કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મરે કોઈ

૪૦. મરે કોઈ

એમ તારી ઉપર મરે કોઈ,
ખુદ તને પણ અમર કરે કોઈ.

જે છે દાતાર ઓળખાતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ.

તારી સામે જ નાઝ હો ઓ ખુદા,
તારી સામે જ કરગરે કોઈ.

ચારે બાજુ બધું જ સરખું છે,
કઈ દિશામાં કદમ ભરે કોઈ.

થાક એનો કદી ઉતરતો નથી,
જ્યારે બેસી રહે ઘરે કોઈ.

એક ખૂણો નિરાંતનો બસ છે,
આખી દુનિયા શું કરે કોઈ.

પ્રાણ એક જ છે કંઈક છે હક્ક્દાર,
કોની ઉપર કહો મરે કોઈ.

રૂપના બે પ્રકાર જોયા છે,
ચાહ રે કોઈ, વાહ રે કોઈ.

એ જ હિંમતનું કામ છે ઓ ‘મરીઝ’,
ખુદના ચારિત્રથી ડરે કોઈ.
(આગમન, પૃ. ૧૭૦)