ગુજરાતી બાળવાર્તા સંપદા/ચતુર મુખી

ચતુર મુખી

જગતમિત્ર

એક ગામ. એમાં ચતુર મુખીની જબરી ધાક. ચતુર મુખી બોલે એ જ થાય. ચતુર મુખીના આંખના ઇશારે જ બધું ચાલે. લોકો ચતુર મુખીને પૂછીને જ પાણી પણ પીએ. ગામ ખાધેપીધે સુખી હતું. ગામમાં બધી કોમના લોકો સુખશાંતિથી રહેતા હતા. એક વખતની વાત. મગન પટેલને ઘેર એક અજાણ્યો માણસ આવ્યો. મગન પટેલ ઘેર જ હતા. અજાણ્યા માણસે મગન પટેલને કહ્યું – ‘મગન ભા ! તમારું નામ સાંભળીને આવ્યો છું. તમે ખૂબ દયાળુ અને માયાળુ છો. મારે બાજુના ગામમાં જવું હતું, પણ રાત પડવાની તૈયારી છે. એટલે મારે તમારે ત્યાં રાત રોકાવાનો વિચાર છે.’ મગન પટેલ ખૂબ ભોળા હતા. તે બોલ્યા – ‘તમતમારે રોકાઈ જાવ ને ભાઈ ! અહીં તો ધરમશાળા જેવું છે. ભગવાને મને ઘણું અનાજ આપ્યું છે. કંઈ ખૂટી જવાનું નથી. તમારે જો બહારગામ ગયા વગર ચાલે એવું ન હોય તો તમારી સંગાથે માણસ મોકલું.’ પેલો અજાણ્યો માણસ એકદમ નિરાશ થઈ ગયો ને બોલ્યો – ‘ના, ના, ના, મગન ભા ! હું તો સવારે જ જઈશ. મારી પાસે જોખમ છે. બાજુના ગામમાં મારે ભેંસના પાંચ હજાર રૂપિયા ભરવાના છે. એટલે આજની રાત અહીં પડી રહેવા દો તો તમારી મહેરબાની !’ મગનકાકા બોલ્યા – ‘અરે, મહેરબાની ભગવાનની ! આંગણે આવેલા મહેમાનની સેવા કરવાથી ભગવાન ખુશ થાય છે. તમતમારે બેફિકર મારે ત્યાં રોકાઈ જાઓ.’ - ને પેલો અજાણ્યો માણસ મગનકાકાને ત્યાં રાત રોકાઈ ગયો. રાત્રે મગનકાકાએ તેને પેટ ભરીને પકવાન જમાડ્યા. ખડકી પાસે રૂવેલ ગોદડાં આપીને સુવાડ્યો. વહેલી સવારે પટલાણીએ ઊઠતાંવેંત જ બૂમ પાડી – ‘હાય રે ! આપણા ઘરનું બારણું કેમ ખુલ્લું છે ?!... ને ઘરમાં બધી વસ્તુઓ કેમ વેરણછેરણ પડી છે ? આ સાંભળી ઘરનાં બધાં માણસો જાગી ગયાં. જોયું તો ઘરમાં ચોરી થઈ હતી ! ખડકી પાસે જઈને જોયું તો પલંગ ખાલી હતો ! અજાણ્યો માણસ આ કળા અજમાવી ગયો હતો, એની હવે બધાંને ખબર પડી... પણ હવે શું થાય ? એક વખતે ચતુર મુખી બાજુના ગામમાં સગાને ત્યાં ગયા હતા. કામ ખૂબ મહત્ત્વનું હોવાથી મુખીની ત્યાં મોડે સુધી જરૂર હતી. મુખી ત્યાં રાત રોકાઈ ગયા. સાંજના સમયે ચતુર મુખીના સગાને ત્યાં એક માણસ આવ્યો. તે કહેવા લાગ્યો – ‘આજની રાત મને અહીં રોકાવા દો તો સારું, મારી પાસે જોખમ છે. બસ ચૂકી ગયો છું. રાત્રે કેમ કરીને જાઉં? સવારે જતો રહીશ.’ મુખીના મનમાં ઝબકારો થયો. મગન પટેલના ત્યાં આ જ માણસ આવ્યો હશે. એની એમને ખાતરી થઈ. તેમણે પેલા અજાણ્યા માણસને પૂછ્યું – ‘તમે બે વર્ષ પહેલાં બાજુના ગામે મગનકાકાને ત્યાં રોકાયા હતા ?’ પેલો અજાણ્યો માણસ ગભરાઈ ગયો, બોલ્યો – ‘હેં ? બાજુના ગામે ? હા... ના, ના, એવું નથી.’ ‘તમે મગનકાકાને ત્યાં રાત રોકાયેલા ?’ મુખીએ કડક થઈને પૂછ્યું. ‘હા...ના, ના, મગનકાકા ?... કયા મગનકાકા ?’ પેલો માણસ લોચા વાળવા લાગ્યો. ચતુર મુખીએ વાત બદલતાં પૂછ્યું – ‘તમે કયા ગામના ?... અમે ખૂબ દૂરના માણસને રાત રોકાવા દેતા નથી.’ પેલા માણસે કહ્યું – ‘હું ?.... હું તો મોહનપુરનો છું. હવે તો... રોકાવા દેશો ને ?’ ઘરધણીએ કહ્યું – ‘મુખી, મૂકો ને લમણાઝીંક ! બિચારો ભલે ને એક ખૂણામાં પડી રહેતો !’ મુખીએ આંખો કાઢીને કહ્યું – ‘તમે વચ્ચે બોલશો નહીં. હું કરું એમ કરવા દો.’ મુખીની ધાક જુબરી, એટલે ઘરધણી અને બીજાં બધાં ચૂપ થઈ ગયાં. ચતુર મુખી પંચના આગેવાન હતા, તેથી તેઓ આજુબાજુનાં 40-50 ગામડાંના જાણકાર હતા. મુખી બોલ્યા – ‘મોહનપુરના ગટા ગો૨ને તમે ઓળખો ?’ પેલા માણસે જવાબમાં કહ્યું – ‘ગટો ગોર તો મારા ખાસ ભાઈબંધ છે. બિચારા તે તો બહુ ભોળા છે.’ ચતુર મુખીએ બીજો પ્રશ્ન કર્યો – ‘મોહનપુરના અમથા મુખીને તમે ઓળખો ?’ પેલા માણસે કહ્યું – ‘અરે, એમને કેમ ન ઓળખું ? એ તો ભગવાનના માણસ છે !’ મુખીએ સાન કરીને બાજુમાં બેઠેલા ચાર-પાંચ જુવાનિયાઓને બોલાવ્યા. જુવાનિયા મુખી પાસે આવ્યા. મુખીએ કહ્યું – ‘પેલી રાશ લાવો ને આ ચોરને પકડીને બાંધી દો.’ બધાંને આ સાંભળીને નવાઈ લાગી. પેલો માણસ તો થર થર કાંપતો હતો. મુખી બોલ્યા – ‘અલ્યા, જલદી કરો. મોડું કરવામાં મજા નથી.’ બધાંએ ચોરને ચારે બાજુએથી ઘેરી લીધો. પછી તેને એક જાડા થાંભલા સાથે બાંધી દીધો. મુખીએ તેને એક જોરદાર લાફો માર્યો. પછી પૂછ્યું – ‘હરામખોર, અમારા મગનકાકાને ત્યાં તું જ રાત રોકાયો હતો. તેં જ એમના ઘરમાં ચોરી કરી હતી.’ બધાં બોલ્યાં : ‘પણ મુખી, એની સાબિતી શી ?’ મુખીએ કહ્યું – ‘સાંભળો, પહેલાં તો આ માણસ ગભરાઈ ગયો. પછી તે લોચા વાળવા લાગ્યો. પછી તે ગટા ગોરને તથા અમથા મુખીને ઓળખે છે એમ બોલ્યો. ખરેખર તો મોહનપુરમાં નથી ગટો ગોર કે નથી અમથો મુખી !’ હવે બધાં કહેવા લાગ્યાં – ‘ચતુર મુખી નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. મુખી ખૂબ ચાલાક છે.’ પછી મુખીએ પેલા ચોરને સારો એવો મેથીપાક ચખાડ્યો. ચતુર મુખી ખરેખર ચતુર હતા. ચોર કરગરી પડ્યો ને પછી મગન પટેલના ચોરેલા પૈસા આપવા કબૂલ થયો.