કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૬. કાવડિયો
કોઈ નર કાળ-કાંધ પે ચડિયો,
રે કોઈ કરમધરમનો કાવડિયો.
બાલપણું બેફિકર, બુઢાપે જોર કરે કમજોરી;
લીલા વાંસ જેવું જોબનિયું કોક જાય છે કોરીઃ
મનખો માયાનો માવડિયો. — કોઈo
કોઈ શેઠિયો, કોઈ વેઠિયો, કોઈ કાંગલો કાંપે,
ભુલામણીમાં વાયલ ભટકે જનમમરણને ઝાંપેઃ
વસમો ભવમારગ ઝાકળિયો. — કોઈo
કરમધરમનાં મૃગજલ છલકે જડ-જંગમને હાંડે,
પરમ પિયાસી ભરમ પિછાણી આગે ચાલવા માંડેઃ
અમથો રચેપચે આંધળિયો. — કોઈo
ભવનીંદરમાં ભમે બ્હાવરા ગલીગલી સપનાંની,
સતિયો નર નાણે છે એના ફેલ-ભરમને ફાનીઃ
વીંઝે ભ્રમણાપથ વાદળિયો. — કોઈo
મોંસૂઝણામાં મારગ કાપે, પૂગે ગેબ-સીમાડે,
તદાકાર થઈ ચગે આતમા અનંતની ટગડાળેઃ
ચમકે ચેતનની પાંદડીઓ. — કોઈ.
ચિદાનંદમાં મગન મરણિયો સુભટ ઝૂઝતો ખાંડે,
કરે ઘાવ પર ઘાવ આગવો આજકાલને કાંડેઃ
મલકે અનહદની આંખડીઓ. — કોઈo
(દીપ્તિ, પૃ. ૪૦)