ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રણજંગ’


‘રણજંગ’ : વજિયાની મુખબંધ અને વલણ વગરનાં ૧૭ કડવાંની ક્યાંક ભાષામાં હિન્દી અસર બતાવતી આ કૃતિ (મુ.) પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ પૂર્વે રચાયેલી છે. શસ્ત્રસજ્જ અને યુદ્ધતત્પર રાવણ અને રાવણસૈન્યના કે યુદ્ધના વર્ણનનાં બેત્રણ કડવાંને બાદ કરતાં બીજાં કડવાં ટૂંકાં છે. લંકાની સમૃદ્ધિ જોઈ રામને ઊપજતી નિરાશા, હનુમાન તથા અન્ય વાનરોએ આપેલું પ્રોત્સાહન, રામે રાવણને મોકલેલો વિષ્ટિસંદેશ, રાવણનો અહંકારયુક્ત પ્રત્યુત્તર, મંદોદરીએ રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા માટે કરેલી વિનંતિ, રાવણે વિનંતિનો કરેલો અસ્વીકાર, યુદ્ધમાં રાવણનું મૃત્યુ અને રામનું અયોધ્યામાં આગમન એટલા પ્રસંગોને આલેખતી આ કૃતિમાં પ્રસંગ કે પાત્રને ખિલવવા તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. એટલે નિરૂપણ ઊભડક લાગે છે, તો પણ યુદ્ધવર્ણન કે રાવણના વર્ણનમાં કવિ થોડી શક્તિ બતાવી શક્યા છે. કૃતિમાં આવતી રણયજ્ઞના રૂપકની વાત અને કેટલાક ઢાળોની પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ પર અસર જોવા મળે છે એ દૃષ્ટિએ આ કૃતિ નોંધપાત્ર ગણી શકાય.[ર.સો.]