અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/રે'શું અમેય ગુમાનમાં


રે'શું અમેય ગુમાનમાં

રમેશ પારેખ

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીયે…

ખોલીશું બારણા ને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહીં બોલીયે…

આસનિયાં ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહીં બોલીયે…

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું
મુખવાસા દેશું પાનમાં
હરિ સંગ નહીં બોલીયે…

મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દઈ દેશું દાનમાં
હરિ સંગ નહીં બોલીયે…




રમેશ પારેખ • રેશું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલીયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ