અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/રાનેરી


રાનેરી

મણિલાલ દેસાઈ

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

પલમાં જાણે લાગતું ખરે આભની નીલમ છત!
લાગતું જાણે ઝળકી રહ્યું રાનપરીનું સત!
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું જાણે ભીતર ઝીણું રાનપરીનું જલ!

વેલથી ઝાઝાં ઝાડ ને તેથી પૂર પડ્યું અંધારું
આગળ દોડી મનને મારી ઊડતું આઘું વારું,
અવળા રે વંટોળની અહીં સવળી પડે છાયા,
કોઈએ જાણે ફરતી મેલી પાંદડે પાંદડે માયા!
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

વાદળાં ભેળી વાદળું બની ઊડતી પ્હાડની ટૂંક,
પ્હાડને કીધા ગુમ મારીને પલમાં કોઈએ ફૂંક,
વ્હેતું ભીતર બ્હાર બધે યે રાનવાયુનું જલ.
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ભાવથી છલોછલ.
‘રાનેરી’



આસ્વાદ: જોયાં જોયાંમાં બહુ ફેર — જગદીશ જોષી

લગભગ પરોઢ જ કહી શકાય. મધ્યાહ્ન તો હજી તપ્યો જ ન હતો. ત્યાં પેલા ચાઇનીઝ હાથ-પંખાની જેમ જેણે પોતાનાં કિરણોની માયા સંકેલી લીધી એવા સ્વ. મણિલાલનું જીવન (?) એક વેદનાનો, સંવેદનાનો સર્જકપ્રિય ઉદ્ગાર જ હતો. સંવેદનશીલ સર્જકના મનને બ્રહ્માએ વેદનાનું વરદાન તો આપ્યું જ છે; પણ મણિલાલને તો જુવાન દર્દ પણ મળેલું. એટલે જ એ કહે છેઃ

હું જીવું
જીર્ણ કો ઘડિયાળનો કાંટો
હવે તો કણસતો દર્દી બની.

‘રાનેરી’ના કવિ સ્વ. મણિલાલની કવિતામાં આદમનું અને આદિમતાનું એક નક્કર પોત છે; પરંપરાથી છેક વિખૂટો નહીં અને છતાં મૌલિક એવો એક વહેતો અવાજ છે.

ઝાડ ચાલતું નથી એ આપણે જાણીએ છીએ. છતાં આપણું એ ‘જ્ઞાન’ કેવળ ભ્રમ નથી? ‘ઝાડ’ ‘આપણી રીતે’ ચાલતું નથી એટલું જ. પણ ઝાડની ગતિ એના ફેલાવામાં છે, એના વિકાસમાં છે. કવિ વૃક્ષની આ અકળ ગતિને એની સકળતાથી પામી શક્યા છે. પહેલી જ પંક્તિની જુઓને કેવી છાલક આવે છે! ‘પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડની છલોછલ’… દેહલીદીપ જેવા ‘રાનેરી’ શબ્દને ગોઠવીને કવિએ ઊંડી ખીણના અને ઝાડના રાનેરીપણાને પહેલી પંક્તિમાં જ ‘છલકાવી’ દીધું છે. ઝાડથી ભરચક્ક નહીં પણ ઝાડથી ‘છલોછલ’. આમ કહીને જ ઝાડની ભીતર ઝીણું ઝીણું સંચરતા જળને અને રાનપરીની એક ઝીણી જલમૂર્તિ કંડારીને કલ્પનાને (કે સાચા દર્શનને) કવિએ છલકાવી દીધી છે.

સૌંદર્ય અને ભય બન્ને જ્યારે અડખેપડખે વસે છે ત્યારે બન્નેનું ગૌરવ વધે છે. આખું વન જાણે વહે છે અને એ વહેતા જળની ઉપર કવિએ આકાશની નીલમ છત મૂકી. આ તો રાનપરી છે, વેરાનપરી નથી. વનોની ભયાનકતા કવિને અભિપ્રેત નથી એટલે આ વહી જતી વનરાઈ ઉપર જ્યારે આભની છત નીલું નીલું પ્રીતિબિમ્બાય છે ત્યારે સતીત્વમાં વનનો અને વનપરાયણ આંખનો કેવો અંજનઘેરો ચમત્કાર છે!

આકાશમાંથી તડકો જ ઝરે એવું કંઈ ઓછું છે? કવિ તો જળની ભાષામાં જ વાત કરે છે: વહેતા માધ્યમથી જ સ્થિરતાને ઓળખે છે. ‘પૂર પડ્યું અંધારું.’ એવું પૂર કે મનને એમાં તણાઈ જતાં વારવું પડે. ભલે અંધારું — અડાબીડ અંધારું — ઊભરાતું હોય પણ ‘પાંદડે પાંદડે માયા!’ જોનાર કવિ તો એકરૂપ કરી દેવાની એની રાસાયણિક શક્તિમાં મંગલનું દર્શન કરે છે:

‘અવળા રે વંટોળની અહીં સવળી પડે છાયા.’

અને ‘કોઈકે’ ફરતી મેલેલી આ માયામાં આ વાદળ, આ ઝાડ, આ પહાડ એકાકાર થઈ જાય છે. પહાડની ટૂંક પણ વાદળની સાથે સાથે વાદળરૂપ બનીને ઊડવા માંડે છે. જળ અને સ્થળનો તો ઠીક પણ આભ અને ધરતીનો સ્વભાવ પણ એક જ વિભાવ બની જાય છે. કવિ જ ઝાડને વહેતું કરી શકે અને કવિની પાંપણ જ પહાડને ઊંચકીને ચડતો કરી મેલે. વિસ્મયને પોતાને જ વિસ્મયનો આંચકો લાગે એવી લ્યો આ પંક્તિ:

‘પ્હાડને કીધા ગુમ મારીને પલમાં કોઈએ ફૂંક!’

મારા વનમાં, મારા આભમાં, મારી ભીતર કે મારી બાહ્ય ચેતનામાં જો કોઈનું વર્ચસ્વ હોય તો તે રાનવાયુના જલનું. આ રાનેરી જલ બધે જ પ્રસરી ચૂક્યું છે. એટલે કવિ છેલ્લી પંક્તિ ઉઘાડીને જ મૂકે છે: ‘પ્હાડની ઊંડી ખીણ રાનેરી ભાવથી છલોછલ’. દૃષ્ટિમાં સૃષ્ટિને નવેસરથી સર્જવાની કેવી સર્જક શક્તિ છે તે ભાવકને કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

રાવજી પટેલ અને મણિલાલ દેસાઈની કવિતાની મરણોત્તર બોલબાલા અત્યારે જે સ્તર પરથી થઈ રહી છે એ બોલબાલા એ લોકો જીવતા હતા ત્યારે (તારસ્વરે નહીં તો) મંદ્રસ્વરે પણ થઈ હોત તો કદાચ… (ચોક્કસ તો કોણ કહી શકે?) પણ કદાચ એણે કહેવું ન પડ્યું હોત કે,

‘આકાશ હાઉ હાઉ કરતું
નીચે ધસી આવશે
પણ તારના થાંભલા એને નીચે નહીં ઊતરવા દે.’

(‘એકાંતની સભા'માંથી)