ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભવિષ્યવાદ


ભવિષ્યવાદ (Futurism) : ઇટાલિયન સાહિત્યમાં જન્મેલું આધુનિકતાવાદી આંદોલન. આ આંદોલનના પ્રણેતા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તીએ ૧૯૦૯માં પેરિસના એક દૈનિક ‘લે ફિગારો’માં ભવિષ્યવાદનો પહેલો ખરીતો પ્રગટ કર્યો અને ૧૯૩૦ સુધી એના બીજા કેટલાક ખરીતા પણ બહાર પડ્યા. ત્યારપછી આ વાદનો પ્રભાવ ઓસરી ગયો, પરંતુ મારિનેત્તી મૃત્યુપર્યંત આ વાદના ચુસ્ત સમર્થક રહ્યા. વૈજ્ઞાનિક સંશોધનોને લીધે જન્મેલી યંત્રયુગીન સંસ્કૃતિ અને એમાંથી ઉદ્ભવેલાં મૂલ્યો પ્રત્યે આકર્ષણ તથા ૧૯મી સદીનાં જીવનમૂલ્યો પ્રત્યે વિદ્રોહ ભવિષ્યવાદમાં દેખાય છે. ભૂતકાલીન ગૌરવમાંથી જન્મેલી રોમેન્ટિક લાગણીમયતા, તકવાદી વ્યવહારુતા, નૈતિકતા ને કાયરતા એ સૌ પ્રત્યે આક્રોશ અને ગતિ, સાહસ, આક્રમકતા, યુદ્ધ, હિંસા, સંઘર્ષ ને પરિવર્તન પ્રત્યે આદર ભવિષ્યવાદ દાખવે છે. ભવિષ્યવાદ પરંપરાપ્રાપ્ત કાવ્યશૈલીને સાવ છોડી દે છે. વાક્યવિન્યાસ અને પદ્યલયનો ત્યાગ કરી નામો તથા અકર્મક ક્રિયાપદોની સંયોજકો વગર અતંત્ર ગોઠવણી, અવતરણ ચિહ્નોને બદલે મુદ્રણની પ્રયુક્તિઓથી લવાતો વિરામ, રાસાયણિક ને ગાણિતિક સંજ્ઞાઓ તથા ઘોંઘાટવાળાં તત્ત્વો પરથી લીધેલાં પ્રતીકો ઇત્યાદિને લીધે ભવિષ્યવાદી કવિતા ૧૯મી સદીની કવિતા કરતાં ઇબારત અને કાવ્યમિજાજ એમ બન્ને રીતે ઘણી જુદી પડી જાય છે. મારિનેત્તી, સેત્તિમેલી, ચાર્લી, ગોવોની, વગેરે ધ્યાનપાત્ર ભવિષ્યવાદી કવિઓ છે. યુરોપમાં ફ્રેન્ચ અને જર્મન કવિતામાં કેટલેક અંશે ભવિષ્યવાદની છાયા પડેલી છે, પરંતુ એક પ્રભાવક આંદોલન રૂપે તો એ દેખાય છે રશિયન કવિતામાં. ૧૯૧૨-૧૪ દરમ્યાન પ્રગટ થયેલા એના ખરીતાઓ અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન મુખ્યત્વે રચાયેલી વેસિમિર ખ્લેબિનકોવ, વ્લાદિમિર માયકોવ્સ્કી તથા બીજા કેટલાક ‘કવિઓની કવિતાઓને’ ઘન ભવિષ્યવાદ’ (cubo-futurism) સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સમગ્ર કાવ્યપરંપરાની સામે વિદ્રોહ, કાવ્યભાષાની સંપૂર્ણ કાયાપલટ અને પ્રેમજન્ય ઊર્મિલતાનો ત્યાગ એ આ વાદના મુખ્ય વિચારો ઇટાલિયન ભવિષ્યવાદને ઠીકઠીક મળતા આવે છે, પરંતુ કાવ્યસર્જનમાં બાહ્ય વાસ્તવિકતાના રૂપને સાવ બદલી નાખવું, અર્થતત્ત્વને છોડી માત્ર શબ્દના નાદતત્ત્વ પર વિશેષ ભાર મૂકવો કે કાવ્યમાં અબાધિત શબ્દરમત કરવાની એમની વૃત્તિ ઘનવાદ (cubism) અને દાદાવાદ(dadaism)ની વિશેષ નજીક જાય છે. તેથી આ કવિઓને ઘન-ભવિષ્યવાદી કહેવામાં આવ્યા છે. જ.ગા.