કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/જેવી જેની મોજ
૩૧. જેવી જેની મોજ
કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ,
કોઈ વેંચે કોઈ રાખે જેવી જેની મોજ.
બાબા આ તો મોજની વસ્તી મનમોજીનો વાસ,
બોલે કે મૂગાવ્રત રાખે જેવી જેની મોજ.
સર્વ પ્રકારે મુક્ત અહીંયાં રંગ બેરંગી ફૂલ,
ઝૂલે ફાવે તેવી શાખે જેવી જેની મોજ.
કોઈ પહેરે કંથા શણની કોઈ મોંઘીદાટ,
કોઈ ઢાંકી કાયા રાખે જેવી જેની મોજ.
કોઈને મોઢે આંખ એમના હરખ તણો નહિ પાર,
કોઈ ખુશી એકાદ પલાખે જેવી જેની મોજ.
કોઈ જીવે મરતાં મરતાં કોઈ મરવા વાંકે,
કોઈ જીવનનું નાહી નાખે જેવી જેની મોજ.
લોકો ભાખે સારું ‘ઘાયલ' એવો આગ્રહ શાને!
હીણામાં હીણું પણ ભાખે જેવી જેની મોજ.
૧૪-૫-૧૯૭૮(આઠોં જામ ખુમારી, પૃ. ૪૦૩)