ગાતાં ઝરણાં/કૃષિકાર


કૃષિકાર


એક સૂકા વૃક્ષ સમો છું ૫ણ ધરતીને લીલીછમ રાખું છું,
વેરી હો ભલે સંજોગ-પવન, હું ડાળને અણનમ રાખું છું.

કૃષિકાર જગે કહેવાઉં છું, દુર્ગંધ છે મારાં વસ્ત્રોમાં,
૫ણ શ્રમથી ઘસાતાં હાડમહીં ચંદનની ફોરમ રાખું છું.

સાગર સરખો સંસાર મને મોજાંની જેમ પછાડે છે,
કાંઠેથી ફરીને હું પાછો સંબંધ એ કાયમ રાખું છું.

હોમી છે જગતની ભઠ્ઠીમાં લોખંડ સમી મારી કાયા,
ટીપાઉં છું ક્રૂર હથોડાથી, પણ દિલને મુલાયમ રાખું છું.

ખુશ થાઉં તો માલામાલ કરું, ખિજાઉં તો ફૂંકી દઉં જગને,
આશિષમાં જન્નત અર્પું છું, આહોમાં જહન્નમ રાખું છું.

દુખ-સુખમાં સદા એક જ ધારી વહી જાય જીવન-સરિતા મારી,
અકળાઉં તો ધીરજ રાખું છું, હરખાઉં તો સંયમ રાખું છું.

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ પ્રકૃતિનાં મનહર દૃશ્યો!
હું લાભ તમારો લઈ ન શક્યો, શ્રમ એ જ જીવન-ક્રમ રાખું છું.

૧૨-૩-૧૯૪૭