ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય(વાચક)-૬


દેવવિજ્ય(વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નસૂરિના શિષ્ય. તેમના પ્લવંગમ છંદની ૬૧ કડીના સુગેય ‘રાજુલના બારમાસ’ (ર.ઈ.૧૭૩૯; મુ.)માં પ્રકૃતિવર્ણનની ભૂમિકા સાથે રાજુલનો વિરહભાવ અને તેમણે નેમિનાથને સંસારના સુખ ભોગવવા કરેલી વિનંતિ આલેખાયેલ છે, જો કે કાવ્યની પરિણતી વૈરાગ્ય અને દીક્ષામાં થાય છે. કવિની અન્ય કૃતિઓમાં નેમરાજુલવિષયક બીજા ૧૭-૧૭ કડીના ૨ બારમાસ (એકની ર.ઈ.૧૭૦૪/; બંને * મુ.), ચંદ્રાવળાબદ્ધ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, ફાગણ વદ ૫, રવિવાર; ૫ સ્તવન મુ.), અન્ય ‘ચોવીસજિન-ગીત’, ૧૧ કડીની ‘શીતલનાથ-સ્તવન’, ૯ કડીની ‘બીજની સઝાય’ (મુ.), ૫ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.), ૭ કડીની ‘અષ્ટમીની સઝાય’ (મુ.), ૭ કડીની ‘આત્મહિતશિક્ષા-સઝાય’ તથા ૧૧ કડીની ‘રાત્રિભોજન-સઝાય’નો સમાવેશ થાય છે. આ કવિનાં કેટલાંક જિનસ્તવનો ને સ્તુતિઓ ભૂલથી દેવીદાસ (દ્વિજ)ને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. જૈસમાલા (શા.) : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧, ૫. પ્રાસપ સંગ્રહ : ૧; ૬. સજ્ઝાયમાળા (પં.); ૭. સઝાયમાલા (જા.) : ૧-૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]