કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૧. અભેદના અંકોડા


૪૧. અભેદના અંકોડા

ઘરને વૃક્ષો ઘેરી વળ્યાં
એમ પૂછતાં, હવે ક્યાં જશો?
આંગણામાં પ્રવેશતાં પહેલાંનો લીમડો,
પ્રવેશું ને તરતનાં સોનમહોર, આંબો,
બૂચ, શ્વેત કરેણ, પેન્ડોલા,
ઘરની એક બાજુનાં ચંપો, પારિજાત, બીલી, શીરિષ,
બીજી પશ્ચિમ બાજુની આસોપાલવની હાર,
અને ઘર પાછળનાં બકુલ, કદંબ અને સરુ,
પાંદડાંઓની આંખે, હસતા ફૂલ ચહેરે
એકબીજામાં અભેદના અંકોડા ભીડીને રમતાં હોય તેમ
પૂછે છે, ક્યાં જશો, બોલો હવે ક્યાં જશો?
મારો જવાબઃ તમને ઉછેરતાં જે દાવમાં પકડાયો છું
તે તો માટી, પાણી, તડકો, હવા સૌ સાથે
કદાચ છૂટશે, બાકી તો અહીં જ છું, અહીં જ છું.

૨૮-૨૯-૧-૮૬
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૬૨)