ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નાકર સૂરિ-૨


રત્નાકર(સૂરિ)-૨ [ ] : જૈન સાધુ. ‘નંદીશ્વર-દ્વીપવિચાર-સ્તવન’ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં હેમહંસ (જ.ઈ.૧૩૭૫)ના શિષ્ય અને ‘રત્નાકર-પંચવિંશતિ’ના કર્તા રત્નસાગર/રત્નાકરસૂરિનો ઉલ્લેખ મળે છે તે અને આ રત્નાકરસૂરિ કદાચ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ’; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [ર.ર.દ.] રત્નાકરચંદ્ર(મુનિ) [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. હરિગીત તથા વસ્તુ છંદમાં રચાયેલી ૧૨ કડીની કવિ દેપાલની ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત, ‘આદિજિનજન્માભિષેક-કલશ’(મુ.), ૧૧ કડીની ‘(જીરાઉલ) પાર્શ્વનાથ-વિનંતી’ તથા ૧૦ કડીની ‘નેમિનાથ-વિનંતી’ ‘આદિનાથ-વિનતી’(મુ.) એ કૃતિઓના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ કવિ દેપાલકૃત સ્નાત્રપૂજામાં આ કર્તાની ‘આદિનાથ જન્માભિષેક-કલશ’ કૃતિનો ઉપયોગ થયેલો નોંધે છે એ મુજબ આ કર્તા કવિ દેપાલ (ઈ.૧૪૪૫-ઈ.૧૪૭૮)ના જીવનકાળ સુધીમાં થઈ ગયા હશે. કૃતિ: ૧. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨; ૨. વિવિધ પૂજા સંગ્રહ: ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિવિધ પૂજા સંગ્રહ: ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪, (ચોથી આ.); ૩. સ્નાત્રપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. નેમચંદભાઈ દેવચંદભાઈ, ઈ. ૧૯૧૬. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ; જ.ગા.]