કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/આખી ઉંમર સુધી

૨૮. આખી ઉંમર સુધી

છૂપો પ્રણયનો પથ રહ્યો આખી ઉંમર સુધી,
મંઝિલનું નામ પણ ન ગયું રાહબર સુધી.

દમ ક્યાં મળે નિરાંતના બબ્બે છે જિંદગી,
એક તારા ઘરથી દૂર, બીજી તારા ઘર સુધી.

આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને!
આવ્યા હશે કદાચ એ મારી કબર સુધી.

કહેવાના માટે એમ છે તારી વિરહની રાત,
નકશા મગર અનેક ફરે છે નઝર સુધી.

કહેવાનું એને કંઈ નથી બાકી રહ્યું ‘મરીઝ’,
નહીંતર છે મારી પહોંચ ઘણા નામાબર સુધી.

(આગમન, પૃ. ૯૩)