ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિગ્નેશ બ્રહ્મભટ્ટ/ટોળાં

ટોળાં

જિગ્નેશ બ્રહ્મભટ્ટ

સો-દોઢસો ફૂટના અંતરે બંડી પહેરેલો એક કાળો અને અસાધારણ ઊંચો માણસ રોડ વચ્ચોવચ ઊભો રહી, બે હાથ ઊંચા કરી, ગાડી રોકવા ઇશારો કરી રહ્યો હતો. મેં ગાડી ધીમી પાડી. બાજુ પર ખસી જવાને બદલે કમર પર હાથ મૂકી, જરા વાંકો વળી જોતો એ ઊભો જ રહ્યો એટલે ગાડી રોડ પરથી ઉતારવી પડી. કાળોમેશ વાન, ઊંડી ઊતરી ગયેલી આંખો અને લાંબું નાક, ચહેરા પર કશાય ભાવ વિના એ તાકતો રહેલો થોડે આગળ જઈ મેં ગાડી ઊભી રાખી. રોડ ઉપર લાલ અને સફેદ રંગના પટ્ટાવાળો થાંભલો આડો પાડેલો હતો. શ્રદ્ધા મારી સામે જોતી જરા ગભરાતી બોલી. “શું કામ ઊભી રાખો છો?” મેં આગળ – થોડે દૂર નજર કરી તો નાનકડા પુલ ઉપર થઈને નદીનું પાણી ધસમસતું વહી રહ્યું હતું. “રસ્તો બંધ છે.” કહેતાં મેં રિઅર મિરરમાં જોયું. પેલો માણસ હજી કમર પર હાથ મૂકી સૂમસામ રસ્તા વચ્ચે, ઝરમરતા વરસાદમાં પલળતો ઊભો હતો. બારી ખોલી મેં બહાર નજર કરી સુસવાટા ભેર વાતા ઠંડા પવન સાથે વરસાદી ઝરમર અંદર ઘસી આવી. “હજી કેટલું દૂર છે?” બહાર જોતી શ્રદ્ધા બોલી. પંખી-પરી બારીના કાચ ખોલી, હાથ લાંબા કરી વરસાદ ઝીલવા લાગ્યાં. શ્રદ્ધા તરફ ઝૂકી, આછા અંધારા અને વરસાદને કારણે દૂર ઝાંખી દેખાતી ટેકરી તરફ આંગળી ચીંધી મેં કહ્યું, “વીસેક કિલોમીટર ખરું.” ખરાબ રસ્તા અને વરસાદને કારણે અમે ધાર્યા કરતાં મોડાં પડ્યાં હતાં. છતાં સાવ અંધારું થઈ જાય એ પહેલાં હિલ પર પહોંચી જવાય એવી ગણતરી બેસતી હતી.

“ઉપર જાઓગે ક્યા?” અચાનક જાડો, ઘોઘરો અવાજ સાંભળી હું ચોંકી ગયો. પેલો બંડીવાળો માણસ વાંકો વળી મારી બારીમાં ડોકાઈ રહ્યો હતો. ભીની-ચળકતી કાળી ચામડી, ઊંડી ઊતરી ગયેલી આંખો, લાંબું નાક, ઊપસી આવેલાં જડબાં અને માથાના ટૂંકા વાળ. ભ્રમરો, નાક અને કાનની બૂટ પરથી ટપકતું પાણી. “હં... હા”, એની સામે જોતો હું બોલ્યો. લાંબા પીળા દાંત દેખાયા. “યે રાસ્તા નહીં ખુલને વાલા”, બોલતો ઘોઘરા અવાજમાં એ કારણ વગર હસવા લાગ્યો. શ્રદ્ધાના હાથમાં મારો ડાબો હાથ દબાતો હતો... પીળા દાંત દેખાડતો, એ માણસ અંધારિયા ગોખલામાંથી ઝીણી આંખે મને તાકતો રહ્યો. “ઐસા કરો, વાપસ ચલે જાઓ. દેઢ કિ.મી. કે બાદ રાઇટ ટર્ન આયેગા. રાસ્તા થોડા ખરાબ હૈ, લંબા ભી હૈ, મગર ઉપર પહોંચા દેગા” બોલીને એ ગાડીમાં આમતેમ નજર ફેરવતો રહ્યો. “હા... હા... ચલો પાછા જઈએ”, કહેતાં શ્રદ્ધાએ મારા ખભે હાથ મૂક્યો. આકાશમાં વીજળીઓ થવા લાગી હતી. યુ-ટર્ન લઈ, થોડે આગળ જઈ મેં મિરરમાં જોયું તો બે હાથ કમર પર મૂકી રોડ વચ્ચે ઊભેલા એ માણસની આકૃતિ દૂર સુધી દેખાતી રહી.

અંધારું થતું ગયું તેમ વરસાદનું જોર વધતું રહ્યું. રસ્તો અમારા ધાર્યા કરતાં ઘણો ખરાબ હતો. ગાડી ઝડપથી ચલાવી શકાય એમ ન હતું. અજાણ્યો વિસ્તાર અને રસ્તા નિર્જન. ક્યાંય કોઈ સાઇન બૉર્ડ પણ દેખાય નહીં. ગભરાયા, ભૂલા પડીશું તો? રસ્તો બતાવનારું પણ કોઈ મળવાનું નથી. “જોજો હોં, ગાડી રસ્તાની નીચે ના ઊતરી જાય, ખાડાનું ધ્યાન રાખજો.” શ્રદ્ધા સૂચનાઓ આપે જતી હતી, “ડેડી, આપણે આજે નહીં પહોંચીએ?” પંખી-પરી વારંવાર પૂછ્યે જતાં હતાં. નીકળતાં પહેલાં અમે ટ્રેકિંગ, રોક-ક્લાઇંબિંગ અને પેરાગ્લાઇડિંગની પાર વિનાની વાતો કરી હતી એટલે એમને જલદી-જલદી પહોંચી જવું હતું. અચાનક એક શાર્પ ટર્ન આવ્યો અને આગળ કશુંય દેખાતું બંધ થઈ ગયું. મેં ગૂંચવાઈને ગાડી ઊભી રાખી, પછી ધીમે-ધીમે ટર્ન લીધો. રસ્તો સાવ તૂટી ગયેલો હતો, એની ઉપર ધસી આવેલી ચીકણી માટીમાં વ્હીલ લપસ્યા કરતાં હતાં. ધોધમાર વરસતા વરસાદને કારણે ગાડીની લાઇટના અજવાળામાં પણ પંદર-વીસ ફૂટથી દૂર દેખવું અશક્ય હતું. ધીમે-ધીમે આગળ વધતાં એક-બે મકાનો જેવું કંઈક દેખાયું અને અમને થોડી રાહત થઈ, “હાશ! અહીં વસ્તી લાગે છે.”

ધીમે-ધીમે હારબંધ, વ્યવસ્થિત મકાનો દેખાવાં શરૂ થયાં. રસ્તો પણ સુધરતો જતો હતો. જોકે, હજી કોઈ માણસ દેખાયું નહોતું. વરસાદનું જોર થોડું ઘટ્યું હોય એમ લાગ્યું. ગાડીના પ્રકાશમાં દુકાનો પરનાં પાટિયાં વાંચવા અમે મથ્યાં પણ ભાષા અજાણી હતી. ત્યાં જઈને કોને પૂછવું, કોનું બારણું ખખડાવવું એની દ્વિધામાં હતાં. ત્યાં એક મકાન આગળ, છાપરા નીચે સફેદ કપડાં પહેરીને ઊભેલો એક માણસ દેખાયો. મેં ગાડી એ તરફ લીધી. ઊભા રહી કાચ ખોલી પૂછ્યું. “રાત રોકાવા હોટેલ મળશે?” મારી ભાષા સમજતો ન હોય એમ એ ત્યાં જ ઊભો ઊભો જોઈ રહ્યો. હોટેલ, કમરા, રૂમ, ટુરિસ્ટ... એવા શબ્દો જરા જોરથી અને ઇશારા કરતાં હું બોલતો રહ્યો. એણે કંઈ પણ બોલ્યા વિના હાથના ઇશારે આગળ જઈ ડાબી તરફ વળવા સૂચના આપી.

આગળ જઈ ડાબી તરફ વળતાં જ સ્ટ્રીટલાઇટો દેખાઈ. બંને તરફ મકાનોની કતાર હતી. થોડે આગળ ગયાં એટલે એક મકાનમાં લાઇટ ચાલુ દેખાઈ. ગાડી ઊભી રાખી હોર્ન માર્યો. થોડી વારે દરવાજો ખોલી એક ઠીંગણો માણસ ડોકાયો. બારીમાંથી માથું કાઢી વરસાદમાં પલળતાં મેં “હોટેલ, હોટેલ”ની બૂમ પાડી, હાથનો ઇશારો કરી એણે અમને અંદર આવવા કહ્યું. સામેના શેડમાં ગાડી પાર્ક કરતાં મેં શ્રદ્ધાને કહ્યું, “બધો સામાન નથી લેવો. નાસ્તો અને જરૂરી હોય એટલું લઈ લેજો.” પંખી-પરી ઊંઘમાં આવ્યાં હતાં. થાક્યાં હતાં. મેં પરીને તેડી લીધી. શ્રદ્ધા અને પંખી આસપાસ જોતાં મારી પાછળ પાછળ હોટેલમાં પ્રવેશ્યાં. પેલો માણસ કાઉન્ટર પર જઈ ઊભો હતો. મેં એની સાથે વાત શરૂ કરી પણ સમજતો ના હોય એમ તે મારી સામે જોઈ રહ્યો. મેં ટુરિસ્ટ, રૂમ, વન નાઇટ... એવા છૂટા છૂટા શબ્દો બોલી સમજાવવા પ્રયત્ન કર્યો. એની પાછળ લટકતા કૅલેન્ડરમાંનો પર્વતનો ફોટોગ્રાફ બતાવી હિલ, માઉન્ટેન, હાઉ મેની કિલોમીટર્સ... એવું પૂછ્યું તો એ બાઘાઈથી મારી સામે જોઈ રહ્યો. છેવટે મેં હાથના ઇશારે ખાવાનું મળશે કે નહીં એમ પૂછી જોયું. એણે નકારમાં બે હાથ હલાવતાં કંઈ બોલ્યા વિના મારા હાથમાં ચાવી મૂકી અને આગળ જઈ સીડીઓ ચઢવા લાગ્યો. હું અને શ્રદ્ધા એકબીજા સામે જોતાં એની પાછળ ચાલ્યાં. શ્રદ્ધાએ પાછળથી ટી-શર્ટ પકડીને ખેંચતાં, નજીક આવીને પૂછ્યું, “સેફ તો હશેને?”

સવારે હું વહેલો ઊઠી ગયો. બારી બહાર આછા અજવાળામાં ધુમ્મસથી લપેટાયેલી પર્વતની ટેકરીઓ દૂર દૂર દેખાતી હતી. મેં ઊભા થઈ બારી આખી ખોલી. ઠંડા પવન સાથે ધુમ્મસ રૂમમાં ફેલાઈ ગયું. શ્રદ્ધા મારી પાછળ આવી, ખભે હાથ મૂકી, બારી બહાર પર્વત શિખરોને જોતી કહે, “આપણે ત્યાં જવાનું હશે, નહીં? ક્યારે નીકળવું છે?” “બસ, જરીક નીચે આંટો મારી આવીએ, ચા-નાસ્તાની વ્યવસ્થા કરીએ, પછી જલદીમાં જલદી નીકળી જઈએ.”

અમે જ્યારે નીચે ઊતર્યાં ત્યારે કાઉન્ટર પર કોઈ નહોતું. દરવાજો ખુલ્લો હતો. હોટેલમાં કોઈ ટુરિસ્ટ હોય એમ લાગતું ન હતું. મારો હાથ પકડતી શ્રદ્ધા કહે, “ભેદી લાગે છે, બધું નહીં?” બહાર નીકળવા જઈએ ત્યાં પેલો ઠીંગણો માણસ ઝડપથી અંદર આવી બારણું બંધ કરવા લાગ્યો. એને રોકી મેં હાથને ઇશારે, નાસ્તો મળશે કે નહીં, પૂછ્યું. કંઈ બોલવાને બદલે એ ઘડીમાં મારી સામે અને ઘડીમાં બહાર જોતો બે હાથના ઇશારે ના પાડવા લાગ્યો. નાસ્તો નહીં મળે – બહાર પણ નહીં મળે? કે પછી હું બોલું છું એ સમજાતું નથી? એ શું કહેવા માંગતો હતો? મેં એના ખભે હાથ મૂક્યો. એ અમને જોતો રહ્યો અને અમે બહાર નીકળી રોડ પર આવ્યાં.

વાતાવરણ મજાનું હતું. આકાશ સાફ હતું. ઠંડો ભીનો પવન સતત આવતો હતો. રસ્તા સૂમસામ હતા. એક જ પ્રકારનાં નાનાં-મોટાં મકાનો હારબંધ જાણે ગોઠવી દેવાયાં હતાં. અમે ભીના રસ્તા પર ચાલવા લાગ્યાં. પંખી-પરી મસ્તી કરતાં આગળ દોડવા લાગ્યાં. શ્રદ્ધાએ મારો હાથ પકડી લીધો અને મારી સામે જોતી, હસતી ચાલવા લાગી. હજી પાંચ-છ મકાનો વટાવ્યાં હશે ત્યાં દૂરથી શોરબકોરનો અવાજ સંભળાયો. અમે ઊભાં રહી ગયાં. થોડી વારમાં જ સામી ગલીમાંથી સોએક માણસોનું ટોળું બૂમો પાડતું, ધસમસતું અમારી તરફ આવતું દેખાયું. રસ્તામાં પડેલાં વાહનો પર, દીવાલો પર, બારીઓ પર, બારણાં પર હથિયારો પછાડતા, પથ્થરો મારીને કાચ ફોડતા, હાકોટા કરતાં ધસી આવતા એ ટોળા જોઈ શ્રદ્ધાને, “પરીને લઈ લે!” કહેતાં મેં પંખીને ઉપાડી લીધી. ઝડપથી હોટેલ તરફ દોડી જવા પગ ઉપાડું ત્યાં બીજી તરફથી પણ એવું જ હિંસક ટોળું દોડી આવતું દેખાયું. ભયભીત આંખે શ્રદ્ધા સામે જોતો, “દોડો!” એમ રાડ પાડતો હું હોટેલ તરફ દોડ્યો તો ખરો પણ સામેથી આવતું ટોળું ઝડપથી નજીક આવી રહ્યું હતું. હોટેલ સુધી નહીં પહોંચી શકાય એમ લાગતાં હું બાજુના એક બિલ્ડિંગ તરફ ફંટાયો. શ્રદ્ધાને આગળ કરી સડસડાટ સીડીઓ ચડતો, બે માળ સુધી પહોંચી ગયો.

બિલ્ડિંગના દરેક ઘરના દરવાજા બંધ હતા. ઉપર જઈ એક બંધ બારણું ખખડાવું ત્યાં સુધીમાં તો નીચેથી ટોળાના હાકોટા સંભળાવા લાગ્યા. સણસણતો એક પથ્થર આવી સીડીમાં પડ્યો. ત્યાં ઊભા રહી રાહ જોવાને બદલે અમે બિલ્ડિંગના ધાબા પર પહોંચી ગયાં. મને વળગી પંખી ધ્રૂજી રહી હતી. પરી શ્રદ્ધાને વળગી આંખો દાબી લપાઈ ગઈ હતી. ભયભીત આંખે, ઉઘાડા મોઢે, શ્રદ્ધા મારી સામે તાક્યા કરતી હતી. મારાય પગ થથરતા હતા. આ ટોળું જો ધાબા પર ચઢી આવ્યું તો? એ ભય અમને સતત હચમચાવતો હતો. નીચેથી હાકોટા, બૂમો અને ચીસોના, પથ્થરો બારી પર અફળાવાના અને લાકડીઓ પછાડવાના અવાજો સંભળાતા હતા. એ અવાજો જ્યાં સુધી સંભળાતા રહ્યા ત્યાં લગી અમે ધાબાની પાળીએ લપાઈને ખૂણામાં બેસી રહ્યાં. ખાસ્સી વારે અવાજો બંધ થયા પછી, ધીમા પગલે લપાતો-છુપાતો હું રસ્તા તરફની પાળી પાસે જઈને બેઠો. ધીમેથી ઊભા થઈ બહાર નજર કરી. રસ્તો ફરી સૂમસામ હતો. બધું વેરણછેરણ પડ્યું હતું. સામેના બિલ્ડિંગની બધી બારીઓના કાચ તૂટી ગયા હતા અને આખી ગલીમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી.

અમે સાવ પહેર્યા લૂગડે હતાં. અજાણ્યા શહેરના કોઈ અજાણ્યા બિલ્ડિંગના ધાબે આમ લપાઈને થથરતાં; કલાકેક સુધી કંઈ ના સૂઝતાં બેસી રહ્યાં. પછી શ્રદ્ધાને માંડ સમજાવી, એમને ત્યાં બેસાડી કોઈની પાસે મદદ માંગવા હું સાવચેતીથી નીચે ઊતર્યો. દરેક માળનાં બારણાં ખખડાવી જોયાં પણ એકે ઊઘડ્યું નહીં. ગ્રાઉન્ડ ફલોર પર બેઉ બારણાં તોડી નંખાયાં હતાં. ઘરમાંની વસ્તુઓ વેરણછેરણ પડી હતી. મેં તૂટેલા બારણામાંથી ડોકાઈ મદદ માટે બૂમ પાડી જોઈ. પછી હિંમત એકઠી કરી બિલ્ડિંગમાંથી રસ્તા તરફ નીકળ્યો. સન્નાટો હતો. મારી ગણતરી મુજબ અમારી હોટેલથી અમે પાંચેક બિલ્ડિંગ દૂર હતાં. પાછો ફરી, દોડતો હું ઉપર ગયો. ફરી શ્રદ્ધાને સમજાવી. સારા નસીબે, ગાડીની ચાવી હજી મારા ગજવામાં હતી અને મોટા ભાગનો સામાન ગાડીમાં હતો. અહીંથી ઊતરીને ગાડીભેગા થઈ જઈએ તો આ ભયંકર શહેરમાંથી ભાગી છૂટીએ.

ડરતાં-ડરતાં, નીચે ઊતરી અમે રસ્તા પર આવ્યાં. પરી-પંખીને છાતીએ વળગાડેલાં હતાં, ફિટોફિટ. શ્રદ્ધાનો હાથ મજબૂતીથી ઝાલતાં મેં કહ્યું, “ચાલ ઝડપથી.” અમે લગભગ દોડવા જેવું ચાલતાં આગળ વધ્યાં. થોડે દૂર હોટેલનું પાટિયું દેખાયું, ત્યાં જ સામેના બિલ્ડિંગમાંથી અચાનક એક માણસ દોડી આવ્યો. એની પાછળ હાકોટા કરતા આઠ-દસ માણસો હથિયાર સાથે ધસી આવ્યા. આગળ દોડતા માણસનો પગ લથડ્યો – એ પડવા જેવો થયો અને પાછળથી કોઈએ એની પીઠ પર લાકડીનો ઘા કર્યો. ગડથોલું ખાઈ એ અમારાથી માંડ દસેક ફૂટ દૂર રોડ ઉપર ઊંધો પડ્યો. પડ્યો ના પડ્યો અને હથિયારધારી ટોળું એની ઉપર તૂટી પડ્યું. હેબતાઈને દીવાલ સાથે ચીટકી ગયેલાં અમે, પેલા માણસો જોઈ ન જાય એમ ધીમેથી સરકીને, પાછળ જે બિલ્ડિંગ હતું એમાં ઘૂસી ગયાં. કંઈ વિચાર્યા વગર સડસડાટ સીડીઓ ચઢવા લાગ્યાં. ટોળામાંનો કોઈ અમને જોઈ ગયો કે કોણ જાણે શું; પાછળ જોરજોરથી બરાડા સંભળાયા. અમે શ્વાસભેર ઉપર ચડતાં રહ્યા અને નીચે બારણાં ઉપર લાઠીઓ પછડાવાના અવાજો સંભળાયા. અમે ધાબા પર પહોંચ્યાં ત્યાં સુધીમાં તો નીચેથી અનેક માણસોની ચીસો અને બૂમોનો ઘોંઘાટ સંભળાવા લાગ્યો હતો.

ધાબાની કેબિનને લોખંડની જાળી હતી. ધાબામાં પ્રવેશતાં જ મેં એ જાળી બંધ કરી. બારણું પછાડીને બંધ કરવા ગયો પણ ભેજમાં ફૂલેલું બારણું બંધ ના થઈ શક્યું. ચીસોના અવાજ અમને કંપાવતા હતા. પંખી-પરી ધાબાના એક ખૂણામાં લપાઈને થથરતાં બેસી ગયાં. શ્રદ્ધા એમને વળગીને બેઠી હતી. મેં ધાબામાં આસપાસ નજર કરી. બે-ત્રણ લોખંડના સળિયા પડેલા હતા. દોડીને એક સળિયો ઉઠાવ્યો, જાળીના નકૂચામાં ઠસાવીને વાળી નાંખ્યો, જેથી અંદરથી કોઈ જાળી ખોલી ના શકે. હજી બારણું દબાવીને બંધ કરવા જાઉં ત્યાં અંદરથી જાળી પર જોરજોરથી લાકડી કે બીજું કોઈ હથિયાર પછડાવાના અવાજો આવવા લાગ્યા. અંદરથી કોઈ બૂમો પાડતું જાળી તોડવા મથી રહ્યું હતું. શ્રદ્ધા ફાટી આંખે મને જોઈ રહી હતી. પંખી-પરીને બે હાથમાં એણે ભીંસી લીધાં હતાં. બારણું છોડી હું ધાબામાં સળિયા પડ્યા હતા એ તરફ દોડ્યો. ત્રણ-ચાર ફૂટનો એક મજબૂત સળિયો ઉઠાવી, જાળી પાસે, દીવાલની આડશમાં વાર કરવા તૈયાર ઊભો રહ્યો. થોડીક ક્ષણો એમ વીતી અને અચાનક જાળી પર થતા પ્રહારોનો અવાજ બંધ થયો. નીચેથી જોકે હજી ચીસો, બૂમો અને કિકિયારીઓ સંભળાતાં હતાં.

પંખી-પરી બીકનાં માર્યાં હીબકે ચઢ્યાં. શ્રદ્ધા એમને છાતીએ દાબતી, મારી તરફ જોઈ રહી હતી. હું સાવધાનીથી નીચો નમી, ચાલતો એમની પાસે જઈ બેઠો. ત્રણેય મને વળગી પડ્યાં. હાથમાંનો સળિયો હજીય મેં એટલી મજબૂતીથી પકડ્યો હતો કે આંગળીઓમાં લોહી ઊપસી આવ્યું હતું. ક્યાંય સુધી ધાબાના ખૂણામાં એકબીજાને વીંટળાઈને અમે બેસી રહ્યાં. ટોળાની બૂમોના અવાજો બંધ થયા અને ફરી સ્મશાનવત્ શાંતિ થઈ તોયે એમ જ બેસી રહ્યાં, ફફડતાં.

ઊભા થઈ, નીચે જોવાની હિંમત ન થઈ એટલે હું કેબિનના બારણા તરફ જવા ગયો પણ શ્રદ્ધાએ મારો હાથ પકડી રાખ્યો હતો. જરાય દૂર ચસકવા દેવા માગતી ન હોય એમ મને પોતાની તરફ ખેંચવા લાગી. મેં પાસે જઈ, એના માથે હાથ મૂકતાં, કેવળ હાથના ઇશારે આશ્વાસન આપ્યું. એના કપાળને ચૂમતો, પંખી-પરીની પીઠ પર હાથ ફેરવી ધીમેથી બારણા તરફ સરક્યો. મજબૂતીથી હાથમાં સળિયો પકડી રાખી, આડા કરેલા બારણાને ધીમેથી ખોલી અંદર નજર કરી. જાળીમાંથી લંબાયેલા હાથને જોતાં જ ભડકી ગયો. દીવાલની ઓથે જરી વધારે લપાયો. પણ જાળીમાંથી બહાર આવેલો એ પંજો ખાસ્સી વાર સુધી હાલ્યાચાલ્યા વિના સ્થિર રહ્યો ત્યારે હિંમત કરી મેં અંદર નજર કરી.

જાળીની અડોઅડ એક માનવદેહ ઢગલો થઈને પડ્યો હતો. લોહીથી ખરડાયેલા એ શરીર પર માથું જ ન હતું. લોહીના રેલા એ શરીર પાસે થઈ સીડી પર ઊતરતા હતા. મેં જોરથી બારણું બંધ કર્યું, એના અવાજથી ભડકીને શ્રદ્ધા ભયભીત આંખે મારી તરફ જોવા લાગી. શું કરવું, શું નહીં – કંઈ સમજાતું ન હતું. આ બધું શું ચાલી રહ્યું છે? કઈ જગ્યા છે આ? કઈ રીતે અમે હોટેલ સુધી, ગાડી સુધી અને પાછા ઘર સુધી પહોંચીશું? શાનાં છે આ તોફાનો? કેમ આટલી બર્બરતા, હિંસકતા? અને રોકનાર કોઈ નથી કે શું? ક્યાં લગી અમે આમ ખુલ્લા આકાશ નીચે પુરાયેલાં રહીશું? કોઈ અમને બચાવી શકશે કે કેમ? પ્રશ્નો જ પ્રશ્નો હતા, જેના અમારી પાસે કોઈ જવાબ નહોતા. જવાબ શોધવા, વિચારવાની સ્થિતિમાં અમે બિલકુલ નહોતાં.

લાંબા સમય સુધી કશો અવાજ ન સંભળાતાં આમતેમ ફરીને મેં જોયું કે ધાબામાં બે-ત્રણ સળિયા અને થોડા પથરા વેરવિખેર પડેલા હતા. આ સિવાય કેબિન પર ચડવા માટે લોખંડની સીડી હતી. ધાબાની દીવાલો લીલથી કાળી પડી ગઈ હતી. એક ખૂણામાં પાણીનું ખાબોચિયું ભરાયું હતું. વાતાવરણમાં ઉકળાટ સતત વધતો જતો હતો. દૂરની ટેકરીઓ તરફનું આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. કતારબંધ ગોઠવાયેલાં મકાનો ઉપર કાળા-ધોળા રંગની પાંખોવાળાં વિશાળ પક્ષીઓ ચકરાવા લેતાં, હવામાં સરતાં હતાં. મકાનોમાં કે રસ્તાઓ ઉપર ક્યાંય કશીય ચહલપહલ કળાતી નહોતી. મારા અંદાજ મુજબ અમે હોટેલથી – અમારી કારથી એક બિલ્ડિંગ જેટલાં જ દૂર હતાં. નીચે ઊતરીને ગાડી સુધી પહોંચવામાં ચાર-પાંચ મિનિટથી વધારે સમય લાગે એમ ન હતો. જોકે ગાડીની શી હાલત હશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. માની લીધું કે ત્યાં ગાડી એમ જ પડી હશે. અને અમે એમાં બેસીને અહીંથી દૂર-દૂર ભાગી જઈશું.

શ્રદ્ધા, પંખી-પરીને ત્યાં જ ખૂણામાં બેસાડી મેં બારણું ખોલી, જાળીના નકુચામાંથી સળિયો કાઢ્યો. હેંડલ ખોલી, જાળી ખોલતાં જ અંદર પડેલો માથા વગરનો દેહ ધાબામાં ઢળી પડ્યો. એના ઉપરનું લોહી જામીને જાડું થઈ ગયું હતું. સીડી તરફ જતો લોહીનો રેલો જામી ગયો હતો. મેં પગ વડે સહેજ એના પગને ધકેલીને ખસેડ્યો. લોહીની વાસથી કમકમાં આવ્યાં. બે ડગલાં આગળ જઈ સીડીમાં નજર કરી તો બે-ત્રણ મૃતદેહો અને ધડ વગરનું એક માથું. મારે શ્રદ્ધા અને પંખી-પરીને લઈને નીચે જવાનું હતું. પગ ધ્રૂજી રહ્યાં હતાં. ઊબકો આવી, ઊલટી થવા જેવું થતું હતું. લાંબો સમય ત્યાં ઊભો ન રહી શકતાં, હું ઝડપથી પાછો શ્રદ્ધા પાસે આવ્યો. હિંમત કરી, નીચે ઊતરવા એને સમજાવી. બાળકોને આંખો બંધ રાખવાની સૂચના આપી. પંખીને તેડી લીધી. ત્યાં જ, દૂરથી શોરબકોર સંભળાવો શરૂ થયો. “ચાલો જલદી!” કહેતાં મારી રાડ ફાટી ગઈ પણ શ્રદ્ધા મને વળગી પડી. જોરથી રડતી ઢગલો થઈને બેસી ગઈ. ત્યાં સુધીમાં પેલા અવાજો વધુ ને વધુ નજીક આવતા રહ્યા. મેં ઝડપથી બારણા પાસે જઈ, ધાબામાં ઢળી પડેલા માથા વગરના શરીરને પગ વડે હડસેલો મારતાં ફરી જાળી બંધ કરી. સળિયો ભરાવ્યો અને બારણું ભીડી દીધું.

ઘોર નિરાશા અને નિઃસહાય બની મેં ઊંડો નિસાસો નાંખ્યો, આકાશમાં નજર કરી ત્યારે ટોળાના અવાજો જે દિશામાંથી આવતા હતા તે તરફના આકાશમાં ધુમાડો ઊઠતો દેખાયો. જેમ અવાજો નજીક આવતા ગયા તેમ એક પછી બીજી પછી ત્રીજી જગ્યાએ ધુમાડા ઊઠતા રહ્યા. વહેલી સવારે જે ધુમ્મસથી ઘેરાયેલું હતું તે પર્વત શિખર કાળા ધુમાડા પાછળ ભૂંસાતું ગયું. ટોળાનો ઘોંઘાટ વધુ ને વધુ નજીક આવતો બુલંદ થતો ગયો. હિંમત એકઠી કરીને હું રસ્તા તરફની પાળી પાસે ગયો. આગળ જડેલા પાટિયાની આડશે લપાયો. ધ્રૂજતા પગે ઊભો રહ્યો અને આસ્તેથી ડોકિયું કરી એક આંખે રસ્તા તરફ જોવા લાગ્યો. હારબંધ ગોઠવાયેલાં મકાનોની વચ્ચે દૂર રસ્તા ઉપર કીડિયારું ઊભરાયું હોય એમ મોટો સમુદાય સળવળતો-સરકતો દેખાયો. સતત આગળ વધતા હિલોળાતા એ વિશાળ ટોળામાંથી થોડા માનવ આકારો ગલીઓમાં ફંટાતા, વળી પાછા આવી ટોળામાં ભળતા, પાછા કોઈ બિલ્ડિંગમાં ધસી જતા, બાલ્કનીઓમાંથી ડોકાતા કે ધાબા ઉપર ફૂટી નીકળતા ને પાછા નીચે ઊતરી ટોળામાં સમાઈ જતા હતા. જેમ જેમ એ વિશાળ માનવ સમુદાય ધસમસતો નજીક આવતો ગયો, તેમ તેમ રાડો, બૂમો, ત્રાડો, ચિત્કારો અને હાકોટાના અવાજો બુલંદ થઈ ગુંજતા, પડઘાવા લાગ્યા. ટોળામાંના કંઈ કેટલાયના હાથમાં સળગતી મશાલો હતી. એના ભડકા ટોળામાંથી નીકળી બિલ્ડિંગોમાં જઈ સમાતા હતા અને થોડી જ ક્ષણોમાં બિલ્ડિંગ કાળા ધુમાડાથી ઘેરાઈ જતું હતું. શ્રદ્ધાએ પાછળથી અચાનક આવી, ખેંચી મને બેસાડી દીધો અને અમે ફાટી આંખે મેલા આકાશને તાકી રહ્યાં. આગથી ઊઠતા એ ધુમાડા બાજુના બિલ્ડિંગમાં અને પછી અમારા બિલ્ડિંગમાં, નીચેથી ઊઠીને અમારી આંખોને બાળવા લાગ્યા. પરીનું શરીર તાવમાં ધખતું હતું. આંખો દાબીને ધ્રૂજતી બેઠેલી પંખી સતત રડી રહી હતી. એ બંનેની પીઠ પર હાથ ફેરવતી શ્રદ્ધા કશોક બબડાટ કરતી હતી. હું એ ત્રણેયને વળગી આકાશમાં ઊડતા ધુમાડાને તાકતો બેસી રહ્યો.

જેમ આવ્યું હતું તેમ આગ ફેલાવતું, ધુમાડા ઉડાડતું ટોળું આગળ વધતું ગયું અને તેનો અવાજ ધીમો થતો, બંધ થઈ ગયો ત્યાં સુધીમાં અમારી કેબિનના આડા કરેલા બારણામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા શરૂ થઈ ગયા હતા. એ કાળા ધુમાડા પાછળ, કેબિન ઉપર ચડવા માટેની સીડી ઉપર મારી નજર પડી અને હું મારી જગ્યા પર ઊભો થઈ ગયો. બાજુનું બિલ્ડિંગ સાત-આઠ ફૂટના અંતરે જ હતું. હું ફરી એ તરફ જઈ પાળી પાસે ઊભો રહ્યો. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો. બાજુના બિલ્ડિંગની કેબિનમાંથી પણ ધુમાડા નીકળી રહ્યા હતા. બંને બિલ્ડિંગની ઊંચાઈ લગભગ સરખી હતી. અને અમારી પાસે દસેક ફૂટ ઊંચાઈ ધરાવતી સીડી હતી. દોડીને હું સીડી પાસે ગયો. મજબૂત હતી. ઉઠાવી જોઈ. ભારે પણ ઉપાડી શકાય એવી હતી. દોડીને સળિયો લઈ આવ્યો. શ્રદ્ધા મને તાકતી રહી. હું કેબિનનું બારણું ખોલી હચમચાવવા લાગ્યો. ખવાઈ ગયેલું એ બારણું મિજાગરા પાસે સળિવો ભરાવી જોર કરીને ખેંચતાં જ છૂટું પડી નીચે પછડાયું. શ્રદ્ધા મારી પાસે દોડી આવી. મેં કહ્યું, “જો, અહીંથી નીકળવાનો રસ્તો મળી ગયો.” અમે ભેગા મળી સીડીને પાળી પાસે ઊભી કરી બાજુના બિલ્ડિંગ પર નમાવી દીધી અને તેની ઉપર તૂટેલું બારણું મૂકી દીધું.

ધુમાડાથી ઘેરાયેલા બાજુના બિલ્ડિંગમાં ઊતરતાંની સાથે જ હું સામેની તરફ દોડી ગયો. કાળા ધુમાડા વચ્ચે જોયું કે બાજુમાં જ હોટેલવાળું બિલ્ડિંગ હતું. ખાસ્સું અડોઅડ અને પાંચ-સાત ફૂટ નીચું. એ ધાબા પરથી હોટેલમાં ઊતર્યાં ત્યારે જોયું કે અંદર બધું જ તોડીફોડી નાંખેલું હતું. રિસેપ્શન કાઉન્ટર ઊંધું પાડી દેવાયું હતું. બારીઓના કાચ ચારે તરફ વેરાયેલા હતા. ફર્નિચરના ટુકડા થઈ ગયા હતા. શ્વાસભેર દોડતાં અમે બહાર, શેડ નીચે પહોંચ્યા. ગાડીના બધા જ કાચ ફૂટેલા. ચારેબાજુ ગોબા. મેં ઝડપથી ચાવી કાઢી બારણું ખોલ્યું. શ્રદ્ધાને બેસાડી ને પંખી-પરીને એના ખોળામાં બેસાડ્યાં. દોડતો ડ્રાઇવર સીટ પર આવ્યો. ધ્રૂજતા હાથે સેલ મારવા જાઉં ત્યાં જ ગાડી પર કોઈનો વજનદાર હાથ પછડાયો.

ભયંકર રીતે ચોંકીને મેં બારીમાં જોયું. લાંબા દાંતવાળો કાળો માણસ, ઊંડી ઊતરી ગયેલી આંખોના ગોખલામાંથી મને તાકાતો, વાંકો વળીને ઊભો હતો. એના લાંબા નાક પર સરકતું એક પાણીનું ટીપું ટપક્યું. “ઐસા કરો, વાપસ ચલે જાઓ, દેઢ કિ.મી. કે બાદ રાઇટ ટર્ન આયેગા, રાસ્તા થોડા ખરાબ હૈ, લંબા ભી હૈ, મગર ઉપર પહુંચા દેગા.” ઘોઘરા અવાજમાં એ બોલ્યો અને આકાશમાં કડાકાભેર વીજળીઓ થઈ.