ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાગ્ર શૈલી


એકાગ્રશૈલી(Concise style) : શેઠ વલ્લભદાસ પોપટના ‘સુબોધચિંતામણિ’ કાવ્યને અનુલક્ષીને નવલરામે બે શૈલીની ચર્ચા કરી છે. એકાગ્ર (concise) શૈલી અને સર્વાગ્રદૃષ્ટિવાળી (diffused) શૈલી. એકાગ્રશૈલી મુદાને વળગી રહી આડીઅવળી ગયા વગર દરેક શબ્દ સાભિપ્રાય ગોઠવે છે અને પુનરુકિત કે અંગવિસ્તારથી બચે છે; જ્યારે સર્વાગ્રદૃષ્ટિવાળી શૈલીમાં અંગઅંગીનો વિસ્તાર મર્યાદિત હોતો નથી. નવલરામ બંને શૈલીને સારી ગણે છે છતાં એકાગ્રશૈલીમાં અત્તરની શીશી પેઠે સઘળું સારસ્વ ભરેલું હોય છે એવું માની એને વધારે ઊંચી આંકે છે. ચં.ટો.