કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૧. કૂકડો
૧૧. કૂકડો
રાતને અળગી કરે છે કૂકડો,
આંખ કિરણોથી ધુએ છે કૂકડો.
ત્યાં ગયાં ત્યારે કિરણ શોધી શક્યાં,
શ્હેરના ખૂણે વસે છે કૂકડો.
કેમ દુનિયામાં બધે અંધાર છે?
સૂર્યને પ્રશ્નો પૂછે છે કૂકડો.
પ્રશ્નના ઉત્તર રૂપે ચારે તરફ,
જ્યોત કિરણોની જુએ છે કૂકડો.
એક બિંદુ તેજનું પામી જઈ,
શિર ઝુકાવીને નમે છે કૂકડો.
તિમિર કેરો ભેદ સમજાયા પછી,
કંઠને વ્હેતો મૂકે છે કૂકડો.
રાત વીતી ગઈ, હવે ઊઠો, નયન!
ઊંડે ઊંડે સાદ દે છે કૂકડો.
(ૐ તત્ સત્, પૃ. ૧૨)