કળા, સાહિત્ય અને વિવેચન/આદ્યબિંબોને લક્ષતું વિવેચન

આદ્યબિંબોને લક્ષતું વિવેચન

(Archetypal Criticism)

વિવેચનનો આ અભિગમ જાણીતા મનોવિજ્ઞાની કાર્લ યુગની archetype : આદ્યબિંબની વિશિષ્ટ વિભાવના પર નિર્ભર છે, અને આ સદીના પૂર્વાર્ધમાં તેની પ્રતિષ્ઠા થઈ છે. કૃતિઓમાં ગૂંથાયેલાં આદ્યબિંબોની ઓળખ કરવી અને તેના અર્થો અને અર્થસાહચર્યોની તપાસ કરવી એ તેનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. આદ્યબિંબની વિભાવના મૂળે તો યુંગના ‘સામૂહિક અસંપ્રજ્ઞાત’ (collective unconscious)ના મનોવૈજ્ઞાનિક ખ્યાલ સાથે આંતરિક રીતે જોડાયેલી છે. એ કારણે એલિઝાબેથ રાઇટ જેવાં આ વિષયના વિશેષજ્ઞ અભ્યાસી મનોવિશ્લેષણવાદી વિવેચનના એક ભાગ રૂપે એની ચર્ચા કરે છે : બીજી બાજુ, આદ્યબિંબોનો સૌથી પ્રાચીન અને પ્રાણવાન આવિર્ભાવ પુરાણઘટકો કે પુરાણપ્રતીકોમાં જોવા મળે છે. એટલે નોર્થ્રોપ ફ્રાય જેવા નામાંકિત અભ્યાસી આદ્યબિંબલક્ષી વિવેચનના મૂળ આધાર તરીકે પુરાણકથા(myth)ની આગવી રીતે સિદ્ધાંતચર્ચા કરવા પ્રેરાયા છે. આદ્યબિંબોને લક્ષતું વિવેચન, એ રીતે, મનોવિજ્ઞાન અને પુરાણતત્ત્વવિચાર એમ બે ભિન્ન ક્ષેત્રોની સાથે સજીવ રીતે જોડાયેલું છે. પુરાણકથા(myth)નો ખ્યાલ જોકે માનવસંસ્કૃતિમાં ઘણો પ્રાચીન છે, અને એટલો જ જટિલ પણ નીવડયો છે. આદ્યબિંબનો ખ્યાલ આ સદીમાં જન્મ્યો અને વિકસ્યો છે. આદ્યબિંબોની ઉપસ્થિતિ, અલબત્ત, પ્રાચીનમાં પ્રાચીન પુરાણકથાઓમાં પ્રત્યક્ષ થાય છે. એ પુરાણકથાઓની સામગ્રી લઈને રચાયેલાં મહાકાવ્યો અને નાટકોમાં – એ રીતે મહાન પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યની દીર્ઘ પરંપરામાં – આદ્યબિંબોની લગભગ સાતત્યપૂર્વક સંયોજના થતી રહેલી છે. પરીકથાઓ/લોકકથાઓમાંય એના અવશેષો કે એનાં સમરૂપો પ્રાપ્ત થાય છે. દેવ અસુર/સ્વર્ગ પૃથ્વી પાતાળ/સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો/પ્રકાશ અંધકાર પડછાયા/પિતા માતા/અગ્નિ જળ મરુત આકાશ ધરતી/નારા સમુદ્ર જળરાશિ/ઇંદ્ર ઇંદ્રાણી અપ્સરા મોહિની લક્ષ્મી/ધરતીમાતા, ગંગામાતા દુર્ગા કાલિકા/પર્વત ખીણ ગુફા અરણ્ય/પશુ પંખી/અશ્વત્થ પારિજાત/રણ ખડક વંધ્યભૂમિ વર્ષા/બીજ યોનિ નાભિ લિંગ/રથ હોડી મૂર્તિ વેદી/એ સર્વ તત્ત્વો સાહિત્યમાં વારંવાર આદ્યબિંબો રૂપે ગૂંથાયેલાં જોવા મળે છે. પણ વિવેચનના ‘સાધન’ લેખે આદ્યબિંબોની તપાસ આપણા સમયમાં આરંભાઈ છે. ફ્રોય્‌ડના મનોવિશ્લેણવાદમાં અસંપ્રજ્ઞાતની વિભાવના પહેલી વાર પ્રતિષ્ઠિત થઈ. પોતાની તપાસના આરંભના તબક્કામાં અસંપ્રજ્ઞાતની, સંપ્રજ્ઞાત ચિત્તની નીચે તેમણે એક અલગ ખંડ રૂપે રજૂઆત કરી. અવરુદ્ધ ઇચ્છાઓ, વૃત્તિઓ અન્ય સુખદ પદાર્થો સાથે બંધાઈને કલ્પનો/વિચારોનો પુદ્‌ગલ રચે છે, જે અસંપ્રજ્ઞાતના સ્તરે ટકી રહે છે. બીજા તબક્કામાં ફ્રોય્‌ડે અસંપ્રજ્ઞાતના સ્વરૂપ અને સંરચન વિશે જરા જુદી રીતે રજૂઆત કરી. આ સમયે અસંપ્રજ્ઞાત કોઈ તળનો અલગ ખંડ નહિ, પણ માનસનું એક સક્રિય ગતિશીલ સાધન બન્યું છે. સંપ્રજ્ઞ સ્તરના ‘અહમ્‌’(ego) અને ‘સર્વોપરીઅહમ્‌’(super-ego)માંય તે રૂપાંતર સાધીને પ્રવેશે છે. પણ ફ્રોય્‌ડના મનોવિજ્ઞાનમાં અસંપ્રજ્ઞાત મુખ્યત્વે તો વ્યક્તિની અંગત માનસિકતાનો જ વિસ્તાર છે. જોકે અસંપ્રજ્ઞાતમાં પડેલાં અમુક તત્ત્વો આદિમતાના આછા અણસાર આપે છે એમ તેમને અભિમત છે. કાર્લ યુંગ અસંપ્રજ્ઞાતની વિભાવનામાં ફ્રોય્‌ડથી ઠીક ઠીક જુદા પડ્યા. ફ્રોય્‌ડની અસંપ્રજ્ઞાતની વિભાવના તેમને ઘણી ઉપરછલ્લી અને સાંકડી લાગી. એટલે વ્યક્તિના અસંપ્રજ્ઞાતની નીચે સામૂહિક અસંપ્રજ્ઞાત(collective unconsciouness)નો નિઃસીમ વિસ્તાર તેમણે સ્વીકાર્યો. આ સામૂહિક અસંપ્રજ્ઞાત સૃષ્ટિના આદિ અંશોનો અવિભાજિત સમુચ્ચય માત્ર છે. વ્યક્તિની સંપ્રજ્ઞતા તો એક અતિ અલ્પ ટાપુ સમી છે. એની ચારે પાસ સામૂહિક અસંપ્રજ્ઞાતનો અફાટ વિસ્તાર છે. એ કોઈ વ્યક્તિચેતનાની ઘટના પણ નથી. જોકે વ્યકિતચેતના એમાં સર્વત્ર વિસ્તરેલી છે. વ્યક્તિની સંપ્રજ્ઞતા – તેનો અહમ્‌ રૂપે વિકાસવિસ્તાર એ માનવજાતિના ઇતિહાસની પાછળની ઘટના છે. સામૂહિક અસંપ્રજ્ઞાત એ પૂર્વે આદિકાળથી અસ્તિત્વમાં હતું. આ સામૂહિક અસંપ્રજ્ઞાતમાં ઉદ્‌ભૂત થઈને રહેલાં આદ્યબિંબો જન્મજાત અસાધારણ પ્રાણશક્તિ ધરાવે છે, કશુંક અતિ ગુહ્ય રહસ્ય એમાં નિહિત રહ્યું છે અને શાશ્વતમાં વિસ્તરીને સમગ્ર માનવજાતિને પ્રભાવિત કરવાની તે ક્ષમતા ધરાવે છે. આ આદ્યબિંબો સામૂહિક અસંપ્રજ્ઞાતની આંતરિક સામગ્રી છે, અને એ સ્તરે એની સાર્વત્રિક અને સર્વકાલીન ઉપસ્થિતિ સંભવે છે. એ ખરું કે જુદા જુદા સમાજો, જાતિઓ કે વંશોમાં આગવા ઐતિહાસિક સાંસ્કૃતિક સંયોગો વચ્ચે આદ્યબિંબોના પ્રગટીકરણમાં અમુક વિશેષ લક્ષણો જોવા મળે છે, પણ એવી વિલક્ષણતાઓ છતાં સર્વ સમાજો અને સંસ્કૃતિઓમાં, એનાં આદિ રૂપોમાં તે સર્વસામાન્ય હોય છે. હકીકતમાં, માનવજાતિના અસંપ્રજ્ઞાતમાં સદીઓના અનુભવોની સર્વસામાન્ય આદિરૂપતા(types) અંકિત થઈને એ અસ્તિત્વમાં આવ્યાં હોય છે, અને એ કારણે એ દરેકમાં પ્રતિનિધાનત્વ પ્રાપ્ત થાય છે. બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર આદિ વિભૂતિઓને નિહાળતાં જન્મેલા વિસ્મયો, અંધકાર, તેજ અને પડછાયાની લીલાઓ જોઈ ઉદ્‌ભવેલાં આશ્ચર્યો, સૃષ્ટિનો ઉદય, સ્થિતિ અને લયના વિચારો, પશુપંખીઓનું વિશ્વ, વનસ્પતિજગત અને ઋતુચક્રો, પર્વતો નદીઓ સમુદ્રોની શાશ્વતી, સ્ત્રીપુરુષના જાતીય સંબંધો, જન્મ અને મૃત્યુની ઘટના, માતાપિતાની સત્તા, મૃત્યુ પછીનું જીવન, પરલોક એવી એવી ઘટનાઓ આદિ માનવના અસંપ્રજ્ઞાત પર અસાધારણ ઉત્કટ પ્રભાવ પાડતી રહી હશે. માણસમાં સંપ્રજ્ઞતા જન્મી તે પહેલાં અસંખ્ય યુગો સુધી ‘આદિભૂત અસંપ્રજ્ઞાત’ (primordial unconscious) આદ્યબિંબોથી સંચિત થતું રહ્યું હશે. વિશ્વપ્રકૃતિના જુદા જુદા પદાર્થોની આસપાસ અમુક રહસ્યમંડિત અનુભૂતિઓ સંકળાતી રહી હશે, આમ, આદ્યબિંબો એ કોઈ એકાકી વ્યક્તિની ઉપલબ્ધિ નાથી : વિશાળ માનવજાતિના સામૂહિક પ્રતિભાવો એમાં એકત્ર થયા છે, વળી કોઈ આદ્યબિંબ અલગ ઊપસ્યું હોય એમ પણ નથી : પ્રાકૃતિક અતિપ્રાકૃતિક ઘટનાઓમાં સજીવ સંબંધોવાળાં આદ્યબિંબોની અમુક તરેહ કે શૃંખલા સાથોસાથ રચાઈ આવી હોય છે. પુરાણકથાઓ અને તેમાંથી ઉત્પન્ન મહાકાવ્યો, નાટકો વગેરેમાં વારંવાર એવી તરેહો જોવા મળે છે. સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસમાં અમુક આદ્યબિંબોની તરેહો સાતત્યપૂર્વક યોજાતી રહી હોય છે. વ્યાપકપણે પ્રજાના ચિંતનસંવેદનમાં અને કળાકીય અભિવ્યક્તિઓમાં ફરી ફરીને આદ્યબિંબો સાથે અનુસંધાન થતું રહે છે. આદ્યબિંબો જ વ્યક્તિને વિશાળ માનવજાતિના સાર્વત્રિક અને સર્વકાલીન અનુભવોના કેન્દ્રમાં મૂકી આપે છે, કવિઓને વર્તમાન જ્યાં છીછરો અને ક્ષણજીવી લાગે છે ત્યાં આદ્યબિંબો તેને વર્તમાનથી ૫૨ શાશ્વતીમાં સ્થાપી આપે છે. વિશ્વજીવનનાં ગહનતમ સંવેદનો અને તેમાં નિહિત રહેલાં રહસ્યો એમાં સઘનપણે સંચિત થયાં હોય છે. એ રીતે આદ્યબિંબો કશુંક સાક્ષાત્કારનું તત્ત્વ (revealatory element) ધરાવે છે. આદ્યબિંબોના માધ્યમથી વ્યક્તિચેતના એના ઉદ્‌ભવના આદિ સ્રોત સુધી પહોંચે છે. બલકે, સમગ્ર માનવજાતિના સૌથી મૂળભૂત અનુભવોમાં સહભાગી બને છે. ઐતિહાસિક ક્રમમાં જુદા જુદા સમાજોની જીવનરીતિ અને આચારવિચારો બદલાયા છે, તોપણ માનવવ્યક્તિના અનુભવોમાં આદ્યબિંબોનો લોપ થયો નથી. યુગ તો એમ કહે છે કે વૈજ્ઞાનિક વિચારણાઓના પ્રભાવમાં પુરાણકથાઓ અને આદ્યબિંબોનું જગત લુપ્ત થઈ જતું લાગશે, પણ વાસ્તવમાં તે ક્યારેય નષ્ટ થયું નથી અને થવાનું નથીઃ એ આદ્યબિંબો ફરી સામૂહિક અસંપ્રજ્ઞાતમાં ડૂબી જશે, પણ વ્યક્તિઓની આંતરિક જરૂરિયાતને વશ વરતીને તે ફરી પ્રગટ થશે. આદ્યબિંબો માનવીય વાસ્તવનો અવિનાશી અંશ છે. આદ્યબિંબોને લક્ષતા વિવેચનમાં જાણીતાં અભ્યાસી મૉદ બૉદકિનનું અર્પણ ખાસ નોંધપાત્ર છે : ‘Archetypal Patterns in Poetry’ શીર્ષકના અભ્યાસગ્રંથમાં પશ્ચિમના પરંપરાગત તેમજ આધુનિક સાહિત્યમાંથી દૃષ્ટાંતો લઈ તેમાં આદ્યબિંબોની વિશિષ્ટ તરેહો કેવી રીતે ઊપસી આવી છે તેનું ઘણું ઝીણવટભર્યું અધ્યયન રજૂ કર્યું છે. અલબત્ત, જુદા જુદા સમયના કવિઓ-લેખકોમાં વિશિષ્ટ સર્જકકલ્પનાના બળે મૂળનાં આદ્યબિંબોમાં કેવાં વિશેષ લક્ષણો પ્રગટ્યાં છે કે તેમાં કેવાં આંશિક નવસંસ્કરણો સિદ્ધ થયાં છે તે પર તેમનું ધ્યાન રહ્યું છે, અને સાહિત્યવિવેચક માટે એ રીતે કાલ્પનિક નવસર્જનના વ્યાપારોની તપાસ પણ આવશ્યક છે. જેમ કે, કોલરિજની જાણીતી કાવ્યરચના ‘The Rime of the Ancient Mariner’માં પુનર્જન્મના આદ્યબિંબની તેમણે જે રીતે તપાસ આદરી છે તેમાં યુંગને અભિમત ‘રાત્રિપ્રવાસ’નો વિષય, સ્વપ્નસૃષ્ટિની તુલનામાં કાવ્યરચનાની વિશિષ્ટ વિધાયકતા, જીવન અને મૃત્યુબોધ પરત્વે ફ્રોય્‌ડનું ચિંતન અને તેમાં સૂચિત પુનઃજીવનનો ખ્યાલ એવા અનેક મુદ્દાઓ સાંકળ્યા છે, અને સમગ્ર કૃતિના સંવિધાનમાં વ્યાપકપણે પુનર્જન્મનું આદ્યબિંબ કેવી રીતે નિર્ધારક બન્યું છે તેની ચર્ચા કરી છે. સ્વર્ગ-પાતાળ કે સ્વર્ગ-નર્કનાં આદ્યબિંબોની તપાસ પણ એટલી જ રસપ્રદ છે. નારીની વિભિન્ન પ્રતિમાઓ, વીરપુરુષ ખલનાયક અને દેવતાનાં આદ્યબિંબો, પવિત્ર ભૂમિનાં આદ્યબિંબો એમ અનેકવિધ તરેહોની તપાસમાં તેઓ રોકાયાં છે. દેખીતી રીતે જ, આ પ્રકારની તપાસ પ્રસ્તુત કૃતિની રૂપરચના અને તેની વર્ણ્યસામગ્રી પૂરતી સીમિત રહેતી નથી : આદ્યબિંબોની તરેહના મૂળ સ્રોતો, તેનાં પુનરાવર્તિત થયેલાં અને નવસંસ્કરણ પામેલાં કળારૂપો અને તેમાં નવા અર્થો અર્થસાહચર્યો વગેરે બાબતોની તપાસ અનિવાર્યપણે તેને પુરાણકથાઓ અને તેની સાથે સજીવ રીતે સંકળાયેલાં મહાકાવ્યો નાટકો આદિ સુધી લઈ જાય છે. આદ્યબિંબોને લક્ષતા વિવેચનને એમાં નિમિત્ત બનતી સાહિત્યકૃતિ પરત્વે કોઈ વિશેષ સાહિત્યિક વિભાવનાની અપેક્ષા નથી, પણ વિવેચનની કૃતિને પુરાણકથાઓ તેનાથી પ્રેરિત સાહિત્ય અને સંબંધિત સાંસ્કૃતિક વિચારણાઓના વ્યાપક માળખામાં મૂકીને તે જોવા ચાહે છે. પણ વિવેચક આદ્યબિંબોના સ્રોતો અને અર્થસાહચર્યોનો સીમિત વિચાર કરે તે પૂરતું નથી : કૃતિની આગવી રૂપરચનામાં તે કેવો સજીવ અંશ બન્યો છે, અને સર્જકપ્રતિભાએ એમાં કયો નવો અર્થ પૂર્યો છે, એમાં કેવું નવસંસ્કરણ કર્યું છે તેનીય સમુચિત વિચારણા કરવાની રહે છે.