ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરેચન


વિરેચન/વિશોધન(Catharsis) : એરિસ્ટોટલે ઈ.સ.પૂર્વે. ચોથી સદીમાં એના ‘પોએટિક્સ્’માં ટ્રેજિડીની વ્યાખ્યામાં વાપરેલી મહત્ત્વની સંજ્ઞા. એરિસ્ટોટલે એની કોઈ સમજૂતી આપી નથી તેથી આ સંજ્ઞા ચર્ચાનો વિષય રહી છે; અને ભાગ્યે જ એમાં સર્વસંમતિ સધાયેલી છે. આ અંગેની બધી જ વ્યાખ્યાઓ, માત્ર અર્થઘટનો બની છે. જેમણે જેમણે એનું અર્ધઘટન કરવાનો પ્રયત્ન કર્યો છે, એમણે ‘પોએટિક્સ’ના આઠમા પ્રકરણમાં આવતા ટૂંકા પરિચ્છેદ પર, એરિસ્ટોટલના ‘રે’ટરિક’માં અપાયેલી દયા અને ભીતિની વ્યાખ્યા પર અને પ્લેટો, પ્રોક્લસ તેમજ પ્રોટિનસ ઉપરાંત જામ્બલિક્સ ઑવ કેલ્સિસનાં લખાણો પર આધાર રાખ્યો છે : આ ચર્ચા બે દિશામાં ફંટાયેલી છે. એક દિશા એરિસ્ટોટલના મનમાં એનો શો અર્થ હશે એની શોધની છે, તો બીજી દિશા ટ્રેજિડીનું કાર્ય અને અન્ય કાવ્યસ્વરૂપોના કાર્યને સમજાવવામાં આ વિભાવનાની શી ઉપયોગિતા છે એના પરીક્ષણની છે. એરિસ્ટોટલે આપેલી ટ્રેજિડીની વ્યાખ્યા એક તરફ ટ્રેજિડીની પ્રકૃતિને ચીંધે છે, તો બીજી તરફ એ ટ્રેજિડીના કાર્યને ચીધે છે. આમ તો પુરોગામી ‘પ્લેટોએ સાહિત્ય પર નકલ માટે અને અનિષ્ટ પ્રભાવ માટે જે આક્ષેપો મૂક્યા હતા, એમાં અનુકરણ (mimesis)ના સિદ્ધાન્તથી એરિસ્ટૉટલે સાહિત્યની વિશિષ્ટ પ્રકૃતિ પર અને વિરેચન(Caltharsis)ના સિદ્ધાન્ત દ્વારા સાહિત્યના વિશિષ્ટ કાર્ય પર પ્રકાશ ફેંક્યો છે. કેથાર્સિસનો અર્થ સંદિગ્ધ હોવાથી કાં તો ધાર્મિક વિધિક્ષેત્રનો વિશોધન એવો અર્થ લેવાયો છે, કાં તો ગ્રીક વૈદકની ઔષધોપચારની કોઈ પદ્ધતિનો વિરેચન એવો અર્થ લેવાયો છે. એક વાત ચોક્કસ કે ટ્રેજિડી દયા અને ભીતિ જગાડીને એ લાગણીઓનું વિરેચન કે વિશોધન કરે છે. આ લાગણીઓ પોતે હાનિકર્તા હોવાથી કે એનો અતિરેક થયો હોવાથી એનું વિરેચન કરવામાં આવે છે. આમ થવાથી ટ્રેજિડીના વિનાશ અને અપવ્યયથી પ્રેક્ષકોની ઉત્તેજિત લાગણીઓનો અનિષ્ટભાવ દૂર થાય છે. ટ્રેજિડી પ્રેક્ષકોને હતાશ છોડતી નથી, પણ મુક્ત થયાની સ્વસ્થ સ્થિતિ પર લાવીને મૂકી દે છે. ટ્રેજિડી પ્રેક્ષકોને આનંદ પમાડે છે, મનુષ્યને ગૌરવ અને શ્રદ્ધા બક્ષે છે. સોળમી સદીમાં નવ્ય નિગ્રહવાદી અભિગમથી આ સંજ્ઞા અંગે નૈતિક વિચારણા થઈ; તો રોબોર્તેલી(૧૫૪૮), કેસ્તલવેત્રો (૧૫૭૦), હાઇનસિયસ(૧૬૧૧), વોસ્સિયસ(૧૬૪૭) જેવાઓએ કઠિનીકરણના સિદ્ધાન્ત(Hardening’ theory)થી સંજ્ઞાને સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલેકે ટ્રેજિડી યાતના અને હિંસાનાં દૃશ્યોથી પ્રેક્ષકોને અભ્યસ્ત કરે છે; અને દયા તેમજ ભીતિ પરત્વેની પ્રેક્ષકોની નિર્બળ પ્રવૃત્તિને દૃઢ કરે છે. અઢારમી સદીના બેતો (Batcaux) લેસિંગ વગેરે માને છે કે દયા કરવાની સહજ અને સમર્થ શક્તિને ઉત્તેજી ટ્રેજિડી પ્રેક્ષકનું વિશોધન કરે છે. ઓગણીસમી સદીમાં ગ્યોથ આ સંજ્ઞા દ્વારા નાટકઅંતર્ગત દયા અને ભીતિનું સમાધાન કરનાર સમતુલન ઇચ્છે છે, શિલર વિષયવસ્તુથી નહિ પણ કરુણસ્વરૂપથી જન્મતા વિવેચનના પ્રભાવ પર ભાર મૂકે છે; તો, હેગલ ટ્રેજિડીને વિસંવાદી વૈશ્વિક સત્યોના સમાધાન તરીકે જુએ છે. યાકોબ બેરનેયૂઝ મનોચિકિત્સક સિદ્ધાન્ત આગળ વધારે છે અને એના આધારે બાય્વૉટર, બુચર વગેરે વિવેચકો આગળ વધ્યા છે. ચં.ટો.