કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૫. માળો બાંધીને
૫. માળો બાંધીને
માળો બાંધીને મનવા શું રે કરું,
અહીંથી ઊડ ઊડ થાતું રે મંન.
ઘડી બે ઘડીનો આ તો આશરો
એમાં ઠરે નહીં તણખલાંનું તંન.
માળો બાંધીને મનવા શું રે કરું!
અલગારી આલમનો આદિ આતમો,
એને જચે નહિ જગના વ્હેવાર,
છળના વેલા રે જળમાં પાંગર્યા,
ખેપું સતની કરવાને ખુવાર.
માળો બાંધીને મનવા શું રે કરું!
ઝરડે ઝરડાશે ને ઝરી જશે
કાચી કાંચળીની કાય;
જગના નેડા રે કેડા ઝાલશે,
સાચા સમાશું મનમાંય.
માળો બાંધીને મનવા શું રે કરું!
૧૮-૮-૬૭
(જળમાં લખવાં નામ, પૃ. ૧૪)