ગુજરાતી અંગત નિબંધો/નેવાં ટપકી રહ્યાં છે...

૩૦
નેવાં ટપકી રહ્યાં છે! – નરેશ શુકલ



ગુજરાતી અંગત નિબંધો • નેવાં ટપકી રહ્યાં છે! – નરેશ શુકલ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

વરસાદ...! મારી ઊર્મિઓનાં નેવાં ટપકી રહ્યાં છે, એકધારાં તાલબદ્ધ, હમણાંહમણાં અંદર, વારંવાર વરસાદ તૂટી પડે છે. હું તરબતર બની રહ્યો છું. મારી ઓસરીના ટોડલાને ટેકો લઈ બેઠો છું. ને આ આખોય તાલ ટગરટગર જોઈ રહ્યો છું ફળિયામાં ભરાઈ ગયેલા પાણી પર પડતાં અસંખ્ય ફોરાં અને એનાથી ઉદ્‌ભવતાં નાનાં-નાનાં વલયોનાં સ્વતંત્ર વિશ્વોની એક અજાયબ સૃષ્ટિ મારી સામે નાચી રહી છે. વરસતા કરા ઝીલવા મુકાયેલાં વિવિધ વાસણોમાંથી પ્રગટતો મંજુલ રવ આખાય પરિવેશને કંઈક નવા જ રૂપે રજૂ કરે છે. આમ તો અહીંથી ક્યારેય આખું આકાશ દેખાયું નથી છતાં એનું ખંડ સ્વરૂપ પણ એની પૂર્ણ ભવ્યતાથી તોળાઈ રહ્યું છે. પેલા વરસતા રવને બાદ કરતાં આખાય વાતાવરણમાં નિઃશબ્દતા વ્યાપેલી છે. મારી નસે-નસમાં પ્રસરતો આ વરસાદ વિરાટરૂપ બની રહ્યો છે. ટોડલાની બખોલમાં ભરાઈ બેઠેલું કબૂતરયુગલ ચિંતામાં છે. છત ચૂઈ રહી છે ત્યાંથી ઝમી રહેલા પાણીમાં ભીંજાઈને કબૂતરી આછી કંપી રહી છે ને નર કબૂતર એના પર પાંખ ફેલાવીને હૂંફ આપી રહ્યો છે. મને ખબર છે હમણાં જ એ બંને ઘૂઘવી ઊઠવાનાં છે. આ વરસાદ ક્યાં કોઈનેય છોડે એમ છે? એ માત્ર યક્ષનો દૂત બને છે એવું નથી. જ્યારેજ્યારે કોમ્યુનિકેશનના બધા સેતુઓ તૂટી પડે. રસ્તાઓ તૂટી-ફૂટીને બધું ખેદાન-મેદાન થઈ જાય. દિશાઓ ખોવાઈ જાય અને સ્મૃતિની આછી અમથી લકીર પણ જ્યારે મરી પરવારી હોય ત્યારે આપણે જેને જડ માનીયે છીએ એ જ પ્રકૃતિ-તત્ત્વો સજીવન થઈ ઊઠે છે. એનામાં કશીક અજાણી-અણપ્રીછી સંવેદના કોળી ઊઠે છે ને એ વિસ્તરે છે દિગંત સુધી. એની વિરાટતામાં પછી કશું જ બાકી નથી રહેતું. પેલા સ્થૂળ સેતુઓની કોઈ આવશ્યકતા જ નથી રહેતી. અંદર-બહાર બધું ધબકધબક બસ ધબકી ઊઠે છે. કશુંક ન આલેખી શકાય એવું નર્તન મંડાય છે પછી. પાંચેય ઈન્દ્રિયો એની પોતાની ક્ષમતાઓને ઉલ્લંઘી જાય છે. મન એની સીમાઓને અનંતમાં ઓગાળી દે છે, કંઈક નવો જ વેશ મંડાય છે, આ વિશાળ રંગમંચ પર, અદશ્ય શ્રોતાઓની ઉત્સાહપ્રેક કિલકારીઓથી અંગના અણુએ અણુમાં અફાટ આવર્તનો ઊભરાવા લાગે ને બધું બની જાય બેકાબૂ...બેકાબૂ. કદાચ, વૃંદાવનમાં વેણુ આમ જ ફૂંકાઈ ઊઠી હશે. ગોપીઓનાં અંગમાં ઊઠેલ ગોરંભાથી. બધા ભેદ ગળી ગયા હશે, ફૂંકનાર અને ફૂંકાનાર – એક-રૂપ બની રહ્યાં હશે. કદાચ, એકા’દ ફોરું પડ્યું હશે એ વેણુ પર નર્તન કરતી તર્જની પર ને એની ભીનાશ હજીયે રેલાયા કરે છે આ યુગોની સીમા તોડીને. હું જેના ટેકે બેઠો હતો એ ટોડલો ધસી પડ્યો છે મારા પર, મારામાં!...

[‘ગુજરાતી નિબંધસૃષ્ટિ’(સંપા. કિશોરસિંહ સોલંકી), ૨૦૦૫]