ઋણાનુબંધ/બા

બા


બા બહુ ભણેલાં નહોતાં.
એમણે આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો
કર્યાં કર્યાં.

એમણે છોકરાં ઉછેર્યાં,
ભણાવ્યાં,
પરણાવ્યાં
ને ઠેકાણે પાડ્યાં.
એમણે મરતાં સુધી
વ્યવહારકુશળ મૅનેજરની જેમ
બહોળું કુટુંબ નભાવ્યું.
એમણે મહિલાઓની સમસ્યા સમજવા ને સમજાવવા
સમાજમાં આગળ પડતો ભાગ લીધો.
એમણે એમની આસપાસનાં
ત્યજાયેલાં સ્ત્રી-બાળકોને આશરો આપ્યો.
એમણે અડધી રાતે
અણધારી અને વણમાગી મદદ કરી.
એમણે બીજાંનાં સુખ માટે
ઈશ્વર પાસે હાથ લંબાવ્યા કર્યો.

બા બહુ ભણેલાં નહોતાં.
એમણે આખી જિંદગી
ક્ષુલ્લક ને બિનજરૂરી કામો જ
કર્યાં કર્યાં…