કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૧. ખમ્મા વીરાને
૨૧. ખમ્મા વીરાને
ન્હાનાલાલ
(ઢાળ : પ્રગટ્યા શ્રી કૃષ્ણ મ્હને ભાવતા રે લોલ)
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૩૧)