ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્યમકર્મ-સંવાદ


‘ઉદ્યમકર્મ-સંવાદ’ : શામળની પ્રારંભકાળની આ દુહાબદ્ધ રચના(મુ.)માં ઉજ્જયિનીના રાજા ભદ્રસેનની રાજસભામાં ત્યાંના પંડિત શિવશર્મા અને કર્ણાટકથી ‘ઉદ્યમ વડું કે કર્મ’ એનો વાદ કરવા નીકળેલી સુંદરી કામકળા વચ્ચેનો સંવાદ નિરૂપાયો છે. શિવશર્મા કર્મને મોટું કહે છે અને કામકળા ઉદ્યમની સરસાઈ પુરસ્કારે છે. ૨-૨ દૃષ્ટાંતવાર્તાઓ અને તે ઉપરાંત સીધી દલીલોથી તેઓ પોતાના મંતવ્યનું સમર્થન કરે છે. અંતમાં રાજા નિર્ણય આપે છે : “કર્મ થકી ઉદ્યમ ફળે, ઉદ્યમથી કર્મ હોય; ઓછું અદકું એહને કહી ન શકે કોય.” એ નિર્ણયથી સંતુષ્ટ બેઉ વાદીઓ “થયાં કંથ ને કામિની પૂરણ પ્રીત પ્રતાપ” એ બેઉ ઇન્દ્રશાપે સ્વર્ગભ્રષ્ટ થઈ પૃથ્વી પર અવતરેલાં હોવાની વાત પ્રસ્તાવનામાં જોડી વાર્તાગર્ભ બનાવેલા સંવાદનેય વાર્તામાં મઢવામાં શામળે પોતાની ચતુરાઈ દેખાડી છે. મુખ્ય સંવાદ પહેલાં એમાં ગરમાવો આણવા યોજાઈ હોય તેવી બેઉ પાત્રોની પ્રશ્નોત્તરી વાર્તાઓમાં પેટ ભરીને સંસારજ્ઞાન પીરસવાના શામળના શોખના પૂર્વાભ્યાસ જેવી લાગે.[અ.રા.]