કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૭. વરસાદ


૩૭. વરસાદ

નલિન રાવળ

આ સૌ પાંચપચાસ ધડમાથાં વિનાના દાનવો — રાજકારણીઓ
જનલોકના રક્ષકો — ઉદ્ધારકો અને ક્યારેક તો સાક્ષાત્ દેવતાઓ
વરસાવી રહ્યા છે જે માગો
તે મળે —નો વરસાદ
વરસાદ
વરસે મુશળધાર પણ દેખાતો નથી
વરસાદ
વરસે અનરાધાર પણ પલાળતો નથી
ગાઈ રહ્યા છે સેંકડો અબુધો
નાચી કૂદી ગાઈ રહ્યા છે
(કપડાં ઉતારીને)
ગાઈ રહ્યા છે વરસાદમાં,
વરસાદ
જે ન દેખાય ન પલાળે
પણ ક્યારેક જો તે દેખાય તો કાળા લોહી રૂપે દેખાય
પણ ક્યારેક જો તે પલાળે તો આ સેંકડો અબુધોની ચામડી
તતડી તતડી ફાટી જાય
અને આ સૌ દેવદૂતો (સોએ નવ્વાણું દંભી દેખાડુઓ)
ખોબોક આકાશમાં ચોંટાડેલી પાંખો અફાળતા
ક્રાંતિ-ક્રાં-ક્રાંતિનો નર્યો ઠાલો વરસાવી રહ્યા વરસાદ —
વરસાદમાં ભીંજાય છે ભરચક સેંકડો અબુધો.
અને આ સૌ યુગપ્રશ્નો છેડનારાઓ
સંતો, મહંતો
શિક્ષકો, ભાષાધુરીણો
કવિઓ, પત્રકારો
વરસાવી રહ્યા છે કાદવિયા ધોધમાર શબ્દો
સાંભળે છે
સડેલા-ફુગાતા પલળી લથબથ થયેલા ઘાસવાળા કાને
સાંભળે છે
આ સેંકડો અબુધો
ધડાધડ ધોધમાર વરસતા વરસાદમાં.
(અવકાશપંખી, પૃ. ૧૮૩-૧૮૪)