ખારાં ઝરણ/છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કૈંક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.
જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.
માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.
કેટલાં કીધાં જતન ‘ઇર્શાદ’ તેં?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.
૧૮-૮-૨૦૦૯