ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’


‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ [ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૯ શ્રાવણ સુદ૧૫, સોમવાર] : તેરમાસના વર્ણનના ૧૩ ખંડ, દરેક ખંડમાં બહુધા દુહાની ૮ કડી અને ફાગ નામથી ૧૭ માત્રિક ઝૂલણાની ૧ કડી ધરાવતી ઉદયરત્નની આ કૃતિ(મુ.) સૌ પ્રથમ એના સુઘડ રચનાબંધથી ધ્યાન ખેંચે છે. દુહામાં કેટલેક સ્થાને આંતરપ્રાસ પણ જોવા મળે છે. કાવ્ય ચૈત્ર માસના વર્ણન સાથે પૂરું થાય છે. જો કે બારમા ચૈત્રમાસમાં રાજુલ “ભગવંત માંહે ભલી ગઈ સમુદ્રિ મલી જીમ ગંગ” પછી ૧૩મા અધિકમાસનું દુ:ખ વર્ણવાય અને ત્યાં પણ નેમ-રાજુલ મળ્યાનો ફરી ઉલ્લેખ આવે છે એ થોડુંક વિચિત્ર લાગે છે. જૈન મુનિકવિની આ રચના હોવા છતાં તેમાં વૈરાગ્યબોધનો ક્યાંય આશ્રય લેવામાં આવ્યો નથી, તેમ જ પ્રારંભના મંગલાચરણમાં કે અન્યત્ર જૈનધર્મનો કોઈ સંકેત થયો નથી. માત્ર નેમરાજુલની કથા જૈન સંપ્રદાયની છે એટલું જ. કવિએ દરેક માસની પ્રકૃતિની લાક્ષણિક રેખાઓ, ક્યારેક શબ્દસૌંદર્યથી ઉપસાવી છે અને રાજિમતીના વિરહભાવનો દોર એમાં ગૂંથી લીધો છે. વિરહભાવનું આલેખન પણ આકાંક્ષા, સ્મરણ, પરિતાપ વગેરે ભાવોથી શબલિત થયેલું છે, અને એમાં કેટલેક ઠેકાણે જે તે મહિનાની પ્રાકૃતિક ભૂમિકાનો પણ રસિકચાતુર્યથી ઉપયોગ થયો છે. છેલ્લા ખંડની દૃષ્ટાંતમાળા કવિના લોકવ્યવહારના જ્ઞાનની સૂચક છે. રત્ના ભાવસારના ‘મહિના’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રસિક સૂચના તરીકે જાણીતી કૃતિ છે. રત્નાના ગુરુ ઉદયરત્નની આ કૃતિ વધુ નહીં તો પણ એટલી જ મનોહારી રચના છે. [જ.કો.]