ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મરાજ ગણિ-૧


પદ્મરાજ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિશિષ્ય-પુણ્યસાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૫૮૮થી ઈ.૧૬૧૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે ને કવિ ઈ.૧૫૭૨માં પણ હયાત હતા એવો ઉલ્લેખ મળે છે. આથી કવિનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ દરમ્યાનનો ગણી શકાય. તેમની પાસેથી ૯ કડીનું ‘નવકાર-સ્તવન’ (મુ.), ૭ અધિકારની ‘અભયકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪), ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪),૧૪૧ કડીનો ‘ક્ષુલ્લકકુમાર રાજર્ષિ-ચરિત/પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, ફાગણ સુદ ૫), ૭ કડીનું ‘કુંથુનાથસ્તવન’ વગેરે કૃતિઓ મળે છે. ભવનહિતાચાર્યકૃત ‘રુચિરદંડક’ પરની વૃત્તિ (ર.ઈ.૧૫૮૮) એમની સંસ્કૃત રચના છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૩. નસ્વાધ્યાય : ૩(+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૭. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]