ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયચંદ્ર સૂરિ-૧


નયચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે. ચિતોડના રાણા કુંભાએ ઈ.૧૪૩૮માં સારંગપુર ઉપર મેળવેલ વિજ્યની હકીકતને સમાવી લેતું અને તેથી એ પછીના અરસામાં રચાયેલું જણાતું આ કવિનું ‘કુંભકર્ણ-વસંતવિલાસ-ફાગુ’(મુ.) ૩ અધિકાર અને દરેક અધિકારમાં ૧ કે વધુ સંસ્કૃત શ્લોક તથા ચૈત્ર, છાહુલી, અઢૈયા અને ફાગનું એકમ ધરાવતા બેથી ૪ વિશ્રામમાં વહેંચાયેલ છે. નાયકવર્ણનના પહેલા અધિકરમાં રાણા કુંભાની વિજ્યગાથા રજૂ થઈ છે, જેમાં ટૂકાં પણ છટાદાર યુદ્ધવર્ણનનો સમાવેશ થયો છે. બીજા અને ત્રીજા અધિકારમાં વસંતવર્ણન અને શૃંગારવર્ણનમાં ફાગુ-કાવ્યની પરંપરામાં જોવા મળતી અલંકાર અને પદાવલિની રમણીયતા છે. એ નોંધપાત્ર છે કે કવિએ જે પદ્યભાગ ગુજરાતીમાં છે તેને અપભ્રંશ તરીકે ઓળખાવેલ છે અને ૧ કડી પૈશાચી ભાષામાં પણ આપેલી છે. કવિએ સંસ્કૃતમાં ‘હમ્મીર-મહાકાવ્ય’ અને ‘રંભામંજરી-નાટિકા’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. સ્વાધ્યાય, મે ૧૯૭૫-‘નયચંદ્રસૂરિકૃત કુંભકર્ણ વસંત-વિલાસફાગુ’, સં. અમૃતલાલ મો. પંડિત (+સં.); ૨. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૮-‘કુંભકર્ણવસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ’, અગરચંદ નાહટા (+સં.). સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે. ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. [કી.જો.]