ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જંબૂસ્વામી-રાસ’


‘જંબૂસ્વામી-રાસ’ [ર.ઈ.૧૬૮૩] : નયવિજયશિષ્ય યશોવિજયની, દુહા-દેશીબદ્ધ ૫ અધિકાર (=ખંડો) ને ૩૭ ઢાળની આ કૃતિ (મુ.)માં જંબૂસ્વામીનું પ્રસિદ્ધ વૃત્તાંત ગૂંથાયેલું છે. રાજગૃહ નગરના રાજા શ્રેણિકના પુત્ર જંબૂકુમાર સુધર્માસ્વામીના ઉપદેશથી દીક્ષા લેવા પ્રેરાય છે પણ આ પૂર્વે એ વિવાહિત હોવાથી માતાપિતાની અનુજ્ઞા એમને મળતી નથી. એમના આગ્રહને વશ થઈ એ ૮ કન્યાઓ સાથે લગ્ન કરે છે પરંતુ એમનું મન દીક્ષામાં હોવાથી પત્નીઓ અને માતાપિતાની સાથે એ ધર્મચર્ચા કરે છે, એને દીક્ષા માટે સંમત કરે છે ને સૌની સાથે દીક્ષા લે છે. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર’ના પરિશિષ્ટ પર્વનો ઘણો આધાર દર્શાવતા આ રાસમાં કેટલીક દૃષ્ટાંતકથાઓ યશોવિજયે યોજેલી છે ને એમાં એમની આગવી છાપ પણ ઊપસે છે. દીક્ષા લેવાના પક્ષે-વિપક્ષે થતી દલીલોના સમર્થન રૂપે યોજાયેલી આ દૃષ્ટાંતકથાઓમાં એક તરફ વિલાસની ને બીજી તરફ સંયમ-ઉપશમની કથાઓ છે એથી શાંતરસમાં નિર્વહણ પામતી આ કૃતિમાં શાંત શૃંગારનું પણ આલેખન થયેલું આપણને મળે છે. નગર, નાયક, વરઘોડો આદિનાં વર્ણનોમાં ઊપસતાં વાસ્તવિક ને લાક્ષણિક ચિત્રોમાં, રૂપકશ્રેણી આદિનો આશ્રય લેતી અલંકારપ્રૌઢિમાં, ઊર્મિરસિત કલ્પનાશીલતામાં, વર્ણાનુપ્રાસ ને ઝડઝમકયુક્ત કાવ્યરીતિમાં કવિની વિશેષતા જણાય છે. ક્વચિત્ રાજસ્થાની ને હિંદીનો પ્રયોગ કરતી કવિની ભાષામાં પંડિતની સંસ્કૃતાઢ્ય બાની ઉપરાંત લોકવાણીના સંસ્કારો પણ જોવા મળે છે. ક્વચિત્ ક્લિષ્ટ બનતી એમની શૈલી સામાન્ય રીતે પ્રસાદ, માધુર્ય ને માર્મિકતાના ગુણ ધરાવે છે. દેશીઓનું વૈવિધ્ય આ કૃતિની સમૃદ્ધ ગેયતાનો નિર્દેશ કરે છે.[ર.સો.]