કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૭. હમણાં હમણાં


૧૭. હમણાં હમણાં

(કટાવ)

હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતીફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.

હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લહેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.

હમણાં હમણાં
એમ થાય કે
ઘર-જંજાળી આટા-પાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા એકાંત ગુફાનાં ઓઢું
હમણાં હમણાં…
(જળમાં લખવાં નામ, પૃ. ૬૭)