કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૩. પોષ


૪૩. પોષ

પોષની પોશે હિમ ઝરે ને લાલ રે ચટક બોરાં,
આંબલે આવે મોર ને ભૂરાં વગડાનાં વાન ગોરાં.
પ્હોર ચડ્યો કે આથમે
એવો ખોબલા જેવો દન,
કેડિયે બાંધી કાયમાં
લેતું હૂંફ રે તરુણ મન:
આવતું નીચું આભ, ગલી ગુટમુટ, જણેજણ ઓરાં.
ચાર છાણાં ચેતાવીએ,
એણે રાખીએ ઊની રાત,
સોણલેયે ના જોઈ
ગુલાબી માંડીએ એવી વાત;
પાકાંય તે પાન સાંભળે, જેવાં સાંભળે લીલાં મ્હોરાં.
વળતી જતી રાખને ઓળે
ઊતરે રાતું તેજ,
નીંદરના ઓઢણની ઓથે
લાગતી વ્હાલી સેજ;
દીવડે પીધું તેલ, સવારે કોડિયાં કોરાં કોરાં.
(સંકલિત કવિતા, પૃ. ૫૭૧)