ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રકીર્ણ કવિતા


પ્રકીર્ણ કવિતા

ખબરદારની અન્ય પ્રકાશિત કૃતિઓ છે – ઇતિહાસલક્ષી ચરિત્રાત્મક કાવ્યો ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’ અને ‘ગાંધી બાપુનો પવાડો’ તથા ગાંધીપ્રશસ્તિનાં કાવ્યોનો સંગ્રહ ‘ગાંધી બાપુ.’ નાટક રૂપે લખેલા કાવ્ય ‘મનુરાજ’નો એક અંશ જ પ્રકાશિત થયેલો છે. આ ઉપરાંત એમણે અંગ્રેજીમાં લખેલી કવિતાના પણ બ સંગ્રહો પ્રકાશિત થયેલા છે – ‘The Silken Tassel’ અને ‘Zarathuhstra - The First Prophet of the world’. ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’(૧૯૪૨) ગરબાના ઢાળમાં લખાયેલું ૯૧ કડીનું સળંગ વર્ણનાત્મક કાવ્ય છે. શ્રીજી ઈરાનશાહ પ્રત્યેની ભક્તિને તથા જરથોસ્તી પારસીઓના ઈરાનથી ભારત સુધીનાં (અને ભારતમાં પણ સંજાણ, ઉદવાડા આદિ) અનેક સ્થળોના મુશ્કેલીભર્યા પણ શ્રદ્ધાન્વિત ભ્રમણની ઐતિહાસિક વિગતોને આલેખતું આ કાવ્ય લયવાહી અને પ્રસાદિક છે. સ્વીકારેલા છંદનું માધુર્ય પ્રાસની સાહજિકતાથી વધ્યું છે ને એથી, કાવ્યસૌંદર્યને બદલે ઐતિહાસિક વિગતવર્ણન પર કવિએ વિશેષ મદાર રાખ્યો હોવા છતાં એ વર્ણન સહ્ય તો બને જ છે. કાવ્યના આરંભના ભાગમાં છે એવું ઊર્મિનું વહન સાદ્યંત થઈ શક્યું હોત તો કાવ્ય વધુ આસ્વાદ્ય પણ બની શક્યું હોત. આ જ ઢાળમાં લખાયેલું ‘ગાંધી બાપુનો પવાડો’(૧૯૪૮) પણ ગાંધીજીના સમગ્ર ચરિત્રને ઐતિહાસિક વિગતોના સંદર્ભે વર્ણવે છે. લગભગ દોઢસો કડીઓમાં લખાયેલા આ કાવ્યના ત્રણ ખંડોમાં ગાંધીપ્રશસ્તિ, ગાંધીજીના જન્મથિ ૧૯૧૪ સુધીનું અને એ પછીના છેલ્લા ખંડમાં એમના અવસાન પર્યતનું ચરિત્ર આલેખાયું છે. ગાંધીજીના મૃત્યુના શોકમાંથી આ કાવ્ય ઉદ્‌ભવ્યું છે પણ એની કોઈ ચોટનું સંવેદનજન્ય રૂપ અહીં ઊપસતું નથી. પવાડા કે બૅલડમાં પણ વિગતકથનનું સંવેદ્ય રૂપ તો ઉપસાવી જ શકાય પણ અહીં તો કેવળ બાહ્યસ્વરૂપને ધ્યાનમાં રાખીને, ‘આ બધી નોંધ ભવિષ્ય માટે જળવાઈ રહે, અને સામાન્ય જનલોકમાં તે સદા પ્રેરણા પૂરતી રહે,’ એવા, પ્રસ્તાવનામાં લખેલા આશયથી એમણે તવારીખ જ આલેખી છે. એથી લયવાહી છંદ, ભાષાની સુઘડતા, પ્રાસમાધુર્ય આદિ એને જમાપક્ષે હોવા છતાં આ રચનાનું પદ્યરૂપ ઇતિહાસના સીધા વિગતલક્ષી લેખન માટેનું એક ચોકઠું બની રહે છેઃ

ઇસવીસન શત અઢાર ઓગણોતરે
ઑક્ટોબરની બીજીએ તસવીર, પ્રગટી એની ધીર;
અજબ ગાંધીબાપુ એ!

છઠ્ઠી એપ્રિલથી એક સપ્તાહ સુધી
ચાલ્યાં હિંદમાં ભારે તોફાન, ગયા બહુ જાન;
ધન ધન ગાંધી બાપુ એ!

કાંતો આ પ્રકારના લખાણને છંદ-લય-પ્રાસમાં વણી લેવાની હથોટી કવિ પાસે છે કે પછી લયપ્રવાહમાં આવી સામગ્રી તણાતી રહે છે. ‘ગાંધીબાપુ’(૧૯૪૮) ગાંધીપ્રશસ્તિનાં ને એમને અંજલિ આપતાં, ઝૂલણા’ મુક્તધારા, પદ, ગરબી, ગઝલ આદિ વિવિધ છંદો ને કાવ્યપ્રકારોમાં લખાયેલાં નાનાંમોટાં ૩૮ કાવ્યોનો સંગ્રહ છે. એમાંનાં મોટા ભાગનાં તો ગાંધીજીના અવસાન પછીના બે-અઢી માસમાં રચાયેલાં છે, બાકીનાં આ પૂર્વેના સંગ્રહોમાંથી લીધેલાં છે. આ કાવ્યોમાં ખબરદારની સાચી ગાંધીપ્રીતિ ને ગાંધીભક્તિ પણ વરતાય છે. પરંતુ ગણ્યાંગાંઠ્યાં કાવ્યોને બાદ કરતાં ગાંધીવિષયક કવિતાનો કોઈ વિશેષ આ રચનાઓમાંથી ઊભો થતો નથી. પ્રાસંગિકતા, ઇતિહાસકથન, વિગતવર્ણન આદિ તરફ કવિની કલમ વારંવાર વળી જાય છે ને લાંબાં કાવ્યો લંબાવેલાં લાગે છે. અલબત્ત, કેટલાંક ઉત્તમમાં ગાંધીજીના ચરિત્રાલેખનની કેટલીક ઉજ્જવળ રેખાઓ ઊપસે છે, ગાંધી ગુમાવ્યાની વેદનાનું આર્દ્રતાભર્યું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે ને છંદલયની ગતિ ક્યાંક મધુર ને સ્પૃહણીય બની છે. ‘એ ગાંધી સંતસુજાણ’ની આ આરંભની પંક્તિમાં જ વરતાય છે એવું શબ્દલયનું ને અર્થપ્રભાવનું સૌંદર્ય આ આખા સંગ્રહમાં ક્યાંક ક્યાંક દેખાય છે :

અંધારાના ગઢ ભેદીને આવ્યું એક કિરણ અણમોલ.
રણની ધગધગતી રેતીમાં ફૂટ્યું અમીઝરણું રસલોલ.

ખબરદારે જેને પોતાના ‘ઉત્તમ સર્જનકાવ્ય’ તરીકે ઓળખાવ્યું છેે એ ‘મનુરાજ’ પાંચ અંકનું અખંડ પદ્યમાં લખાયેલું નાટક છે. એના ત્રીજા અંકનો એક પ્રવેશ જ ‘સ્મારક ગ્રંથ’માં પ્રગટ થયો છે એટલે એને આધારે આખી કૃતિ વિશે તો ખાસ કશું કહી શકાય એમ નથી પણ અનંતરાય રાવળે, આ સમગ્ર અપ્રકાશિત કૃતિ જોઈએ વિશે કરેલા વિવેચનમાંથી કેટલીક વિગતો તારવી શકાય. પતન અને ઉદ્ધારના, મનુષ્યજીવનના મૂળભૂત પ્રશ્નને આલેખતી આ ભાવપ્રધાન અને ચિંતનાત્મક કૃતિનું સ્વરૂપ, ગટેના ‘ફાઉસ્ટ’ કે પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારની રૂપકગ્રંથિ (ઍલેગરી)નું છે. સદ્‌-અસદ્‌ વૃત્તિઓનું, મનુરાજ (=મન) આદિપાત્રો દ્વારા, મૂર્તિકરણ કરવાની જાણીતી પ્રયુક્તિ અહીં અજમાવાઈ છે. કાવ્ય અખંડ પદ્યમાં – ને વચ્ચે મકાયેલાં ગીતોમાં – ચાલે છે એ રીતિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો જેવી છે. નાટ્યકૃતિ તરીકે પણ એ દૃશ્ય નાટક નહીં બનતાં, શ્રાવ્ય નાટક જ રહે છે. પ્રકાશિત અંશ (અંક-૩,પ્રવેશ-૧) જોતાં એક-બે બાબતો ધ્યાન ખેંચે છે. અહીં પ્રયોજાયેલા ‘મહાછંદ’માં દૃઢ તાલસ્થાનોવાળા આવૃત સંધિઓને લીધે આવતી એકવિધતા ટળતી નથી પણ ખબરદારે અહીં ખૂબ સભાનતાથી કરેલો લાગતો વાક્યાન્વય કાવ્યપંક્તિઓને બોલચાલની ઉક્તિની સ્વાભાવિકતા અર્પે છે. આ કારણે ન્હાનાલાલનાં નાટકોની ભાષા કરતાં આ ભાષા વધુ સહજ,સરળ ને પ્રાસાદિક છે. આ અંશમાંના સંવાદોમાં વસ્તુ તો વિકસે છે પણ એમાં ચર્ચાનો ભાગ વધુ છે એથી કથનાત્મકતા જ ઊપસે છે, નાટ્યાત્મકતાનો એમાં અનુભવ થતો નથી. અહીં મૂકેલાં ગીતોમાં ઊર્મિવહન કંઈક ઠીક થયું જણાય છે – એના લયમાં માધુર્ય પણ છે. પરંતુ એ લંબાયેલાં વિશેષ લાગે છે. પાત્રોના સંવાદોદ્વારા રચાયેલા એક ગીતનો ઢાળ અને એની શૈલી તત્કાલીન ધંધાદારી રંગભૂમિનાં ગીતો જેવાં છે – ન્હાનાલાલનાં નાટકોમાંનાં ગીતો પર પણ ધંધાદારી રંગભૂમિમાં ગીતોની અસર હતી જ. ‘મનુરાજ’ નાટકને, આમ, ખબરદારે છંદ-પ્રકાર-સ્વરૂપ આદિના જે અનેક પ્રયોગો કર્યા છે એમાંના એક લાક્ષણિક પ્રયોગ લેખે તો અવશ્ય ગણાવી શકાશે. ખબરદારે પ્રગટ કરવા ધારેલા પાંચ અંગ્રેજી કાવ્યસંગ્રહોમાંથી બે પ્રકાશિત થયા છે. આમ એમનું અંગ્રજી કાવ્યલેખન પણ, સંખ્યાની દૃષ્ટિએ તો, નોંધપાત્ર ગણાય એટલું મોટું છે. ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમે’ તો એમને ‘ગુજરાતી કવિઓમાં સૌથી વિપુલ પ્રમાણમાં અંગ્રેજી કવિતા લખનાર’ તરીકે ગણાવ્યા છે.૧૯ આમ પણ, પારસીઓમાં અંગ્રજીમાં લેખનકાર્ય કરવાનું વલણ નોંધપાત્ર રહ્યું છે. ખબરદારના મામ રુસ્તમજી પેમાસ્તર અંગ્રેજીમાં કવિતા કરતા અને એ ઘટનાએ ખબરદારમાં પણ છેક કિશોરવયે અંગ્રેજીમાં કવિતા કરવાની ઈચ્છા જગાડેલી. એમની સૌ પ્રથમ અંગ્રેજી કાવ્યકૃતિ વિશ્વયુદ્ધ વિષયક હતી જે લંડનના Review of Reviewsમાં ૧૯૧૪માં પ્રગટ થયેલી. ‘The Silken Tassel’ (૧૯૧૮) અંગ્રેજી કાવ્યોનો એમનો પ્રથમ સંગ્રહ એમાં પ્રકૃતિ, પ્રેમ, પ્રભુભક્તિ, ધર્મ, રાષ્ટ્રભાવ, ચિંતન આદિ વિવિધ વિષયો અને સૉનેટ, ઊર્મિકાવ્ય, અંજલિકાવ્યો આદિ વિવિધ સ્વરૂપો પરનાં કાવ્યો છે. ‘Zarthushtra, The First Prophet of the world’(૧૯૫૦) અષો ઝરથુસ્ટ્રના જીવન, સમય, ઉપદેશ આદિ પરનાં ૧૦૧ સૉનેટ છે. The Silken Tassel-માંથી ચૂંટેલાં કાવ્યોની બીજી આવૃત્તિ(૧૯૨૮) લંડનની Fowler Wright Ltd. તરફથી પ્રકાશિત થઈ છે. અને એની આજ લગીમાં પાંચ આવૃત્તિઓ થઈ છે એ એક નોંધપાત્ર ઘટના ગણાય. વિવેચક એસ. ફાઉલર રાઈટે આ કાવ્યોની ‘Very fluent and musical English’ને તથા એની ‘direct and nacked simplicity’ને વખાણેલાં. આ કાવ્યો વાંચી ટાગોરને ખબરદારની ગુજરાતી કવિતા વાંચવાની જિજ્ઞાસા થયેલી. બીજા વિવેચકોએ પણ એમની કવિતનાં સરળતા, છંદપ્રભુત્વ અને માધુર્યની તેમજ એમનાં ટેક્‌નિક, કાવ્યબાની અને ઊર્મિતત્ત્વની પ્રશંસા કરી છે. અંગ્રેજી ભાષા પરના કવિના પ્રભુત્વનો સંકેત પણ એમાં જોઈ શકાય. પરંતુ, મધુરમે નોંધ્યું છે એમ, એમાં બોધકતાનાં અને અન્યપ્રેરિતતાનાં તત્ત્વો પણ એટલાં જ છે. એમને આ કાવ્યમાં દયારામ, નરસિંહરાવ અને ખબરદારની પોતની કવિતાનાં અનુરણનો સંભળાયાં છે. આમ, ખબરદારની ગુજરાતી કાવ્યરચનાઓની જ બધી વિશેષતાઓ-વિલક્ષણતાઓ આ અંગ્રેજી રચનાઓમાં પણ પ્રગટતી જણાય છે. એમાંની, કલ્પનાની ચારુતા અને વર્ણનમાં ગૂંથાતા અલંકરણનું સૌંદર્ય નીપજાવતી પણ ક્યાંક પરિચિત સાદૃશ્યોનાં સમીકરણો રચતી કેટલાક લાક્ષણિક પંક્તિઓ જોઈએઃ

Love lives in a land of lily and rose,
And his dreams are budding flowers;
Where life is honey and hope is beaven.

While the temple bells are ringing
At the slow departing day,
And the closing lips of the lotus
Kiss the last and lingering ray.

વર્ણમાધુર્ય પ્રગટાવતી પ્રાસાદિક બાની પણ અહીં આકર્ષક છે તો બીજા પંક્તિજૂથમાં નાદ-રંગી તરલ દૃશ્યનું સરસ અંકન થયેલું છે. ખબરદારની આ સૌ પ્રકીર્ણ રચનાઓ એમની કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓ દર્શાવે છે પણ એમાં એમની સર્જકતાનું કોઈ અપૂર્વ કે નોંધપાત્ર રૂપ પ્રગટતું નથી. વિપુલતામાં જણાતું વૈવિધ્ય જેટલું બાહ્યસ્તરે પ્રવૃત્ત રહ્યું એટલું સર્જકતાની કોઈ ઊંડી મથામણમાં એ દ્વારા ઊતરી શકાયું હોત તો પરિણામ તેજસ્વી હોત.