કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૯. અછત

૩૯. અછત


અછત છે
મને
અહીં
મારી.
કૅલેન્ડરની તારીખનો રંગ
રાતો
દરિયાનું મોજું કાળું
બાથરૂમની ચકલી
ટિરિન ટિરિન.
સાબુનું ફીણ ધડાક ધક.
કાળી કીડીઓ ઉઘાડ-બંધ થાય છે
ફટાક ફટ.
આ કઈ ટ્રેન ચાલે છે
મારા પગ ઉપર?
આ કોણ બગાસાં ખાય છે
મારી આંખમાં?
મને કોણ દઝાડે છે
પગથી માથા સુધી?
એક પછી એક ક્ષણ
મારા સ્વચ્છ સુંવાળા ચોખ્ખા
વિચારોને ધક્કા મારી પછાડે છે
ધૂળમાં રગદોળે છે.
ખડે પગે ચોકીપહેરો ભરે છે પવન
સોળ વરસની સુંદરીનું
ઊંચુંનીચું થાય છે ગવન.
ડર નહીં બાલિકે!
તારા વાંકડિયા વાળ
છે એમ ને એમ રહેશે
અડીખમ ટટ્ટાર.
અટક્યા વગર સતત
ચાર કલાક સુધી ચવાણું ખાઓ
છ ગ્લાસ પાણી પીઓ
દિશાઓને ગજવામાં ભરીને જીઓ.
કટ કટ કટ કટ
ટક ટક ટક ટક
સીડી પલંગ પતાસું
ઘર બારણું છજાનું ઓશીકું
વખત મૂઠ નાર
ચાર દિવસ ચોસઠ સવાર
સવા લાખ લાગણીઓ લટકે
ઉપર-નીચે
મને
ઓ આમ, અરે તેમ, આડીઅવળી
ઊંધીસીધી અડકે
મને મારા ઉપર પટકે
ફટાક ફટ
ખટ ખટ
વ્હિસલ દોડે
સિગ્નલ ગબડે
આખું જગત ઊંચુંનીચું થાય
નાનુંમોટું ઊછરે
આકાશથી પણ મસમોટી આંખ
પોતાની પાંપણો પટપટાવે
મારું સપનું
સોળ સહસ્ર રાણીઓની ભાષા બોલે
હસ્તિનાપુરથી અમદાવાદ
પહોંચતાં કેટલો વખત વીતે? —
એનો જે સાચ્ચો જવાબ આપે એ જીતે.
ધડાક ધડ
કોણ બગાસાં ખાય છે
મારા કાનમાં?
મારા માથામાં કોણ ફિટ કરે છે
મારો મનગમતો મતવાલો મસ્તીખોર
બાથરૂમ!
મંદ મંદ સ્મિત કરંતી
કાળી કીડીઓ દરિયાનું મોજું ઊંચકી
કેમ આવે છે મારી પાસે?
ટિરિન ટિરિન
એક પછી એક ક્ષણ
મારા ગરબડિયા ગોટાળિયા ઉચ્છૃંખલ
વિચારો પર સુંવાળો પવન વીંઝે છે
ચારે દિશાઓ ઊઠ-બેસ કરે છે
ગમ્મતના ગુબ્બારાઓ ઊડે છે મારી આસપાસ
હું ખેંચાઉં છું
સસલાથી તડકાથી તળાવથી ઘરથી બારીથી પ્રેમથી રસ્તાથી
મુસાફરીથી થાકથી હલનચલનથી વાતથી વિસાતથી રાતથી
દિવસથી હાશથી.
દૂર દૂર સુધી કોઈ અજાણી અમસ્તી નકામી નાકામિયાબી
મને ખેંચે છે
ઋજુ ઋજુ હળવું હળવું
અરે કોઈ છે?
(એક વધારાની ક્ષણ, પૃ. ૪૭-૫૦)