ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સ્વયં મુક્તિદાતા

૨૨
શિવકુમાર જોષી

સ્વયં મુક્તિદાતા





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • સ્વયં મુક્તિદાતા - શિવકુમાર જોશી • ઑડિયો પઠન: પાર્થ મારુ


‘ડેવિડ!’ મૈનાંના અવાજમાંથી બધું જ માર્દવ જાણે અસ્ત પામ્યું. સવારે ઍરોડ્રામ ઉપર એક અમેરિકન ડેવિડ મળ્યો હતો. દેખાવડો અને વલવલાટભર્યો. પણ આ ડેવિડ, નવદસ વર્ષનો ડેવિડ! કપડાં સાવ જૂનાં હતાં. પગમાં બૂટને બદલે સહેજ મોટાં સેન્ડલ્સ હતાં. સહેજ ટૂંકી પડતી પેન્ટની ધાર ફાટેલી હતી, ત્યાં દોરા દેખાતા હતા. શર્ટને કૉલર ન હતો. જૂના નાઇટ સૂટનું વગર કૉલરનું શર્ટ એણે ટૂંકા પડતા પેન્ટમાં ઝડપથી ઘુસાડી દીધું હોય એવું લાગતું હતું. વાળ કોરા અને ગૂંચળીઆળા હતા. ગોળ રતૂમડું મુખ અને એની વાદળી પારદર્શક કીકીઓમાં કશી નિરાધારીને હઠાવી દેવાની ચંચળતા પ્રગટી જતી હતી, મૈનાંએ ડેનિશ ભાષામાં ડેવિડને કશું કહ્યું, શબ્દોનું વજન અને એ ફેંકવાની રીત ઉપરથી ડેવિડને એણે ઠપકો આપ્યો, ગંદાં સેન્ડલ્સ પહેરીને એ બગીચામાં રમતો હતો. એ રીતે જ એણે ચાલ્યા આવવાની જરૂર ન હતી – એવું બધું. હું સમજ્યો. બંને છોકરીઓની પાછળ પાછળ એ પણ મહેમાનને અભિવાદન કરવા દોડી આવ્યો હતો એવો એનો બચાવ હશે. એનો છોભીલો પડી ગયેલો ચહેરો, શબ્દો ઢૂંઢતાં એને પડતી તકલીફો અને વારંવાર મારી સામે એ જોઈ લેતો હતો તે કારણે, મેં અંદાજ બાંધ્યો.

ચૂપચાપ પીટર આ બધું જોતો ઊભો જ હતો. એના મુખ ઉપરથી થોડી ગ્લાનિ, કંઈક વિચિત્ર સહાનુભૂતિ પસાર થઈ જતી પણ હું જોઈ ગયો. એણે વાત બીજે ચીલે ચઢાવી દીધી.

‘જોશી માટે ચા-બિસ્કિટ, મારે માટે બિયર.... પછી અમે બંને થિયેટર ઉપર જઈશું, થોડું ફરી આવીશું. તે પછી ભોજન. ભોજનમાં...’ ‘ભોજનમાં આપણે બધાં જ આજે નિરામિષ આહાર લઈશું, તમારી સૂચના મને યાદ છે —’ મૈનાંએ પતિની વાત પૂરી કરી, તે દરમિયાન ડેવિડ અને બંને દીકરીઓ અંદર ચાલ્યાં ગયાં હતાં.

બેઠકખંડમાં અમે ગોઠવાયા ત્યાં પીટરનો ખૂબ અંગત મિત્ર ને ફોટો કલાકાર રોપ આવી પહોંચ્યો. પીટરે પરસ્પર ઓળખાણ કરાવી. ચાનાસ્તાની સાથે સાથે અમે ચારે વાતોએ વળગ્યાં. એક વાતનું સુખ હતું કે આગળ કહ્યું તેમ ડચ પ્રજા લગભગ ફરજિયાત અંગ્રેજી બોલી જાણતી હતી, અને તે પણ અંગ્રેજો કે અમેરિકન્સ બોલે તેવું ઝડપી અથવા અમેરિકાની ધરતીની પેદાશ જેવું ખાસ અંગ્રેજી નહિ, ભારતવાસીઓને સમજાય તેવું શાળા-કૉલેજવાળું અંગ્રેજી (કોઈ કોઈ વાચકોને મારા આ વિધાનથી હસી લેવાનું મન થયું હોય તો હસવાની છૂટ).

આવા નાના દેશમાં પીટર જેવો થિયેટર મૅનેજર મુંબઈ કલકત્તામાં બારસો પંદરસો ભાડું ખરચતાં પણ ન મળે તેવા મોટા બંગલામાં સુઘડપણે રહી શકતો હતો, રોપ પોતાનો કૅમેરા અને ડાર્કરૂમને ભરોસે ફ્રીલાન્સર ફોટાગ્રાફર તરીકે મોટર રાખી શકે, સ્વતંત્ર ત્રણ ઓરડાનો ફ્લેટ નિભાવી શકે એટલું કમાઈ લેતો હતો. મૈનાં પણ બાળકો થોડાં મોટાં થશે પછી પોતાની જૂની નોકરીએ – હોમસાયન્સની પ્રાધ્યાપિકા છે - લાગી જશે, ને પગાર ચાલુ થશે પછી ઘરમાં થોડું Renovation થશે અને નવું રાચરચીલું આવી જશે.

થિયેટર મૅનેજર પીટર પાસે યુરોપમાં છેલ્લાં દસ વર્ષમાં પ્રગટ થયેલાં અંગ્રેજી ફ્રેન્ચ અને જર્મન ભાષાનાં — પોતાની માતૃભાષાનાં તો હોય જ — લગભગ બધાં નાટકો હતાં. એની લાઇબ્રેરીમાં એ નાટકો ઉપરનું બીજું સાહિત્ય પણ વસાવી દેવામાં આવ્યું હતું. હારલેમની વસતિ સવા લાખની, તેમાં અઠવાડિયામાં છ દિવસ પીટરનું થિયેટર ‘બુક્ડ’ રહેતું. એમના થિયેટરની પોતાની મંડળી આવતી મોસમમાં ક્યાં ક્યાં નાટક રજૂ કરશે, કયું નાટક છ અઠવાડિયાં, કયું આઠ કે દસ અઠવાડિયાં ચલાવવું તે થિયેટર મૅનેજર અને ડાયરેક્ટર અગાઉથી નક્કી કરી લે. ક્લાસિક્સથી માંડીને છેક ‘લામામાં થિયેટર’ સુધીનાં આવાંગાર્ડ નાટકો પીટરના થિયેટરમાં ભજવાય. બહારની મંડળીઓ નાટક લઈને આવે ત્યારે તો ઉત્સવનું વાતાવરણ ઓર જામે.

રોપને પણ થિયેટરમાં ખૂબ રસ, અવારનવાર સૅટ ડિઝાઇનમાં પણ હાથ અજમાવે. ગપસપ મારતાં કલાક વીત્યો ને અમે ઊભા થયા. રોપે વિદાય લીધી. અમે પીટરની રિનૉલ્ટ (Renault)માં ગામ જોવા અને ખાસ કરીને તો એમના થિયેટરની મુલાકાતે ઊપડ્યા.

મોટર મુખ્ય સડક ઉપર આવી અને હું પૂછું તે પહેલાં જ પીટરે ડેવિડની વાત કાઢી, ‘તમને નવાઈ લાગી હશે, નહિ વારુ? ડેવિડ મારા એક મિત્રનો દીકરો છે. સાચું કહું તો એ પતિ-પત્ની બંને મારા અને મૈનાંનાં મિત્રો. અમારા યુરોપિયન જીવનની આ એક કરુણ બાજુ છે. પિતા પ્રોફેસર છે અને મા છે ઑફિસ સેક્રેટરી. બંને ખૂબ મહત્ત્વાકાંક્ષી અને પોતપોતાની રીતે પોતાનું જીવન જીવવાના આગ્રહી. બાળક નથી જોઈતું એમ અગાઉથી નક્કી કરેલું છતાં ડેવિડ જન્મ્યો. બંને માટે એ જાણે આંખનો કણો બની ગયો.’

‘શી વાત કરો છો.? પારકાંને પણ વહાલો લાગે એવો મીઠડો નમણો છોકરો —’ મેં વચમાં બોલી નાખ્યું.

‘સાચે જ ખૂબ મઝાનો છોકરો છે. એની વર્તણૂક પણ સારી છે, કહ્યાગરો છે. પણ મૈત્રીભૂખ્યો છે, વહાલભૂખ્યો છે. હું શું કહેતો હતો? અરે હા, બંને વચ્ચે આ એક બાળકને કારણે ખટરાગ શરૂ થયો. કોણ એની સંભાળ રાખે? કોણ એને મોટો કરે? ઝઘડો આગળ વધ્યો, અંતે બંને છૂટાં પડ્યાં. પણ જોશી, ન તો પિતા, ન તો માતા ડેવિડને સાથે રાખવા રાજી! એને હું લઈ આવ્યો છું. એક વર્ષ થવા આવશે... ઍન્ડ યુ સી, મૈનાં ઇઝ નૉટ હેપી, નહિ કે ડેવિડ માટે એને તિરસ્કાર છે. પણ અણધાર્યા નવા પ્રોબ્લેમ્સ થાય તો?’

‘સમૃદ્ધ સુઘડ ચળકાટભરી યુરોપિયન ગૃહસ્થીની આ છે બિસ્માર બન્યે જતી બાજુ —’ પીટર આમ સેન્ટિમેન્ટલ ક્યારેય ન બને, ડેવિડની વાત કરતાં પણ એ ભાવવિભોર બની ગયો ન હતો, છતાં એના જેવા સાહિત્યકલા-પ્રેમી, માનવતાભર્યા જુવાન માણસને પેલાં માતાપિતાની બેજવાબદાર સ્વાર્થવૃત્તિ તેમ જ બધી જ રીતે સુસજ્જ મૈનાં જેવી પત્નીની ડેવિડ પ્રત્યેની કંઈક નિઃસ્પૃહ વર્તણૂક ખૂંચતી હતી, એમ મને તુરત સમજાયું.

‘અમે સુખી છીએ જોશી, મારી ગૃહસ્થી મૈનાંને કારણે ઊજળી છે, બાળકોને લઈને અમે સમૃદ્ધ છીએ. મૈનાંની નજરમાં આવી ગૃહસ્થીને બનાવી રાખવાની ચોક્કસ યોજના છે. ડેવિડ તેમાં બંધ બેસે તેમ નથી. એને જવું પડશે —’ કશીયે ચઢઊતર સિવાય પીટર બોલ્યે જતો હતો, રિનોલ્ટની સમગતિ જેવી એની વાણી મને એકધારી લાગી ને વચમાં બ્રેક મારી લેતો હોઉં તેમ સહેજ ઊંચે અવાજે હું બોલી બેઠો, ‘ડેવિડને જવું પડશે? ક્યાં?’

‘કોઈ અનાથાશ્રમમાં, છતે માતાપિતાએ અનાથાશ્રમમાં અથવા તો કોઈ નિઃસંતાન દંપતી એને સંઘરવા રાજી હોય તો ત્યાં... હું બીજી વ્યવસ્થા વધુ પસંદ કરું છું એટલે તો તપાસમાં છું.’

મારું ચાલે તો ડેવિડને મારી પાસે રાખી લઉં, એટલી હદે એ ગરીબડો છોકરો મારા હૈયામાં વસી ગયો હતો. એ તે કેવાં માવતર હશે, આવા દીકરાને છોડી દેતાં એમના દિલમાં કશોયે થડકાર નહિ થતો હોય?

ત્યાં પીટરે બીજી વાત માંડી, જાણે મને પેલી ભાવવિભોર અવસ્થામાંથી બહાર કાઢવા માગતો હોય તે રીતે.

‘અને આ મારો મિત્ર રોપ. એ યહૂદી છે, સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારે એને કૉન્સન્ટ્રેશન કેમ્પમાં જવું પડ્યું હતું. માથું લાલ રંગાવીને ફરવું પડ્યું હતું. માંડ માંડ કૅમ્પમાંથી એ છટક્યો, જાનને જોખમે, પણ જોશી, અમારા યુરોપિયન જીવનની એક બીજી કરુણ બાજુની વાત પણ જાણી લો. મને સંકોચ થતો નથી, અમારી એબ ઉઘાડી પાડવાનો... અમે આવાં પણ છીએ...’

પીટર સદાયે નિખાલસ અને સ્વસ્થ, એના માટેની મારી એવી છાપ વધુ ઘેરી બને એવી એની સચોટ વાણીનો મને પરિચય થયે જતો હતો. ‘અમે નાત્સીઓને ધુતકારતા, એમણે આર્ય બિનઆર્ય એવા ભેદ ઊભા કર્યા. પણ ક્રિશ્ચિયન અને યહૂદી વચ્ચેનો સૈકાઓ જૂનો ભેદભાવ હજી વીસમી સદીના આ સાતમા દસકામાં નિર્મૂળ થયો નથી. અમે ઘણા ક્રિશ્ચિયનો હજી યહૂદીઓને લગભગ અછૂતોની જેમ ટ્રીટ કરીએ છીએ. એમની મૈત્રી, એમની સાથે રોટી-બેટી વ્યવહાર હજી ઘણાં કુટુંબોમાં નિષિદ્ધ છે. અમારામાંથી ઘણા ઓછા નિયમિત ચર્ચમાં જતા હોઈશું. ધર્મમાં, ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ પણ ઘણા અભિમાનપૂર્વક જાહેર કરતા હોઈએ છીએ. છતાં આ યહૂદી છે, એનો છાંયો પણ ન જોઈએ એવી વર્તણૂકનો, બીજા વિશ્વયુદ્ધના કપરા પાઠ શીખ્યા છતાં, અંત આવ્યો નથી. માત્ર કલાકારો, લેખકોની એક નવી નાત ઊભી થતી જાય છે. સારાયે યુરોપમાં, જ્યાં આવા કોઈ ભેદભાવ નથી... અમે ભારતવાસીઓને એમની અનટચેબિલિટીની વાતો કરીને કયે મોઢે ધુતકારીએ? કહો જોઈએ.’

જોકે મેં પીટરને ખાતરી આપી કે સાવ અભણ અને પછાત તથા થોડા રૂઢ માનસવાળા હિંદુઓ જ હવે એટલી હદે અછૂતો તરફ જુગુપ્સા ધરાવે છે. બાકી અમારી સરકારે તો અસ્પૃશ્યતાવિરોધી કાયદાઓ પણ પસાર કર્યા છે અને ચીવટપૂર્વક એનો અમલ થાય છે. અસ્પૃશ્યતાને સાવ નિર્મૂળ કરતાં બહુ તો બીજા બેત્રણ દસકા લાગશે. નવી પેઢી જુવાન થાય એટલી વાર.

મારો માત્ર આશાવાદ કે વિશફુલ થિન્કિંગ ન નીવડે — પીટરને સાંપ્રત ભારતની આવી પરિસ્થિતિ સમજાવતાં, મેં એવી પ્રાર્થના કરી લીધી. પીટરનું થિયેટર સાવ નવું ન હતું, પણ એમાં નવા થિયેટરમાં સંભવી શકે એવી બધી સોઈ હતી. ત્યાંની એકેએક બાજુ થિયેટરમાં ફરીને અમે જોઈ. તે વેળા સ્થાનિક બાળકો એક નવું નાટક – બાળ કલાકારોનું નાટક – ભજવતાં હતાં, પ્રેક્ષકગૃહ બાળકો જેટલી જ વડીલોની સંખ્યાથી ખીચોખીચ ભર્યું હતું. ‘અમારી પ્રજા નાટક પાછળ પાગલ છે એમ તમે કહી શકો. રવિવાર સિવાય રોજ સાંજે કોઈ ને કોઈ ખેલ હોય જ, અને ટિકિટબારીને નિરાશ થવાનો વારો આવતો નથી.’ ઑડિયન્સ શો પૂરો થતાં છૂટતું હતું તેના તરફ આંગળી ચીંધીને પીટરે મને માહિતી આપી. અંદરખાને હું ઈર્ષાથી બળતો હતો. મેં પાછળથી પીટ૨ને એવું કહ્યું પણ ખરું. ‘અમારો સામાન્ય પ્રેક્ષક હજી સાચા અર્થમાં નાટ્યાભિમુખ બન્યો નથી. એને હજી સસ્તું રોમેન્ટિક સિનેમા અથવા ફાર્સિકલ નાટક જોવામાં વધુ રસ છે.’

‘પણ જોશી, તમારાં નાટકો?’

‘મારાં તો સાહિત્યિક નાટકો ગણાય છે. અમારા ખ્યાતનામ પ્રયોજકો માને છે. મારાં નાટકો ફૂટલાઇટની આ બાજુ હજી પહોંચી શકે તેમ નથી. સહેજ વધુ મહેનત કરવી પડે, નેરેટિવ પ્લેઝ (Narrative Plays) કે, સાયકોલૉજિકલ પ્લેઝને અડકવાની જ કોઈની તૈયારી નથી હોતી... મારાં સોળ નાટક પ્રગટ થયાં છે તેમાંથી ચૌદને સરકારી પારિતોષિક મળ્યાં છે પણ તખ્તાનું આયુષ્ય એમાંથી બહુ થોડાંને મળ્યું છે. ફરિયાદ નથી કરતો... અમારી નાટકની દુનિયાની આવી પરિસ્થિતિથી તમને વાકેફ કરું છું માત્ર...’ સહેજ ઊભરો ઠાલવ્યા જેવું મારાથી બની ગયું.

બહાર નીકળ્યા ને મને સમજાયું કે ટૅરીવૂલના પાતળા સૂટથી ટાઢ ખાળી શકાય એમ ન હતું. પીટરે જાડા ટિ્વડનો કોટ પહેર્યો હતો અને અંદર પણ પુલઓવર હતું. વાતો કરતાં કરતાં હું ધ્રૂજી જતો હતો. હારલેમનો બજાર, એની ક્લબ, ટાઉન હૉલ, બધું જોતાં જોતાં અમે ઘેર પહોંચ્યાં. મૈનાંએ ટેબલ સજાવી રાખ્યું હતું. બાળકો તો જમીને સૂઈ ગયાં હતાં.

વેજિટેબલ સૂપ, બ્રેડબટર, બાફેલાં લીલાં શાક, દૂધની ખીર જેવી વાનગી, ઈજપ્શિયન ચોખાનો ભાત... અમે ત્રણે સરખું ભોજન જમ્યાં. મૈનાંએ સાચે જ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી અને ભૂખ પણ પાર વિનાની લાગી હતી એટલે રસોઈને ન્યાય આપવામાં વાંધો ન આવ્યો.

ભારતની કેટલી બધી વાતો અમે ત્રણે જણે કરી લીધી. બાપુને અને નહેરુજીને સન્માનપૂર્વક આ પરદેશીઓ યાદ કરતાં હતાં. વિનોબા વિષે બહુ ઓછાને માહિતી હતી.

બીજે દિવસે વહેલી સવારે ફરીથી આમસ્ટરડામમાં મળવાની વાત પાકી કરીને સ્ટેશને અમે છૂટા પડ્યા. નવાઈની વાત એ બની કે હારલૅમથી આમસ્ટરડામ પહોંચ્યો તો ત્યાં એવી ઠંડી ન વરતાઈ.

*

બીજા દિવસની સવાર! વળી વરસાદ શરૂ થયો હતો. આર્થર ફ્રોમર હોટલના ભોંયરામાં અમારો ભોજનખંડ, ડચ સ્થાપત્યની જૂની રીતરસમ પ્રમાણે લાકડાંથી - મોભવળીઓ - થાંભલાના જૂના જમાનાના ઘાટને સુરેખ શોભાનું રૂપ આપ્યું હતું. નાસ્તો પતાવીને હું ઉપર પહોંચ્યો ત્યારે બરાબર સાડા આઠ થયા હતા. અને પીટરભૈયા હાજર!

એ સારોયે દિવસ લગભગ અમે બંનેએ સાથે ગાળ્યો. એમની રિનોલ્ટની સવારી આનંદપ્રદ નીવડી. જોવા જેવાં અગત્યનાં સ્થળો, બોટેનિકલ ગાર્ડન્સ, આર્ટિસ્ટ્સ ઝૂઓલૉજિકલ ગાર્ડન્સ, ન્યુ ચર્ચ, અને સને ૧૩૦૦માં બંધાયેલું ઓલ્ડ ચર્ચ એ બધું મોટે ભાગે મોટરમાં બેસીને ઝડપથી જોઈ લીધું. મારો રસ હતો બે વાતનો : સ્ટેડેલ્જિક મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ (Stedljick Museum of Modern Art) અને એકબે થિયેટર જોઈ લેવાં હતાં.

An ounce of conviction is worth a ton of talent જેવી સૂક્તિ જે કલાકાર માટે ઉચ્ચારાય છે તે વિન્સેન્ટ વાન ગોનાં ચિત્રો અમે જોવા માંડ્યાં. આગળ જણાવ્યું તેમ આ કલાકાર માટે મારા દિલમાં ઘણો બધો કૂણો ભાવ પહેલેથી જ હતો. એનાં અસલ ચિત્રો જોવા પૂરતો જ યુરોપનો પ્રવાસ ખેડવા મળતો હોય તો હું આનાકાની ન કરું. એનાં કેટલાં બધાં ચિત્રો મારાં પરિચિત હતાં! એનાં સૂરજમુખી, ઘાસની ગંજી, કૅનાલ ઉપરનો લક્કડપુલ, આર્ટિસ્ટનું પોર્ટ્રેટ, એનાં ખેતરો, એનું લસરકાથી ચીતરાયેલું ભૂરું-પીળું આકાશ, સળગતો સૂર્ય, ધ ઓચાર્ડ લાકાફે અને એનો મિત્ર ગોગિન જે ખુરશી ઉપર બેસતો હતો તેની પીળી લીટીઓ આંકેલી લીલી ટેપેસ્ટ્રીવાળી ખુરશી... અને એનાં Self Portraits.

વિન્સેન્ટે એના ભાઈ થિયોને લખેલું, ‘મારી નજર સમક્ષ જે છે તેને એ રીતે જ રજૂ કરવાને બદલે, હું જેમ સૂઝે તેમ કોઈ પણ ખાસ નિયમને અનુસર્યા સિવાય રંગો વાપરું છું, કારણ કે જે મને અંદરથી વર્તાય છે તે મારે પૂરજોશથી વ્યક્ત કરવું છે...’ વિન્સેન્ટ વાન ગોની પેલેટમાંથી મોટે ભાગે ઊજળા ઝબકારા મારતા રંગો કૅનવાસ ઉપર ઉતારતો, કારણ કે ઝડપથી અને પૂરજોશથી પોતાની વાત જાહેર કરવા ચાહતો હતો.

કલાના ઇતિહાસકારો લખે છે કે ‘કલાકારની સ્વયંઊર્મિનો એ મુક્તિદાતા હતો...’ એણે છૂટે હાથે બ્રશને રમવા દીધું છે, એના બલિષ્ઠ લસરકામાં કળાકાર પેલી મુક્તિને ઝંખી રહ્યો છે, એની પ્રતીતિ થયા કરે છે, કોઈએ તો વળી એને ચિત્રના માધ્યમ દ્વારા કવિતા ઘડનારો ગણ્યો છે. એના માધ્યમ દ્વારા એના સમકાલીન અને એના ઉત્તરાધિકારીઓની સરખામણીમાં કલાના ક્ષેત્રની બધી જ રૂઢ માન્યતાઓને ભેદનારો એ સૌથી વધુ આધુનિક ગણાય છે.

ઇમ્પ્રેશનિસ્ટ કળાકારોમાં ધુરંધરો તે સિઝાન, ગોગિન, વાન ગો. એ પ્રક્રિયામાંથી જ્યારે આ મહાનુભાવો પસાર થયા ત્યારે એમણે પોતપોતાની જાતને નિર્મળ બનાવી લીધી, સાચું કહીએ તો એમની તો કાયાપલટ થઈ ચૂકી હતી, અને એમ કરતાં ઍક્સ્મ્પ્રેશનિસ્ટ નીતિ-નિયમોનું, એના તત્ત્વજ્ઞાનનું એમણે જાણે નવેસરથી પાન કર્યું. જ્યાંથી શરૂઆત કરી હતી તેને બીજે છેડે એ પ્રક્રિયાને અંતે તેઓ પહોંચી ગયેલા, અને પોતાને પગલે પગલે માનવજાતને ચિત્રની દુનિયાની અતિઉત્તમ ચિરંજીવ કૃતિઓની દેણગી કરતા ગયા..

એ મૂળ તો હતો સેલ્સમેન. ધ હેગ, બ્રસેલ્સ, લંડન અને પેરિસમાં વેચાણ માટે એ ફરતો. ક્યારેક વળી શિક્ષક પણ બની ચૂકેલો. પ્રેમમાં પડ્યો તો પોતાની પિતરાઈ બહેન સાથે પણ એને હતો એકપક્ષી પ્રેમ. એવા પ્રેમની સચ્ચાઈ પુરવાર કરવા માટે બળતી મીણબત્તીની શિખા ઉપર મિનિટો સુધી પોતાનો હાથ એણે જલતો રાખેલો. પાગલ, ચિત્તભ્રમ અને લાગણીના ક્ષેત્રમાં સાવ બીજે છેડે જઈને બેસી જાય તેવો દુનિયા બહારનો જીવ. આમ તો સત્તાવીસ વર્ષની વયે સૌ પહેલાં એણે હાથમાં બ્રશ પકડ્યું હતું.

તે પછી પણ થોડાં જ વર્ષો જીવ્યો ને જીવ્યો ત્યાં સુધી સાવ પેનીલેસ. એનો ભાઈ થિયો એનું પૂરું કરતો. અસહ્ય ચિત્તભ્રમની દશામાંથી એ બહાર આવતો ને વળી બ્રશ હાથમાં લેતો. એના Orchards ચિત્રોમાં એને પાછી મળેલી શાંતિનું દર્શન થતું. પણ એ તે કેટલો સમય? પાર વિનાનું મદ્યપાન, એકલવાયાપણું અને ચંચળ હૈયું એને ઝડપથી વિનાશને પંથે દોરી ગયું. આ પોતાની અવસ્થા એ જાણતો હતો. એની પેલેટમાં વધુ ઘેરા રંગો જમા થવા માંડ્યા. મકાઈનાં ખેતરો, સાયપ્રેસ વૃક્ષસમૂહો, ઊગતા ચંદ્ર જેવાં એનાં ચિત્રોમાં એક થડકાર, એક ઘુમરાટ નજરે પડે છે. વલોવાતાં અંતરોમાંથી પ્રગટ થતી એ વીંટા લેતી રેખાઓ હતી, પણ એવું એક એક ચિત્ર Masterpiece બનીને ઇઝલ ઉપરથી ઊતરતું ચાલ્યું.

પીટર સાથે ક્યારેક એ કળાકારના એવા જીવનની વાતો કરી લેતો, તો ક્યારે ચૂપચાપ મિનિટો સુધી એ માસ્ટરપીસિસ સામે એકધ્યાન બની હું જોયા કરતો હતો.

જીવ્યો ત્યારે ખાવા માટે પણ પૈસા ન હતા તેની પાસે, તેનાં ચિત્રોની આજે લાખ્ખો ડૉલરની કિંમત અંકાય છે!! વિધિની એ તે કેવી કરામત!’ ગૅલેરીમાંથી બહાર નીકળતાં મારાથી વિષાદભર્યાં એ વચનો ઉચ્ચારાઈ ગયાં.

‘એક નહીં એવા અનેક તપસ્વી સાધક કળાકારો થઈ ગયા, મસ્તરામ અને પાગલ, સમાજ સાથે જેમને નહાવા નિચોવવાનું ન ૨હ્યું હોય તેવા, ગુડ ફોર નથિંગ. ને એવા જ જાણે દુનિયાને આવી સધ્ધર સામગ્રી આપતા રહ્યા. પીટરે મારી વાતમાં જુદી રીતે સૂર પુરાવ્યો. ગૅલરીની બહાર વાન ગોનાં ચિત્રોની જુદી જુદી માપની પ્રિન્ટ્સ વેચાતી હતી. રુચિર માટે Orchardsનું મારું મનગમતું ચિત્ર સોળ ગિલ્ડર આપી ખરીદ્યું, પોસ્ટેજ સમેત, ને સરનામું કરી આપ્યું. એવી ખૂબ સુંદર અને ઝડપી વ્યવસ્થા ગૅલરીના મકાનમાં જ હતી. (આવું કશું આપણાં મિનિએચર્સ કે ખમતીધર કળાકારોની કૃતિઓ પરદેશી ટૂરિસ્ટોને વેચવા માટે થવું જોઈએ. એમ થાય તો ભારતીય કલાનો સંદેશો પણ પૃથ્વીના ખૂણે ખૂણે જરૂર પહોંચે.)

એક સુઘડ ચાઇનીઝ રેસ્ટોરાંમાં ભોજન લેતાં અમે થાક ઉતાર્યો. ખાવાનું સસ્તું અને સ્વાદિષ્ટ હતું. એટલું મોટું રેસ્ટોરાં, જ્યાં સહેજે ચાળીસ ગ્રાહકો બેસી શકે, તેની દેખભાળ માત્ર એક ચાઇનીઝ પુરુષ અને સ્ત્રી કરતાં હતાં.

‘અને આ છે અમારું જાણીતું થિયેટર ‘કેરી’. જમ્યા પછી પીટરે મને શહેરની લગભગ વચમાં આવેલા આ થિયેટરની મુલાકાત કરાવી. ત્યાં નવાં નાટક રિકન્સ્ટ્રક્શનનું Theatre Kerryમાં રિહર્સલ ચાલતું હતું. સાવ જુદી જ જાતનું આ નાટક હતું. ચાર ચાર સંગીતનિયોજકો પોતપોતાના પચાસ પચાસ વાદ્યસંગીતકારોને સંભાળતા હૉલની ચાર બાજુએ ગોઠવાઈ ગયા હતા. ‘કેરી’ મૂળ સર્કસ માટેનું થિયેટર. વિશાળ પણ પુરાણું એનું સ્થાપત્ય. વચમાં સર્કસમાં હોય છે તેવી રિંગ. આજુબાજુ ગેલેરીમાં બેસી નાટક જોવાનું.

રિકન્સ્ટ્રક્શન નાટક દ્વારા અમેરિકન ટૂરિસ્ટોના દક્ષિણ અમેરિકા ઉપરના આક્રમણની મશ્કરી કરવામાં આવી છે. બે નાટ્યકારોએ સાથે બેસીને એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. ચાર સંગીતકારો, બે નાટ્યલેખકો છતાં, દિગ્દર્શક એક જ હતો. નાટક એ કારણે એની ચીંધેલી ચાલે આગળ વધતું હતું.

પોણા બે કલાક કેરીમાં બેસીને એ રિહર્સલ જોવાનો અનુભવ માણ્યો. ‘આ નાટકમાં બસો ઉપરાંત સંગીતના ખાં, સાઠ-સિત્તેર કલાકારો, અને બૅક સ્ટેજ આર્ટિસ્ટોનો પણ ઝમેલો નાનોસૂનો નથી. આ મોસમનું એક પ્રેસ્ટિજ પ્રોડક્ષન આ થવાનું. સફળ થયું તો સારી વાત છે બાકી ચારપાંચ લાખ ગિલ્ડરનો ધુમાડો!’ પીટરે એ નાટકની આર્થિક બાજુ મને સમજાવવા માંડી.

એવો જોખમી પ્રયોગ તો પછી પોસાય કઈ રીતે?’

‘સરકાર... અમારી સરકાર એવા નુકસાનને ખંડી વાળવા ખડે પગે તૈયાર છે. નાટક ભજવ્યે જાવ, નવા પ્રયોગો કરવાની છૂટ. અમેરિકા અમને પાર વિનાની આર્થિક સહાય કરે છે, પણ એના નાગરિકોની આવી ઉઘાડેછોગ ઠેકડી કરવાનું આ પ્રયોજકોને મન થાય તોપણ કશી રોકટોક નહિ. પૂરું સ્વાતંત્ર્ય...’

હોંશભેર ત્યાં થિયેટરમાં હરતાફરતા કળાકારોની નફિકરાઈનાં તો તુરત જ દર્શન થતાં હતાં. એમનો પહેરવેશ, એમનું હલનચલન અને મુખ ઉપર તરવરતો આનંદ — એ દુનિયા જ જાણે જુદી એમ તુરત પરચો થાય.

ને તે પછી પીટરે બીજું એક થિયેટર બતાવ્યું. કેરી કરતાં સાવ સામે છેડે બેસે એવું. મૂળ એ ઑક્શન હૉલ. એમાંથી એને એંસી-નેવું પ્રેક્ષકો બેસી શકે એવું ‘સ્ટુડિયો-૬૮-’૯’ નામના થિયેટરમાં પલટી નાખેલ.

‘તમારે અહીં સાંજના નાટક જોવા આવવાનું છે. આ તમારા માટે કૉમ્પ્લીમેન્ટરી ટિકિટ. પ્રવાસી નાટ્યકાર છો તમે, આ મંડળીના મહેમાન આજ રાતે...’ પીટરે હાથમાં ટિકિટ મૂકી દીધી. એ પોતે સાથે આવી શકે તેમ ન હતા. બીજે દિવસે ઍરોડ્રામ ઉપર મળવાની ખાતરી આપી અમે છૂટા પડ્યા. તે રાત્રે મેં પહેલી વાર એક ધસમસતું સંગીતપ્રચુર અને ખુલ્લું આવાં ગાર્ડ નાટક જોયું. આવાંગાર્ડ કહો, એબ્સર્ડ કહો... પણ એની તાસીર જ સાવ જુદી હતી. નાટકનું નામ ટૉમ પેઈન (Tom Paine) બુડાપેસ્ટની કૉન્ગ્રેસમાં મળેલા લામામા થિયેટરવાળા ઍલન સ્ટુઆર્ટની મંડળીનું મૂળ પ્રોડક્ષન, યુરોપની જુદી જુદી ભાષામાં અનુવાદ થયેલું ને ઠીક ઊહાપોહ જગવેલો. પીટરે ખાસ ભલામણ કરી હતી. ‘આ કંઈક નવું છે, નવું છે અને બલવંત છે, કલા હવે કેવા નવા નવા વળાંક લે છે, આજની જુવાન પેઢી મનોરંજન અને કલાકૃતિને કઈ રીતે એકબીજામાં વણી લે છે એ જોવું હોય તો Tom paine is a must. હું વેળાસર પહોંચી ગયો ત્યારે પ્રવેશદ્વાર પાસે એક યુવતીને ઊભેલી જોઈ. એણે મને મારી બેઠક બતાવી. ચારે બાજુ ગૅલરીવાળા નાના ખંડની એક બાજુ સહેજ દોઢ-બે ફીટ ઊંચાઈનું પ્લૅટફોર્મ હતું. ત્યાં લાલ વાર્નિશથી રંગેલા લાકડાના ટેકા અને તેને આધારે ટકી રહેલી બાલ્કની, પછીતમાં એક-બે નાના ઓરડા. આ હતી સ્ટેજની સજાવટ.

સાતેક યુવાન અને ચારેક યુવતીઓની મંડળીએ ટૉમ પેઈન ભજવ્યું, સંવાદો કરતાં સંગીતની વેગીલી રમઝટ વધારે. સર્કસમાં હેરતભર્યા શારીરિક બળપ્રયોગો થાય છે તેવા પ્રયોગો પણ આ નાટકના અભિનયમાં સમાવી દેવામાં આવ્યા હતા. આછાં કપડાં, વિચિત્ર ઘાટનો પહેરવેશ, પ્રેક્ષકોની નજર સામે જ બદલાય, પ્રકાશ નાટકને જુદાં જુદાં પરિમાણ આપે, એની વેગવંતી ગતિમાં બિહામણા રંગ પૂરે, અને સંગીતની ભૈરવી તર્જોની સાથે બંધબેસતી થાય અને રૂંવાડાં ઊભાં કરી મૂકે તેવી આબોહવા સર્જવામાં પણ અગત્યનો ફાળો આપે.

લંડનમાં આ નાટક રજૂ થયું ત્યારે મોટા ભાગના વિવેચકોએ એને છોલી નાખ્યું હતું. પોલ ફૉસ્ટરે ટૉમ પેઈન નામની ઐતિહાસિક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને અમેરિકન વિપ્લવમાં એના ફાળાની વાત કહેતાં કહેતાં વિપ્લવની-વિપ્લવીઓની મજાક ઉડાવી હતી કે એબ્સર્ડ અથવા તો અત્યાધુનિક નાટક રજૂ કરવાની ધૂનમાં જાતજાતની સામગ્રીનો ખીચડો કર્યો હતો?!

આ નાની મંડળી, ખમતીધર અને પ્રયોગતત્પર જરૂર ગણાય. સર્કસ, પ્રહસન, સંગીત અને અભિનયનાં બધાં જ ધારાધોરણ ફગાવી દઈને તાજુબ કરી મૂકે તેવી નાટકીય રજૂઆત, આ બધું એમના જમા પક્ષે ગણી શકાય. અને છતાંયે મૂળ નાટકનું પોત કેટલું છીછરું! એના ઉપર તે આટલો દોરદમામ હતો હશે? આર્ટિસ્ટિક પર્મિસિવનેસ(Artistic permissiveness) શબ્દો હમણાં ખૂબ હવામાં લહેરાય છે. કલાનું રૂપ ધારણ કરીને નગ્નતા અને જાતીયતા ખુલ્લેઆમ પ્રગટ થતાં હોય તો ભલે થાય, એ મનોવૃત્તિની પકડમાં આજનું યુરોપ-અમેરિકાનું અત્યાધુનિક થિયેટર સપડાયે જાય છે. ‘ટૉમ પેઈન’ એનું જ્વલંત ઉદાહરણ મને લાગ્યું.

શારીરિક હલનચલનમાં જોશ પૂરવું, તદ્દન વિચિત્ર લાગે તે રીતે અંગોપાંગને ઘુમાવ્યે જવા, એ બધું પણ નાટકની મૂળ વસ્તુ સાથે બંધ બેસે તેમ હોય તો ભલે આવે, આપણે એનું સ્વાગત કરીએ, પરંતુ માથામેળ સિવાય, મૂળ નાટ્યવસ્તુની પાર વિનાની કચાશની અવહેલના કરીને પ્રેક્ષકો સામે તેવા પ્રયોગ મૂકવામાં આવે ત્યારે ઘડીભર તો ગાંડા થઈ જવાય — આવા પ્રયોગો તરફ તમે ગમે તેટલી ઉદારદૃષ્ટિ રાખવા ઉત્સુક હો તોપણ.

હા, એ નવો અનુભવ હતો, ઉન્માદજનક ક્યારેક, ક્યારેક વળી વિષાદજનક, ત્રાસજનક! રાત્રે સવા નવ વાગ્યે શો છૂટ્યો ને હું એ જૂના ઑક્શન હાઉસ થિયેટર ‘સ્ટુડિયો ૬૮-’૯’માંથી ભાગ્યો. રખે ને ટૉમ પેઈને ઊભી કરેલી બીભત્સ હવા મારી પાછળ પડીને મને ગૂંગળાવી મારે.

રાત્રે કૅનાલ્સમાં સ્ટીમ લોન્ચોનો પ્રવાસ એ આમસ્ટરડામનું અનોખું આકર્ષણ. નજરે પડ્યો તે પહેલા ઘાટનાં પગથિયાં ઊતરીને એવી એક સ્ટીમ લોન્ચમાં હું બેસી ગયી. ઉપર પારદર્શક કાચનું છાપરું, સગવડભરી બેઠકો અને રમતિયાળ ગાઈડ. દોઢેક કલાક અમને આમસ્ટરડામની નહેરોમાં ફેરવ્યા. બન્ને બાજુનાં મકાનો, અગત્યનાં લૅન્ડમાર્કસ બધાં જ ફ્લડ લાઈટ્સથી અજવાળવામાં આવ્યાં હતાં. ટૉમ પેઈનની સામે બેસે તેવો એ આહ્લાદક અનુભવ નીવડ્યો. ત્રીજે દિવસે બપોરે મેં આમસ્ટરડામ છોડ્યું. પીટર ઍરોડ્રામ ઉપર વળાવવા આવ્યા હતા. મૈનાંને પણ ‘આવજો’ કહેવા ઍરોડ્રામ આવવું હતું પણ ઘેર ડેવિડે કંઈક ધમાલ મચાવી હતી, એ ન આવી શકી, અમે ફોન ઉપર વાતો કરી લીધી ને સંતોષ માન્યો.

યુરોપની અત્યાર સુધીની યાત્રા દરમિયાન જુદી જુદી કેટલીયે ઍરલાઇન્સમાં પ્રવાસ કરવા મળ્યો હતો. આ વેળા કે.એલ.એમ.નું બોઈંગ હતું. પહેલી જ વાર ઠસોઠસ ભરેલું મોટું તોતિંગ પ્લૅન! અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને થોડી જ મિનિટમાં લંડન! અતુલ અને મીનાને મળવા મન આતુર બની બેઠું. અતુલને લગભગ છ-સાત વર્ષ પછી મળવાનું થશે, અને મીનાને તો પહેલી જ વાર, કલકત્તાથી નીકળ્યા પછી એમ પણ લાગ્યું કે હું મારે ઘેર જતો હતો, મારા પોતાના પરિવારની પાસે.

ગળે ડૂમો ભરાઈ આવ્યો.

[જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, ૧૯૮૨]