ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યનંદ સ્વામી


નિત્યનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં. ‘અવતાર-ચરિત્ર’ તથા ‘વૈકુંઠદર્શન’ તેમના મૌલિક ગ્રંથો છે. તેમણે અનેક ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ-રૂપાંતર કર્યાં છે, જેમાં ‘દશમસ્કંધ’ (પૂર્વાર્ધ), ‘વિદૂરનીતિ’, ‘ભગવદ્ગીતા’, ‘કપિલ-ગીતા’, ‘એકાદશસ્કંધ’ના ‘ગુણવિભાગ’, શતાનંદના ‘સત્સંગીજીવન’માં આવતી ‘નિષ્કામશુદ્ધિ’નો સમાવેશ થાય છે. તેમણે ‘પંચમસ્કંધ’ અને ‘શિક્ષાપત્રી’નો ટીકાસહિત અનુવાદ કર્યો છે. ‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ ‘હનુમત્કવચ’, શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. સંદર્ભ : ૧. વિદ્યાવારિધિશ્રી નિત્યાનંદસ્વામી, નારાયણભક્ત, ઈ.૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯;  ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯. [શ્ર.ત્રિ.]