કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૪. સંગ કબીરનો
૪૪. સંગ કબીરનો
કબીરા, તારી દેણગી, રોજ વિશેષ વિશેષ,
સુરત ગ્રહે તો ઊગરે, ડૂબે શબદને દેશ.
કબીરાની કથણી કથે, લોક પૂજે કહી સંત,
કરણીમાં પગ મૂકતાં, તોડે તંતોતંત.
કબીરા જોઈ બજારને, રોયા ભરભર નેણ,
મરમ ઘરાક મળ્યો નહીં, ગ્રહ્યાં વેણનાં વેણ.
કબીરા તારી ગોઠડી, બાતનકી એક બાત,
આધી સાખી મારતી, બીબે બીજી ભાત.
કબીરો કેડીનો સગો, પાડ્યા એના પંથ,
ઘર બાળ્યું નહિ કોઈએ, મહેલે બન્યા મહંત.
કબીરા કાશીને તજી, મગહર કર્યો મુકામ,
મુક્તિ તો પગલે ચલે, કાળ કરે પરણામ.
ગ્રંથ તણી ગઠડી તજી, કબીરા, ફોગટ ફેંક,
શબદ ઝુકાવ્યો શ્વાસમાં, તું લાખોમાં એક.
(ઉજાગરી, પૃ. ૩૮-૩૯)