ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કૃષ્ણક્રીડિત’


‘કૃષ્ણક્રીડિત’ : ૧૦૮ કડીનું કહાન(રાઉલ)નું આ કાવ્ય (૮ કડી મુ.) હસ્તપ્રતો તેમ જ ભાષાસ્વરૂપને આધારે ઈ.૧૫મી સદીનું હોવાનું અનુમાન થઈ શકે તેમ છે. કાવ્યમાં આઠેક કડીઓ સંસ્કૃતમાં છે અને ૯૬ કડી શાર્દૂલક્રીડિત છંદમાં છે. રાસક્રીડા તેમ જ અન્ય શૃંગારિક કાવ્યો માટે શાર્દૂલવિક્રીડિત યોજવાની પ્રણાલી મધ્યકાલીન ગુજરાતીમાં જોવા મળે છે, તેમ છતાં એમાં સામાન્ય રીતે દેશીબંધની વ્યાપકતા છે અને તેથી અક્ષરમેળ વૃત્તની આ રચના ખાસ ધ્યાન ખેંચે છે. કાવ્ય લગભગ સરખા ૩ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં કૃષ્ણનો રાધા તેમ જ ચંદ્રાવલી સાથેનો શૃંગાર આલેખાયો છે, બીજા વિભાગમાં રાસલીલા અને વસ્ત્રહરણલીલાનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં કૃષ્ણની ભક્તિભાવસભર સ્તુતિ છે. આ પ્રસંગે યશોદાના પુત્રવાત્સલ્યનું પણ ટૂંકું નિરૂપણ કરવાની કવિએ તક લીધી છે એ હકીકત નોંધપાત્ર છે. કાવ્યનો શરૂઆતનો અધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે લઈ શકાય તેમ છે, પણ સમગ્રપણે જોતાં આ પ્રેમભાવનું નિરૂપણ ભક્તિભાવના નિરૂપણનું જ અંગભૂત છે. કાવ્યની ૧૦૮ કડીસંખ્યા પણ જપમાળાનું સહેજે સ્મરણ કરાવે છે. કાવ્યમાંનું રાસક્રીડાનું વર્ણન રાસનૃત્યની ગતિશીલ, પ્રવાહી, સર્વાંગી છબી નિર્મિત કરતું હોવાથી વિશેષ આસ્વાદ્ય છે. કવિની ભાષા, છંદ અને ભાવ પરની પકડ તેને ગણનાપાત્ર મધ્યકાલીન કવિઓમાં, કૃષ્ણભક્તિના અગ્રણી ગાનારામાં સ્થાન અપાવે છે.[હ.ભા.]