એકોત્તરશતી/૧૦. દુઈ પાખી


બે પંખી( (દુઈ પાખી)


પાંજરાનું પંખી સોનાના પાંજરામાં હતું, વનનું પંખી હતું વનમાં. એક દિવસ કોણ જાણે શી રીતે બંનેનું મિલન થયું. વિધાતાના મનમાં શુંય હશે! વનનું પંખી બોલ્યું : પાંજરાના પંખી ભાઈ, આપણે બંને મળીને વનમાં જઈએ.’ પાંજરાનું પંખી કહે : ‘વનનાં પંખી, આવ પાંજરામાં એકાન્તમાં રહીએ.’ વનનું પંખી કહે : 'ના, હું સાંકળમાં નહિ પકડાઉં?’ પાંજરાનું પંખી બોલ્યું : હાય, કેમ કરી હું વનમાં બહાર પડું?’ વનનું પંખી બહાર બેઠું બેઠું જેટલાં વનનાં ગીત હતાં તે ગાય છે. પાંજરાનું પંખી એની પહેલી બોલી બોલે છે. — બંનેની ભાષા બે જાતની છે. વનનું પંખી કહે : 'પાંજરાના પંખી ભાઈ, વનનાં ગીત ગાઓ જોઉં.’ પાંજરાનું પંખી કહે : ‘ભાઈ વનપંખી, પાંજરાનું ગીત શીખી લે.’ વનનું પંખી કહે : 'ના, મારે શીખવેલું ગીત ન જોઈએ.’ પાંજરાનું પંખી કહે : 'હાય, કેમ કરી હું વનનું ગીત ગાઉં?’ વનનું પંખી કહે : ‘આકાશ ઘન નીલ છે, એમાં ક્યાંય બાધા નથી.' પાંજરાનું પંખી કહે : 'પાંજરું કેવું વ્યવસ્થિત ચારેકોર ઢાંકેલું છે!' વનપંખી કહે : 'વાદળોની વચ્ચે પોતાની જાતને બિલકુલ છોડી દે.' પાંજરાનું પંખી કહે : ‘એકાન્ત સુખદાયક ખૂણામાં પોતાની જાતને બાંધી રાખ.’ વનપંખી કહેઃ ‘ના, ત્યાં ઊડવાનું ક્યાં મળે?’ પાંજરાનું પંખી કહે : ‘હાય, વાદળામાં બેસવાનું ઠામ ક્યાં?’ આ રીતે બંને પંખી એકબીજાને પ્યાર કરે છે, તોપણ એકમેકને નિકટ પામી શકતાં નથી. પાંજરાનાં બાકોરાંમાંથી મુખથી મુખને સ્પર્શે છે મૂંગાં મૂંગાં આંખે નીરખ્યાં કરે છે. બંનેમાંથી કોઈ કોઈને સમજી શકતું નથી, પોતાને સમજાવી શકતું નથી. બંને એકલાં એકલાં પાંખોની ઝપટ મારીને કાતર સ્વરે કહે છે: ‘પાસે આવ.' વનપંખી કહે છેઃ 'ના, ક્યારે પાંજરાનું દ્વાર બંધ કરી દે.’ પાંજરાનું પંખી કહેઃ ‘હાય, ઊડવાની મારામાં શક્તિ નથી.’ ૨ જુલાઈ ૧૮૯૨ ‘સોનાર તરી’

(અનુ. ઉમાશંકર જોશી)