કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ખેડુઓ ટાકર ભોમના


૨૫. ખેડુઓ ટાકર ભોમના

અમે રે ખેડુઓ ટાકર ભોમના હો જી.

કૂવા અમ ઊંડા અપરંપાર,
મથી મથી સીંચીએ જળધાર,
જંગ રે જામ્યા છે જીવનજોમના હો જી.—
અમે રે ખેડુઓ ટાકર ભોમના હો જી.

વિરલા આવે છે વરસાદ,
લાવે મારા હરિવરની યાદ,
લાવે રે સંદેશા ગેબી વ્યોમના હો જી.—
અમે રે ખેડુઓ ટાકર ભોમના હો જી.

કરડા તપે સૂરજરાય,
દવલા એ દવ સેવ્યા ન જાય,
અવળા ઉપચારો લાગે સોમના હો જી.—
અમે રે ખેડુઓ ટાકર ભોમના હો જી.

કણ કણ નીપજે જે આહીં
સમજી લો લોહીની કમાઈ;
ફૂલડાં ખીલ્યાં એ જાણે હોમનાં હો જી.—
અમે રે ખેડુઓ ટાકર ભોમના હો જી.

(સુરતા, પૃ. ૧૯)