કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૬. જાઉં આગળ?


૧૬. જાઉં આગળ?

આંખનો ટેકો લઈને, કાનથી ભાંખોડ ભરતાં
ઘાસ લીલું (ઈશ્વરે ખોળો હૂંફાળો પાથરેલો
હોય) તેમાં
સૂર્યના શબ્દો સમજવા પગ અડાડી
સરકતું અહીં, બાગનાં (આઈન્સ્ટાઇનના
ધોળા ફરકતા વાળ જેવાં ને વળી
ગાંધી તણા રાતા ટપકતા રક્ત જેવાં) ફૂલ વચ્ચે
મન,
ઘડીભર સૌરભે લચકાઈ, કૂદી
દૂર દરિયે, ઘૂઘવાતું જ્યાં હૃદય
ત્યાં સૂર્યને ખોબો ધરીને એમ પૂછે,
“જાઉં આગળ?”

૧૯૫૭
(સાયુજ્ય, પૃ. ૨૬)