્યો હતો. અનસૂયાને ઘેર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વેશ બદલીને એ મહાસતીનું પારખું લેવા આવ્યા હતા. પણ અનસૂયા આ ભેદ પામી ગયાં. એમણે અંજલિ ભરીને પાણી છાંટ્યું. પ્રકાશ બંધ થઈ ગયો. અંધારું ઊતરી પડ્યું. બે-ત્રણ ધડાકા થયા. ત્રણેય સાધુઓ બાળકો બનીને ઉવાંઉવાં કરી રહ્યાં. એ અંધારું થયું એમાં ગડબડ મચી રહી. કોઈની જગા જતી રહી કે શું પણ ચાર આનાના વર્ગમાં કોલાહલ થઈ ગયો. પ્રકાશ થયો ત્યારે તો મારામારી શરૂ થઈ ચૂકી હતી. લાકડીઓ ઊછળી રહી હતી. છગનકાકાએ ઘાંટો પાડ્યો, પણ કોઈએ સાંભળ્યું નહીં. એ લાકડી લઈને ત્યાં પહોંચ્યા તો પણ દંગો શાંત થયો નહીં. એટલામાં એક પહાડી અવાજ આવ્યો. અવાજની પાછળ એક કદાવર વ્યક્તિ આવી પહોંચી. સીસમ જેવો ચકચકતો કાળો રંગ, સફેદ દૂધ જેવું મલમલનું કૂડતું. માથે ચંપા રંગનો સાફો, હાથમાં દંડો. દંડો પણ અવાજની સાથે ઊંચકાયો. થોડી વારમાં જ કોલાહલ શમી ગયો. દંગો શાંત થઈ ગયો. ચાર આનાના વર્ગમાં ચુપકીદી છવાઈ ગઈ. એની અસરથી આખા નાટકની જનતા શાંત થઈ ગઈ.

‘શાબાશ ઈમામ’ મૂળજી આશારામ ઓઝાનો અભિનંદનથી ભર્યોભર્યો અવાજ નીકળ્યો. ઈમામુદ્દીન બહાર આવ્યો ત્યારે મૂળજીભાઈએ એને ખભો ઠોકીને શાબાશી આપી. નાટક શાંતિથી પૂરું થયું.

ઈમામુદ્દીનનું મારું એ પહેલું દર્શન. મને કોણ જાણે કેમ એ વ્યક્તિ પ્રથમ દર્શને જ ગમી ગઈ. ઓળખાણ થઈ ત્યારે ખબર પડી કે ઈમામને સૌ ફક્કડખાં કહેતા. આખા મદનઝાંપાના લત્તાનો એ દાદો. ઈમામની જેની સાથે દોસ્તી તેનું કોઈ નામ ન લે. જે ઘર સાથે એની નિસ્બત તે ઘરમાં કદી ચોરી ન થાય. ઈમામની આંખના ઇશારાથી નાટકમંડળીમાં ગમે તેટલા માણસો જોવા બેસી શકે. કોઈ તો શું પણ એ લત્તાના ફોજદાર પણ ઈમામની દોસ્તી રાખે. હોટલવાળા ઈમામને બોલાવીને ચા પિવડાવવામાં ગૌરવ લે. પાનવાળો પાનપટ્ટી હસીને આપીને રાજી થાય. એ લત્તાના છોકરાઓ ફક્કડકાકા કહીને ઈમામને નવાજે ને ક્યારેક એક આનાનાં બિસ્કિટ કે ગોળીઓનું ઇનામ પામે.

નાટક ન હોય તે સાંજે ફક્કડ ઈમામુદ્દીન લહેરીપુરા સુધી ફરવા નીકળે. દર્શનીય પુરુષ. જોબનનો સમો. કાળો રંગ પણ એના ચહેરાના આકર્ષક નકશાથી દીપી ઊઠે. ઘાટીલી ને ભરાવદાર મૂછો. માયાળુ પણ મારકણી આંખો. શરબતી મલમલનું આર નાંખેલું કાળજીથી કરચલીઓ પાડેલું, કલ્લીવાળું લખનૌરી કૂડતું આખા લત્તામાં ઈમામ એકલો જ પહેરે! હાથની સિલાઈ. એ સિલાઈ જ એક રૂપિયો! ગમે તેવાનું તો ગજું નહીં. ઓગણીસસો પંદરસોળની સાલ. મહંમદચાચા રંગરેજ ઈમામનો સાફો સફાઈ અને કાળજીથી રંગે. સુવર્ણચંપાનો ઊઘડતો રંગ એ ઈમામનો મનપસંદ રંગ. સફેદ ઝીણું ધોતિયું કસીને કમરબંદથી પહેર્યું હોય. હાથમાં એનો પ્રિય દંડો રમતો હોય અને મસ્તાની એની ચાલથી માણસ એવો તો મોહક લાગે કે ઘણી વખત સ્ત્રીઓ એને જોઈને વાતો કરતી.

એક દિવસ મોરબી થિયેરથી હું એમની સાથે થયો. રસ્તામાં પાનવાળા, હોટેલવાળા, દુકાનોવાળા, મજૂરો, કારીગરો જે મળે તે એમને સલામ મારે. વકીલ-ડૉક્ટર પણ ઈમામને બોલાવીને ખબર પૂછે. અમારા માસ્તરે મને ઈમામની આંગળીએ જોયો ત્યારથી મારા તરફનો એમનો સ્નેહ ઘણો વધી ગયો. અમે ચાલતા ચાલતા હનુમાન મંદિર આગળ આવ્યા. એ ચકલો ફક્કડચાચાનો જરાક વિસામો. ત્રિભોવનને ત્યાં જ ઊભા રહીને પાનનો હુકમ આપ્યો. એ આવીને ઊભા છે એટલું જાણીને તરત જ કાજીની હોટલમાંથી ખાસ ચાનો પ્યાલો આવી ગયો. એટલામાં રાજ્યની હાથિણી ચંપાકલી ત્યાંથી નીકળી. મસ્તકે એનું નામ શોભે. માથાની બન્ને બાજુ બે મોર ચીતર્યા હતા. મોરની આંખોને ચંપાકલીની આંખોમાં સમાવી દેવામાં આવી હતી. એટલે મોર જીવતા લાગતા હતા. એનો માવત ફક્કડચાચાનો જિગરજાન દોસ્ત, ઈમામને જોતાં જ એણે હાથિણીને ઊભી રાખી. એનો ઘંટનાદ સાંભળીને દોડી આવેલાં છોકરાંઓ સ્તબ્ધ થઈને ટોળું વળીને દૂર ઊભાં થઈ ગયાં.

માવતે ધીરે ધીરે ચંપાકલીને નીચે બેસાડી. ફક્કડચાચા જરા પાસે ગયા. બન્નેએ હાથ મિલાવ્યા. પરસ્પરની ખબર પૂછી. બીડીપેટીની આપલે થઈ. પાનવાળાને ત્યાંથી માગ્યા વિના ઈમામ તરફથી માવતને માટે પાન પહોંચી ગયું. ફક્કડચાચાએ માવતની બીડી સળગાવી એને માન આપ્યું. ચંપાકલી ધીરે ધીરે ઊભી થઈ ગઈ. માવતે સલામ કરીને ઘંટનાદ કરતી એ હસ્તિની મલપતી ચાલી ગઈ, હું તો જીવનનું આ અનુપમ દર્શન મુગ્ધપણે નીરખી રહ્યો તે બસ નીરખી જ રહ્યો. મારા કોમળ હૃદયમાં ફક્કડચાચા મહાપુરુષ તરીકે પ્રતિષ્ઠિત થઈ ગયા.

મોરબી નાટક મંડળીનો મુકામ એ વખતે લાંબો રહ્યો. શૃંગિઋષિનો નવો ખેલ એવો ઊપડ્યો કે મંડળીના માલિક ન્યાલ થઈ ગયા. છગનકાકાના આમંત્રણથી અમે એ નાટક જોવા ગયા હતા. ભીડ તો કહે મારું કામ. નાટકનો પહેલો અંક પૂરો થયો. એ વિસામા વખતે એક ઠેકાણે કોલાહલ થયો. લાકડીઓ ઊછળી. દંગાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું. ફક્કડચાચા દંડા સાથે દોડી પહોંચ્યા. લડાઈ શાંત પડી ગઈ. એ ભીડમાંથી એક કદાવર મુસલમાનને ગળચીમાંથી પકડીને ફક્કડચાચા બહાર ઢસડી લાવ્યા. રસ્તાની બરાબર મધ્યમાં ઊભો રાખીને પાંચસાત ફટકા ખેંચી કાઢ્યા. કોઈની હિંમત ન ચાલે કે એમને વારે. છગનકાકા ઈમામને બાથ ભરીને ખેંચી લાવ્યા. પછી ખબર પછી કે પેલા મુસલમાને કોઈ બાઈની છેડતી કરેલી. એ માણસ પણ ફત્તેહપુરાનો કોઈ ગુંડો હતો. પણ એની દુર્ગતિ પછી મોરબી થિયેટરના કમ્પાઉન્ડમાં ફરી એવો કોઈ બનાવ બનવા પામ્યો નહીં.

મોરબી કંપની પછી તો ચાલી ગઈ. ત્યાર બાદ એ થિયેટરમાં જે નાટ્યમંડળી આવે તેમાં ફક્કડચાચાનું ચલણ હોય જ. થિયેટરમાં જ એમનું રહેવાનું. પાસેની હોટેલમાં જમવાનું. ઘણા માણસો એમનાથી ડરે. કેટલાક એમની નિંદા કરે. ઘણા એમની ખુશામત કરે, પણ સૌથી વધારે સંખ્યા એમને વહાલ કરે. ગુંડા કહેવાતા અને મવાલી મનાતા એ માણસની વિરુદ્ધમાં કોઈને કશું જ કહેવાનું નહોતું. પ્રામાણિકતા તો ઇમામની જ. કોઈનો એક પૈસો ડુબાડવાનો નહીં. પાઈએ પાઈ ગણીને દેવું આપવાનું. જુઠ્ઠાણું તો એવું ધિક્કારે કે જુઠ્ઠું બોલનારને બાયલો કહીને જ બોલાવે. કોઈની સ્ત્રી કે માદીકરી સામે ઊંચી નજરે જોવાનું જ નહીં. બેસતા વર્ષે આવીને બાપુજીને પગે લાગવાનો ઈમામનો અચૂક નિયમ. સંક્રાંતિને દિવસે ફક્કડચાચા અમારે ઘેર જમે. પતંગનો એમને જબરો શોખ. જાતે દોરો સૂતે અને જાતે જ પતંગો બનાવે. એમનો પતંગ કપાયો હોય ને દોરો ભલે અડધો માઈલ લાંબો પડ્યો હોય પણ એ ફક્કડચાચાનો દોરો છે એવી ખબર પડતાં કોઈ એને પકડે નહીં. પોણિયો પતંગ પદેલચી દેખાય એટલી તો એમની સેર જાય અને પેચ લડાવવામાં તો એક્કા. જેમ જેમ પેચ ઊંચા જતા જાય તેમ તેમ ફક્કડચાચા સેર છોડતા જાય. સામાનો પતંગ કાપે તોય હસે અને પોતાનો કપાય તોય હસે.

એક સંક્રાંતિએ મારા પતંગના પેચ એક આગળના ફળિયાના પતંગ સાથે થયેલા. પેચ ચાલુ હતા. ત્યાં ચાલુ પેચે આગળના ફળિયામાંથી કોઈએ લંગર નાંખીને મારો પતંગ તોડી લીધો. અમે તો બે-ત્રણ જણા દોરચકરી મૂકીને દોડ્યા પેલે ફળિયે. ત્યાં બોલાચાલી થઈ ને વાત મારામારી પર આવી. લાકડીઓ ચાલી. દરમિયાન એક જણ દોડીને આ ખબર ફક્કડચાચાને આપી આવ્યું. મને તો ખબર નહીં કે ફક્કડચાચા આવીને ઊભા છે. પણ એમને જોતાં જ સામાવાળા છોકરાઓ લાકડીઓ પડતી મૂકીને નાઠા ત્યારે મને ખબર પડી. ઈમામે મારી પીઠ થાબડી. લાકડી બરાબર ચલાવવા માટે શાબાશી આપી. પોતે જાણી જોઈને જ વચ્ચે ન પડ્યા. લડાઈ બરાબર જામી હતી એની એમણે ખુશી પ્રગટ કરી.

બેચર ઘાંચીને ત્યાં એમની બેઠક. એક દિવસ બેચર ઘાંચી પોતાના માગતા રૂપિયા ચુનીલાલ સાઇકલવાળાને ત્યાં માગવા ગયો હતો. ત્યાં ચુનીલાલે પોતાની દુકાનમાં બેચરને પૂરીને માર્યો અને પૈસાને માટે ડીંગો દેખાડી કાઢી મૂક્યો. બેચરે આ વાત ઈમામને કહી. ઈમામુદ્દીન દંડો લઈને બેચરની સાથે આવે છે. એ સમાચાર આગળથી ચુનીલાલને કાને પડતાં જ દુકાન બંધ કરીને એ અમદાવાદ નાસી ગયો. ત્યાંથી મનીઑર્ડર કરીને બેચરના માગતા પૈસા મોકલી દીધા અને એક દિવસ છાનામાના આવીને ઈમામની માફી માગી લીધી.

અમારે ચકલે રાધા દૂધવાળીની દુકાન. એના વેપારમાં ઉધાર માલ ઘણો જાય. પરંતુ બિચારી એવા ગરીબ સ્વભાવની કે કોઈને ઊંચે સાદે કશું જ કહે નહીં. એ રાધા એક દિવસ માંદી પડી અને ત્રણચાર દિવસની માંદગી પછી મૃત્યુ પામી. એને કોઈ સગુંવહાલું નહોતું. એટલે બધા તો જોતા જ રહ્યા ને ફક્કડચાચાએ અગ્નિસંસ્કારનો ભાર ઉઠાવી લીધો. અરે! વહાલું પણ ન કરે એવું કામ તો ઈમામે રાધાને અગ્નિદાહ દઈને કર્યું. પાંચ-સાત વરસ પછી એક ગરબામાં ઈમામનું નામ રાધા સાથે જોડાઈ ગયાની વાત અમે સાંભળી. મરીને માણસ ઇતિહાસ રચે છે એ તો સાંભળ્યું હતું. જીવતા માણસની તવારીખ રચાઈ એની નવાઈ લાગી!

પછી થોડાં વરસો સુધી ઈમામની સાથેનો સંબંધ ઓછો થઈ ગયો. ઘણાં વરસ પછી મોરબી થિયેટર તોડી નાંખવામાં આવ્યું. હું પણ દસ બાર વરસ પછી પાછો શહેરમાં આવ્યો હતો. એક દિવસ એ બાજુ થઈને સાઇકલ પર પોલો ક્લબમાં જતો હતો. વિચાર આવ્યો કે લાવ ઈમામની ખબર કાઢું. બેત્રણ ઠેકાણે પૂછ્યું પણ કોઈને ખબર નહોતી. નવાપુરા સુધી પહોંચ્યો પણ કંઈ પત્તો મળ્યો નહીં. પાછો આવતો હતો ત્યાં બેચર ઘાંચીનો છોકરો મગન મળ્યો. મગનને પૂછ્યું ત્યારે ભાળ મળી. ઈમામ બીમાર છે એમ સાંભળ્યું હતું. મગન પણ ઈમામને મળવા જ જતો હતો. અમે બંને પાછા નવાપુરાને રસ્તે ચાલ્યા. જ્યાં ઊજળી વસ્તી પૂરી થાય છે ને પછી કપડાંબાટલીવાળા વાઘરીઓનાં ઘરો શરૂ થાય છે એ લત્તામાં એક નાનીશી ઝૂંપડી પાસે જઈને અમે ઊભા રહ્યા. સમીસાંજનું અંધારું પણ નહીં ને અજવાળું પણ નહીં એવો વિચિત્ર ધૂળિયો આભાસ હતો. ગમગીની પણ જાણે મૂર્છા ખાઈને પડી હતી. ગરીબી, ગંદવાડ અને ગાળોના અવાજથી વાતાવરણ અકળાવે એવું લાગતું હતું. ‘ફક્કડચાચા!’ કહીને મેં ધીરેથી અવાજ કર્યો. ‘ઈમામચાચા’ કહીને મગને ધીરેથી બૂમ પાડી. ઝૂંપડીમાંથી એક પ્રૌઢ ઉમરની બાઈ નીકળી. બહાર આવીને એ ઊભી રહી પણ બોલી નહીં. મગને ફરીથી પૂછ્યું: ‘ઈમામચાચાની તબિયત કેમ છે?’

‘એ તો આજે સવારે ગયા!’ બાઈએ ધીરેથી કહીને માથાનું લૂગડું જરા આગળ કર્યું. એની આંખોમાં, આખી હસ્તીમાં મોતની ઠંડક હતી.

અમે આગળ પૂછીએ તે પહેલાં જ બાઈએ કહ્યું: ‘એમની છેલ્લી ઇચ્છા પ્રમાણે એમને અગ્નિસંસ્કાર કર્યા છે.’

‘તમે ઇમામુદ્દીનનાં કોણ થાવ છો?’ મારાથી પુછાઈ ગયું.

‘તમે માનો તે બધું જ.’ કહીને બાઈ અંદર ચાલી ગઈ.

અંધારામાં અમારી નજરે માત્ર દીવો દેખાતો હતો.