ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્રુવપંક્તિ


ધ્રુવપંક્તિ(Refrain) : સમગ્ર ગીત કે કાવ્યમાં અંતરે અંતરે નિયમિત ગાળે પુનરાવૃત્ત થતી પંક્તિઓ, પંક્તિ કે પંક્તિખંડ, આને ટેક પણ કહે છે. ખાસ તો પ્રત્યેક ચરણને અંતે પુનરાવૃત્ત થતી આ પંક્તિ નજીકના સંદર્ભમાં થોડા ફેરફાર સાથે પણ રજૂ થાય છે. એટલેકે પુનરાવર્તન દરમ્યાન કેટલીકવાર એમાં અર્થપરિવર્તન પણ આવે છે. બીજી રીતે કહીએ, તો ધ્રુવપંક્તિનો અર્થ કવિતાના વિકાસ સાથે થોડા ફેરફાર દ્વારા વિકસતો જાય છે. ટૂંકમાં, ધ્રુવપંક્તિ એના એ સ્વરૂપે કે થોડાઘણા ફેરફાર સાથે પુનરાવૃત્ત થાય છે. ધ્રુવપંક્તિ કાવ્યના વાતાવરણને કે ઊર્મિપરિવેશને સ્થાપવાનું કાર્ય કરે છે. જેમકે માધવ રામાનુજની રચના ‘હળવા તે હાથ’માં આવતી ધ્રુવપંક્તિ : ‘અમે કોમળ કોમળ’. ચં.ટો.