અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રક્ષાબહેન દવે/શેરિયુંને નદિયુંનો


શેરિયુંને નદિયુંનો

રક્ષાબહેન દવે

શેરિયુંને નદિયુંનો આવ્યો ઑતાર
અને આંગણ તો જાણે કે ફાટ્યું તળાવડું!
છોકરાંવે છોડેલી છાપાની હોડિયુંની
હંગાથે હૈડાનું હેંડી ગ્યું નાવડું.
ઝાડવાંઓ ધૂણે છે ભૂવાની પેર,
એને વાવડો હોંકારે ‘ખમ્મા ખમ્મા’,
સંધુંયે પોઠ ભરી ઠલવ્યું ને કરી દીધું
ધરતીના પાલવમાં જમ્મા;
હવે આભ તણે માથે નહીં દેણાની ફોતરીય
પકડે નહીં કોઈ એનું બાવડું.
શેરિયુંને...
‘આવ આવ’–જપતા’તા કે’દુના મોરલા
તે મૂગા થઈ મેળાઓ માણે,
ટોળાંબંધ દાદુરડાં ભૂંડોભખ કંઠ એનો
છલકાવે ડ્રાંઉંડ્રાંઉં ગાણે;
સંધુંય કરી દીધું ભીનું ભદ્દર તોય
ગાજે છે આભ હજુ આવડું!
શેરિયુંને...



આસ્વાદ: વરસાદ પછીનો વરસાદ – વિનોદ જોશી

ધોરી ચોમાસું ચાલ્યું જતું હોય અને આકાશ લખલૂટ વરસવાને બદલે થોડું પરચૂરણે સરકાવી આપણને રાજી રાખી દેતું હોય તેવા સમયમાં પણ કવિતાનો વરસાદ તો હંમેશા ધીંગો જ રહેતો હોય છે. તેમાં પલળવા માટે કોઈ ચોમાસાની પણ જરૂર નથી. કવિતા નિત્યવર્ષણ છે. તેનાથી કપડાં નહીં હૈયું પલળે છે. અહીં લેવામાં આવેલી રચના ધીંગા વરસાદની જેમ તો વરસી છે. પણ તેનો વિષય પણ વરસાદ જ છે.

કોઈ પણ ભાષાની કવિતામાંથી પ્રેમનાં અને પ્રકૃતિનાં કાવ્યો કાઢી લઈએ તો બાકી કેટલું બચે? બહુ થોડું. ભાગ્યે જ કોઈ કવિએ પ્રેમ અને પ્રકૃતિની કવિતા નહીં કરી હોય. પ્રકૃતિના રૌદ્ર અને રમ્ય બંને સ્વરૂપોએ કવિને આકર્ષ્યા છે. વરસી રહેલા વરસાદને જોતાં જ કવિ પ્રહ્લાદ પારેખને પ્રશ્નો થયા કે:

‘વર્ષાની ધારના કોણે આકાશથી 

અવનિને ઉર આ તાર સાંધિયા?

અંગુલિ વીજની આ કોણે ફેરવી, 

શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં?’

જરા કલ્પના તો કરી જુઓ! આકાશ અને પૃથ્વીને આવરી લે એવડું મોટું કોઈ વાદ્ય નિષ્ક્રિય પડ્યું હોય, તેમાં કોઈ આવીને તાર સાંધી જાય અને પછી વીજળીરૂપી નખલીથી ઝંકાર કરે ત્યારે એ વાદ્યનો ધ્વનિ ગમે તેવી શુષ્કતાને પળવારમાં હડસેલી દે અને તેને સ્થાને ગીતની માધુરી રેલાવી દે. આ તાર સંધાયા તે વરસાદની ધારાનું તેવું કહેવું નથી પડતું છતાં સમજાય છે તે કવિતાની ખૂબી છે. અહીં પસંદ કરેલ રક્ષાબહેન દવેનું કાવ્ય વરસાદ વરસી ચૂક્યા પછીના ઉન્માદને બહુ સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. આવો ભાવ વ્યક્ત કરવા માટે સીધી સપાટ ભાષા ન ચાલે એ કવયિત્રી જાણે છે એમને એ ખબર છે કે ભાષા ભાવનું યોગ્ય પ્રતિનિધિત્વ ન કરી શકે તો વેડફાઈ જાય. એ લખે છેઃ ‘શેરિયું ને નદીયુંનો આવ્યો ઓતાર...' શાંત, સૂની પડેલી શેરીઓ ભૂવાની માફક ધૂણવા લાગે એ દૃશ્ય જ કેવું વિરલ છે! શેરીઓમાં કોણ પ્રવેશી ગયું? તો કહે છે કે નદીઓ. શેરીઓનું નદીઓમાં રૂપાંતર થઈ ગયું એટલો વરસાદ આવ્યો. શરીરમાં કોઈ ભૂતપ્રેત પ્રવેશે એટલી વાર શરીર પોતાનું નથી રહેતું. આ શેરીઓનું પણ એવું જ થયું. આંગણાનું પણ એવું જ થયું. એને માટે કવયિત્રી ફાટ્યા તળાવડાની ઉત્પ્રેક્ષા પ્રયોજે છે. શેરીથી આંગણામાં અને આંગણામાંથી ઘરમાં આવી છોકરાંને બહાર કાઢી કવયિત્રીએ એમના હાથમાં છાપાની હોડી પકડાવી દીધી. આપણે તરત સમજી જઈએ કે એ હોડી પાણી પર સરકવા લાગી હશે ને તેની સાથે હૈયાની હોડી પણ વહેવા લાગી હશે. અહીં ‘છાપાની હોડી' એમ કહેવાયું છે. ‘કાગળની હોડી' એમ કહી શકાયું હોત. પણ કાગળ તો કોરોયે હોય. છાપું કહીએ એટલે કાગળ કહેવું ન પડે અને છાપાની સારી નરસી બધી બાબતોનો નિર્દેશ થઈ જાય! આવા વરસાદના આવ્યા પછી છાપાના સમાચાર તુચ્છ બની જાય છે. એણે પણ શરણાગત ભાવથી વરસાદને પોતાની જાત સોંપી દેવાની રહે છે. કવિતાના શબ્દો અર્થોના વલયોને કેવા સંદર્ભોમાં વિસ્તારી શકતા હોય છે તે અહીં જોઈ શકાશે. જે ઑતારની વાત આરંભે થઈ તે હવે બધે જ વિસ્તરે છે. વરસાદ વરસી ચૂક્યા પછી ‘ખમ્મા ખમ્મા' કરતો નીકળી પડેલો સૂસવતો વાયરો ઝાડવાને ભૂવાની માફક ધુણાવતો જાય છે. એ જાણે દેવાદાર હોય એમ એણે એની બધી પોઠ ઠલવી દીધી અને પૃથ્વીના ખાતે જમા કરી દીધી. ઉધારીમાંથી ઉગારવા માટે એણે ધરતીનો પાલવ પસંદ કર્યો અને રમણીય લટકું કરીને વરસાદરૂપી દ્રવ્ય ‘જમ્મા કરાવી દીધું! ‘જમ્મા’ શબ્દ જાણે દેવું ચૂકવવાનો આનંદ આવ્યો હોય તેવો લાગે છે, નહીં? કાવ્યની સર્વોત્તમ પંક્તિ તો હવે આવે છે. હવે આભ તણે માથે નહીં દેણાની ફોતરીય, પકડે નહીં કોઈ એનું બાવડું...' દેણાની ફોતરીનું કલ્પન તાજગીભર્યું છે. ‘ફોતરી’ શબ્દ બહુ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે આવીને અહીં ગોઠવાઈ ગયો છે. કવિતામાં બહુ ઓછો વપરાયેલો આ શબ્દ તેનો પૂરો કસ નીકળે તે રીતે અહીં તેનું સ્થાન લઈ લે છે, કંઈક ઉધારી બાકી હોય તો કોઈ રસ્તામાં બાવડું પકડીને ઊભા રાખે. વ્યવહારજંગતનો આવો સ્થૂળ સંદર્ભ અહીં કાવ્યમાં પ્રયોજાય છે ત્યારે કેવી ઊંચાઈ ધારણ કરે છે! જેમ આકાશે દેણું ઉતાર્યું તેમ કવિતાએ પણ પોતાની જવાબદારી બરાબર બજાવી. પછી તો વાત સરળ થઈ ગઈ. દેવું ચૂકવાયા પછીની હળવીફૂલ સ્થિતિ સાંપડી. મોરલાઓનું ‘આવ આવ’ હવે વિરમી ગયું. હવે એ પણ જાણે મેળો માણવા લાગ્યા. અહીં મોરલા નિમિત્તે કોની વાત થઈ રહી છે તે કવિતાના રસિયા ભાવકોને તરત સમજાશે. જેને જે ઇષ્ટ હતું, જેની વાંચ્છા હતી તે સાંપડ્યું પછી બીજું શું જોઈએ? પણ મોરલા મૂગા થઈ નિજમાં નિમગ્ન બન્યા તો જાણે એ સહેવાતું ન હોય તેમ ટોળાબંધ દાદુરડાં એટલે કે દેડકાં ડ્રાઉંડ્રાઉંના ધ્વનિથી તેમાં વિક્ષેપ સર્જવા લાગ્યા. અહીં વ્યવહારજગતની વાસ્તવિકતા સાથે આ વાતને જોડી જોવા જેવી છે. મોરલા મૂગા થઈ જાય અને દેડકાનો કર્કશ ધ્વનિ ગાજતો રહે એ સ્થિતિ સ્પૃહણીય નથી. એનોયે કશોક અંત તો હશે જ. અને કહે છે: ‘ગાજે છે આભ હજુ આવડું!' હજી ક્યારે ફરી પાછો પ્રપાત થાય અને ફરી આકાશ અને પૃથ્વીને સાંધતા તાર ઝણઝણી ઊઠે તે કહેવાય નહીં. વરસાદ વરસી ચૂક્યા પછીની પળે જાણે એકાએક હૈયામાંથી કૂદી આવ્યું હોય તેવું આ કાવ્ય છે. તેમાં ભાષાની વર્ણલીલાનું જે સંગીત રચાય છે તે સરવા કાન હશે તેમને સંભળાયા વિના નહીં રહે.