ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ગ્રેહાઉન્ડ બસમાં એક રાતે


ગ્રેહાઉન્ડ બસમાં એક રાતે
ઉશનસ્

ઊંઘેટ્ટી તે સહપ્રવાસિની છેવટે ઢળી પડી
મારા સ્કંધ ઉપર, ઊંઘમાં અવશ,
મેં એને ઝીલી લીધી મારા ખભે સહજ
કોઈ એક મોટા ખીલેલા ચંદ્રમુખી ફૂલ જેમ;
કદાચ એને સ્વજનને ખભે
ઢળી પડી આમ ઊંઘવાની ટેવે હોય;
હું એને ચૂમી શક્યો હોત
એટલી તે નજીક, એનું ઉત્તમાંગ એટલડું
મારા શ્વાસોની નિકટ, અને વળી રાત...
પણ એવા સૌભાગ્ય માટે
મારે હજી કેટલીય વાર મરી જવું પડે.
હું એને સોહાગ રાત્રે આમ...
પણ તે માટે મારે હજી લેવા પડે કેટલાય જન્મ...
એ મને ચાહતી નથી જ;
એ મને ચાહે માટે તો હજી લેવા પડે મારે કેટલાય જન્મ...
અત્યારે તો આટલુંય ઘણું;
ભલે થોડીક ક્ષણો ધન્ય થાય મારું પુરુષપણું,
આ સુંદર નાજુક ભાર મારે તો બાજુબંધ
ધારી રહે ભલે થોડી વાર મારો પુરુષનો સ્કંધ.