ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાધીબાઈ


રાધીબાઈ [   ] : રાધાબાઈને નામે જાણીતાં આ કવયિત્રીની ‘રાધી’ નામછાપથી કેટલીક કૃતિઓ ‘પ્રાચીનકાવ્યમાળા’માં મુદ્રિત રૂપે મળે છે. કૃતિઓમાં મળતી માહિતીને આધારે તેઓ વટપુરી (વડોદરા)નાં વતની અને કોઈ અવધૂતનાથ બાવાનાં શિષ્યા હતાં. તેમણે પોતાની કેટલીક કૃતિઓ ઉજ્જયિની ને બીજે સ્થળે રચી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. એ સિવાય તેઓ જ્ઞાતિએ મરાઠા બ્રાહ્મણ હતાં, તેમણે પોતાનાં ગુરુ સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની યાત્રા કરેલી અને તેઓ ઈ.૧૮૩૪માં હયાત હતાં જેવી બીજી વીગતો એમનાં વિશે અન્યત્ર પ્રાપ્ત થાય છે. આ કવયિત્રીની મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતી કૃતિઓ આ પ્રમાણે છે : અભંગની ચાલના ગરબાઢાળમાં રચાયેલી ૫૪ કડીની ‘કૃષ્ણ-બાળલીલા’ ને ૧૦૧ કડીની ‘મીરાંમાહાત્મ્ય’ તથા અન્ય ગરબાઢાળોમાં રચાયેલી ૬૩ કડીની ‘કૃષ્ણવિવાહ’, ૧૦૧ કડીની ‘કંસવધ’ને ૧૧૫ કડીની ‘મુચુકુંદમોક્ષ’ એ પ્રસંગમૂલક રચનાઓ છે. એ સિવાય કૃષ્ણભક્તિનાં ને જ્ઞાનવૈરાગ્યનાં અન્ય ૪૭ ગરબી-પદ છે જેમાં ‘દત્તાત્રયની ગરબી’નો પણ સમાવેશ થાય છે. આ કૃતિઓનું કાવ્યત્વ સામાન્ય કોટિનું છે અને ભાષા મરાઠી ને હિન્દીના અતિરેકવાળી છે. ‘ઇટુ-મીઠું’, ‘દૈત્ય-મૈત્ય’, ‘ભાઈ-ઘાઈ’, ‘મતવાલે-બાલે’, ‘બડાઈ-લુગાઈ’ જેવા અસુભગ પ્રાસ એમાં સતત જોવા મળે છે. આ કૃતિઓને હાથપ્રતોનો કોઈ ટેકો નથી અને છોટાલાલ ન. ભટ્ટની કૃતિઓની ભાષા સાથે આ કૃતિઓની ભાષાનું કેટલુંક મળતાપણું છે, એટલે આ કૃતિઓ બનાવટી હોવાનું ને છોટાલાલ ન. ભટ્ટે પોતે રચીને રાધાબાઈને નામે ચડાવી દીધાની શંકા વ્યક્ત થઈ છે. જુઓ રાાધાબાઈ/રાધેબાઈ. કૃતિ : પ્રાકામાળા : ૬(+સં.). સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ.૧૯૭૮; ૨. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન કે. વોરા, ઈ.૧૯૬૦; ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ૬. ગુસાપઅહેવાલ : ૪-‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી.[ચ.શે.]