ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત સમાચાર



ગુજરાત સમાચાર : ૧૮૯૮માં છઠ્ઠી માર્ચે ભગુભાઈ કારભારીએ અમદાવાદમાંથી ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કર્યું, અને દોઢેક વર્ષ એનું સંચાલન સંભાળ્યું. એમની પાસેથી એ ઠાકોરલાલ ઠાકોરે સંભાળ્યું અને ૧૯૦૫માં પ્રજાબંધુ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરીને એમાં જ ‘પ્રજાબંધુ’ છાપવાનું રાખ્યું. પ્રારંભથી એમાં સ્થાનિક સ્વરાજ્યની બાબતોને મહત્ત્વ અપાતું. એને જીવણલાલ દેસાઈ, જયશંકર વૈદ્ય, પ્રાણલાલ દેસાઈ જેવા લેખકોનો સહયોગ સાંપડ્યો. અંબાલાલ સાકરલાલ દેસાઈ અંગ્રેજીમાં કટારો લખતા. ૧૯૨૦ પછી ગાંધીજીએ શરૂ કરેલી અસહકારની ચળવળને ‘પ્રજાબંધુ’એ ટેકો આપ્યો. ૧૯૩૨માં એનું પ્રકાશન થોડો સમય બંધ રાખ્યું. એ દરમ્યાન ૧૬-૧-૩૨થી ‘ગુજરાત સમાચાર’ રૂપે એની દૈનિક પૂર્તિઓ પ્રગટ થવા માંડી. ૧૯૪૦માં લોકપ્રકાશન લિમિટેડે એનું સંચાલન સંભાળી લીધું, ત્યારથી આજ સુધી ‘ગુજરાત સમાચાર’ એના નેજા હેઠળ જ પ્રકાશિત થાય છે. ધીમે ધીમે ‘પ્રજાબંધુ’ ‘ગુજરાત સમાચાર’માં જ ભળી ગયું. શ્રેયાંસ શાંતિલાલ શાહના મેનેજિંગ તંત્રીપદ હેઠળ એ અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, મુંબઈ અને રાજકોટથી પણ પ્રકાશિત થાય છે અને સાડા પાંચ લાખ નકલ ઉપરનો ફેલાવો ધરાવે છે. રવિવારની પૂર્તિ ઉપરાંત સોમવાર, બુધવાર, શુક્રવાર વગેરે દિવસોએ અલગ અલગ વિષયો પર રંગીન પૂર્તિઓમાં વિવિધ વાચનસામગ્રી આપે છે. યા.દ.