ઉવેખાયેલી વાર્તાઓ/એક પરિણયકથાનો પ્લૉટ

એક પરિણયકથાનો પ્લૉટ

આ વાર્તાનું સાચું શીર્ષક તો ‘એક ભેદી પરિણયકથા’ હોવું ઘટે, પણ રખેને ભેદી શબ્દ કોઈ કાચાપોચા વાચકને ગભરાવી મૂકે, એ ભયથી એને ‘એક પરિણયકથાનો પ્લૉટ’ કહીને જ સંતોષ માનવો પડ્યો છે. શીર્ષક પરથી જ સમજાઈ ગયું હશે કે આ કૃતિ એક સ્વંય-સંપૂર્ણ કથા નથી; કથાનો પ્લૉટ માત્ર છે. દેશી છબીઘરોને દરવાજે વેચાતી સિનેમાના સાર-ગાયનની ચોપડીના એકદોઢ પાનામાં ચિત્રપટના કથાનકની આછીપાતળી અછડતી રૂપરેખા જ આપવામાં આવે છે, અને એમાંય વળી નાયક-નાયિકાના જીવનની ખરી ગૂંચને સ્થળે જ કથાસાર કાપી નાખીને, નાયિકાનું શું થયું એ જાણવા માટે ‘જુઓ ફલાણા થિયેટરના રૂપેરી પડદા ઉપર’, એમ જે સૂચના આપવામાં આવે છે, એવી જ કરામત આ કથામાં પણ કરવી પડી છે. અહીં પણ આદિ-મધ્ય-અંત સહિત આખેઆખી કથા નથી આલેખી. કથાનું માળખું તો રચ્યું જ નથી. કથાનાયિકા રેખા એના ભાવિ ભરથારને કેવા ભેદી સંજોગોમાં મળી, અને એથીય વધારે ભેદી સંજોગોમાં કયાં અદકાં ભેદી કારણોસર પરણી ગઈ, એની અથેતિ વાત કહેવાને બદલે એકાદબે ઇંગિત વડે જ આખો કિસ્સો રજૂ કર્યો છે, અને આ રીતે કથાની ખૂટતી કડીઓ સહુ વાચકો પોતપોતાની રીતે જ કલ્પી કાઢે તથા નાયિકાના પરિણયનો ભેદ ઉકેલવા માટે દરેક સાહસપ્રિય ને કુતૂહલપ્રિય વાચકને શેરલોક હોમ્સ બનવાની પણ તક મળી રહે એવી જોગવાઈ કરી છે. મુંબઈમાં ભૂલેશ્વર ઉપર બીજા ભોઈવાડામાં રહેતાં અને અખબારોની ભાષામાં કહીએ તો ‘પ્રેમીપંખીડાં’ ગણાતાં, રેખા અને રમેશ એક રાતે સેન્ટ્રલ સ્ટેશન પરથી વીરમગામ પેસેન્જરમાં નાસી છૂટ્યાં. (મુંબઈથી ઊપડતી સંખ્યાબંધ મેલ તથા એકસ્પ્રેસ ટ્રેનો મૂકીને, ભાગી છૂટવા માટે આ પ્રેમીઓએ વીરમગામ પેસેન્જર જ શા માટે પસંદ કરી, એનાં કારણો પણ વાચકોએ કલ્પી લેવાં.) રેખા અને રમેશની ગુપ્ત યોજના તો એવી હતી કે વડોદરા જઈને આર્યસમાજમાં લગ્નગ્રંથિથી જોડાઈ જવું. (અહીં જીવનસાયુજ્ય માટે ઉત્સુક તરુણ હૃદયોમાં ઊઠતાં રોમાંચક સ્પંદનો દરેક વાચકે પોતપોતાની ગુંજાઇશ પ્રમાણે જાણી-માણી લેવાં.) વહેલી પરોઢમાં સુરત સ્ટેશને ગાડી થોભી. રમેશ અને રેખા જે કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરી રહ્યાં હતાં એમાં એક ‘સુરતીલાલ સહેલાણી’ દાખલ થયા. રેખા અને રમેશને આ અણધાર્યો આગંતુક આંખમાં કણાની જેમ ખૂંચ્યો. રેખાના મનમાં ભયની લાગણી જન્મી. રમેશના મનમાં ઈર્ષ્યાની. (એ લાગણીઓનાં વિગતવાર વર્ણનો દરેક વાચક પોતપોતાની રીતે રચી કાઢે.) સુરતી જુવાન ‘બાંકે સાવરિયા’ ઢબનો - અથવા, વાર્તાને અર્વાચીન ઇડિયમ આપીને કહીએ તો, અફલાતૂન આવારા છાપ હતો. તેથી જ તો રમેશના મનમાં જન્મેલો ઈર્ષ્યાગ્નિ વધારે પ્રજળી ઊઠ્યો. એણે આ આવારા ઉપર ચોકિયાત નજર રાખવા માંડી. રમેશમાં રહેલો સનાતન ઈર્ષ્યાળુ પુરુષ એક આંખ આગંતુક ઉપર માંડી રહ્યો હતો ત્યારે એમાં રહેલો સનાતન સંશયાત્મા બીજી આંખે રેખાનો ચોકીપહેરો ભરી રહ્યો હતો. ભયભીત અને વિહ્વળ બની ગયેલી રેખાની સ્થિતિ કેવી વિષમ થઈ પડી હશે એની કલ્પના તો વાચકો પર જ છોડીને વીરમગામ પેસેન્જરને આગળ ધપાવીએ. ગાડી છેક વિશ્વામિત્રી સ્ટેશને પહોંચી ત્યાં સુધી રમેશે પેલા સુરતી સહપાન્થ ઉપરથી નજર ખસેડી નહોતી. પણ હવે નાછૂટકે એને પાણી પીવા નીચે ઊતરવું પડ્યું. ચોકસાઈપૂર્વક કહીએ તો, રમેશ બરોબર બાર મિનિટ ને ચાળીસ સેકન્ડ સુધી રેખાના દરોગા તરીકેની કામગીરીમાંથી ચ્યુત થયો. બાર મિનિટ વીત્યા પછી બરોબર ચાળીસમી સેકન્ડે તો એ પાછો પોતાની બેઠક પર આવી જ ગયો, અને પહેરેગીરની કામગીરી પૂર્વવત્ શરૂ કરી પણ દીધી. પણ... પણ એ બાર મિનિટને ચાળીસ સેકન્ડની ગેરહાજરી દરમિયાન તો... શું થયું હતું? શું થયું હશે? શું થઈ શકે? એ બધો ઘટસ્ફોટ કરી નાખીને કથામાં રહેલું ભેદી તત્ત્વ મારી નાખવું ઉચિત નથી લાગતું. એને બદલે રેખાનું શું થયું, એ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. વીરમગામ પેસેન્જર વડોદરા સ્ટેશને થોભી અને એમાંથી રેખા, રમેશ તથા પેલો સુરતી સહેલાણી ઊતર્યાં. વાંચનારને હવે તો કુતૂહલ થશે જ કે રેખા પરણી કે નહીં? હા. બીજે જ દિવસે, પૂર્વયોજના મુજબ રેખા પરણી ગઈ, પણ રમેશ જોડે નહીં, પેલા અફલાતુન આવારા જોડે. તા. ક. આ કથા પૂરી કરતી વેળા એક નવું શીર્ષક સૂઝે છે: આ પરિણયકથાના મથાળામાં પ્રતીક યોજીને એને ‘વીરમગામ પેસેન્જર’ જેવું સૂચક નામ આપીએ તો કેમ?