આંગણું અને પરસાળ/મુખડાની માયા


મુખડાની માયા

‘મુખડાની માયા...’ એટલું સંભળાતાં જ મીરાંબાઈના પદની એ આખી પંક્તિ મનમાં સરકી આવવાની : ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા..’ આપણે સૌએ સુગમ સંગીતના લયમાં જ સાંભળ્યું હોય આ પદ, એટલે મનમાં એના સૂર ગૂંજ્યા કરવાના. ધારો કે ગાતાં આપણને આવડતું હોય નહીં, ગાવા જઈએ તો સૂર અળવીતરા થઈ જતા હોય પણ મનમાં ને મનમાં તો આપણે અણીશુદ્ધ ગાતા હોઈએ છીએ કેમકે આપણે ગાયકને મુખે તો અણીશુદ્ધ ગવાયેલું ‘સાંભળ્યું’ હોય છે ને? એટલે મનમાં રણઝણતું ગીત એ જ સાચું ગીત, એ જ મૂળ ગીત. જો કે આપણા કાન માત્ર અવાજ જ સાંભળે છે એવું થોડું છે? કાન જરાક સરવા કરીશું એટલે કે વધુ ધ્યાનથી સાંભળીશું તો સૂરનાં આંદોલનોની સાથે જ અર્થનાં આંદોલનો પણ વિસ્તરતાં જણાશે. સંસ્કૃતના રસિક પંડિતોએ તો અર્થને પણ ધ્વનિ કહ્યો છે : ‘ધ્વનિઃ આત્મા કાવ્યસ્ય’ – કાવ્યનો આત્મા ધ્વનિ છે. પહેલાં સંભળાય ને પછી ચિત્તમાં, મનબુદ્ધિમાં ઊંડે સુધી વિસ્તરે. અર્થનો આલોક થાય – એનું આનંદદાયક અજવાળું થાય. આ મીરાંની કવિતામાં પણ જુઓ ને? ના, જુઓ નહીં, સાંભળો : મુખડાની માયા. બીજીવાર સાંભળતાં જ અજવાળું થશે કે મુખની માયા એમ કહ્યું નથી, ‘મુખડા’ની માયા, એમ છે. મુખ શબ્દ તો ચુસ્ત સંસ્કૃત, પણ મુખડું કહ્યું એટલે શબ્દ લહેરાતો થઈ ગયો, આપણો થઈ ગયો, તળ ગુજરાતીનો થઈ ગયો. મુખડું કહેવામાં કેવું તો વહાલ વ્યક્ત થાય છે! એની માયા લાગી છે મીરાંને. માયા એટલે જ પ્રીતિ. ચારે બાજુ વીંંટળાઈને ખેંચી રાખે, છોડવાનું કે છૂટવાનું મન જ ન થાય તે માયા. અને કોની માયા લાગી છે મીરાંને? મોહન પ્યારાની. મોહન એટલે મોહરૂપ. માત્ર મોહ કરનાર, મોહક એમ નહીં, પણ મોહન. જરા વિસ્તારીએ તો મનમોહન. પણ વળી થાય કે આ ‘પ્યારા’ શબ્દ મીરાંમાં ક્યાંથી આવી ચડ્યો? મીરાં વૃંદાવન ગયેલાં ને? ત્યાંની ભાષાની માયામાં વીંંટાઈને જ એ આવ્યો લાગે છે. હશે. આપણને તો મમ્ મમ્ સાથે કામ. જુઓને, આ પંક્તિમાં મ મ કેટલીવાર, કેવી સરસ રીતે, આવે છે? મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. અવાજનો જાદુ છે. એનીય માયા લાગી જાય છે આપણને. અરે પણ પેલા વેદાંતીઓ તો માયાનો વિરોધ કરે છે, માયાનો નિષેધ ફરમાવે છે. વેદાંતી કવિ અખો જ યાદ આવી જાય. માયાના રૂપનું વર્ણન કરીને એ માયાનો પરિહાર કરવાનું બતાવે છે. એ નિષેધ અખામાં કેવો તો ચિત્રાત્મક બની જાય છે! એ કહે છે : ‘અખા, માયા કરે ફજેત, ખાતા ખાંડ ને ચાવે રેત.’ માયા દેખાય તો ખાંડ જેવી શ્વેત ને સ્વાદપ્રેરક, પણ ચાવતાં જ ખબર પડે કે અરે આ તો રેત હતી. ઓહ્.. તો મીરાં જેવી ભક્તની આ માયાનું શું સમજવું આપણે? એના પદની બીજી જ પંક્તિ જરા યાદ કરીએ : ‘મુખડું મેં જોયું તારું; સર્વ જગ થયું ખારું.’ અરે મોહન, તારું મુખડું જોયું શું ને આ આખું જગત, આ જીવન, મને ખારું ઉસ થઈ ગયું છે, અણગમતું થઈ ગયું છે. આને કહીશું સાક્ષાત્કાર. માયાથી જ માયાનો નિષેધ. જગત એ જ માયા છે એમ વેદાંતીઓ કહે છે તો એ જગત જ મીરાંને અણગમતું, નિષિદ્ધ લાગે છે. ને જગત તો કેવું છે? મર્ત્ય-મૃત્યુશીલ, ને વળી ઝાંઝવાનાં નીર જેવું, છેતરનારું. એ માયાની છેતરપીંડી મોહનના મુખડાની આ માયામાં નથી. કેમકે એ નિરંતર છે, એ પરમ સત્ય છે ને એ કારણે જ એ પરમ સુંદર છે. મીરાંની ભક્તિ ને મીરાંની પ્રીતિ એ આવા ઉચ્ચતર સૌંદર્ય સાથે, શાશ્વત સૌંદર્ય સાથે છે. કારણકે એ અખંડ છે, અ-ખંડ સૌભાગ્ય છે. અધ્યાત્મ એ શુષ્ક ચર્ચાનો વિષય નથી જ, એ આપણા કવિઓએ બતાવી આપ્યું છે. કેમકે એમાં સાક્ષાત્કારનો, તીવ્ર અનુભવનો અને સદ્ય દર્શનનો આલેખ છે. જુઓ ને નરસિંહમાં પણ. ઈશ્વરનું ચિત્ર એ આ રીતે આલેખે છે – ‘પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા – વૃક્ષ થૈ ફૂલી રહ્યો આકાશે.’ પંચમહાભૂત ખરાં પણ આકાશના ખાલીપણામાં (શૂન્યમાં) વૃક્ષનો આકાર રચાઇ જતો જુએ એ કવિ છે. નરસિંહ એટલે જ કવિ છે. આપણા ઉત્તમ ભક્ત કવિઓએ આમ અધ્યાત્મ-અનુભવને પણ અતિ સુંદર બનાવીને મૂક્યો છે. સાક્ષાત્કાર એ ગેબી ચમત્કાર નથી – એ તીર ગતિનો, ઊંડે ઊતરી જતો ને બહારના વિશ્વને આલોકિત કરી જતો અનુભવ છે. કેમ કે એ અનુભવ સુંદરનો છે, પરમ સુંદરનો છે. લોકગીતનો ભજનિક પણ ઉમંગથી એ જ ગાય છે – ‘હો મળવા આવો સુંદરવર શામળિયા.’ આ પણ માયા છે. એેટલે જ આપણે ઊગતા ગુલાબી સૂર્યને, ખીલતા પ્રસન્ન પુષ્પને, પ્રફુલ્લ સુંદર ચંદ્રને ને આવીઆવી ભક્તિ-પ્રેમની કવિતાને જોઈને ઉદ્ગાર કરી ઉઠવાના – મુખડાની માયા લાગી રે...

૧૦.૧૧.૨૦૦૫