કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૬. રાજસ્થાન
૩૬. રાજસ્થાન
જયન્ત પાઠક
અરધાં ડુંગર, અરધી રેતી
વચમાં વચમાં થોડીક ખેતી
થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!
વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.
રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.
સૂના મ્હેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.
ઝાંખપના અરીસાની ભીતર
પદ્મિની સળગે — જૌહર, જૌહર!
કીર્તિસ્તંભની છાયા હેઠળ
કપિઓ રમતા આંબળપીપળ;
દરવાજાના બુઠ્ઠા ખીલા
હાડ હાથીનાં જુઠ્ઠાં ઢીલાં;
બાઈ મીરાંનાં મંદિર-મ્હેલ
આંસુ બોઈ અમ્મર વેલ!
ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક-ઠેકે પ્હાણે પ્હાણ.
ભાલા, તીર, બખ્તર ને ઢાલ;
સંગ્રહસ્થાને કેદી કાળ!
૧૬-૧૧-’૭૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪-૩૩૫)