ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યક્તિવાદ


વ્યક્તિવાદ(Individualism) : વ્યક્તિના સ્વાતંત્ર્યને અને એના અધિકારોને છિનવવાનો જ્યારે જ્યારે પ્રયત્ન થયો છે ત્યારે એની પ્રતિક્રિયા રૂપે સ્વહિતના રક્ષણ માટે ઊપસેલી આ વિચારણાનો ઇતિહાસ આમ તો બહુ જૂનો છે. એનાં બે રૂપ છે : સમાજનિરપેક્ષ વ્યક્તિમૂલ્યની સ્થાપના એનો એક છેડો છે, તો સમાજવિચ્છેદી વ્યક્તિવિદ્રોહ એનો બીજો છેડો છે. સામાજિક બંધન, પરંપરાઓ, રીતરિવાજો, સામૂહિક સંસ્થાઓ અને માન્યતાઓ વ્યક્તિ પર શાસન કરી એને રૂંધવાનો પ્રયાસ કરે છે ત્યારે વ્યક્તિવાદ સમાજ પ્રતિના નકારાત્મક દૃષ્ટિકોણ સાથે સ્થાપિત થાય છે. આધુનિક વ્યક્તિવાદનાં ચાર પ્રધાન રૂપ છે : ધાર્મિક, આર્થિક, વૈજ્ઞાનિક અને રાજનૈતિક. સાહિત્યક્ષેત્રે આ ચારેના નિષ્કર્ષોએ આધુનિકતાવાદને વેગ આપવામાં ભાગ ભજવ્યો છે. સમાજથી વિચ્છેદિત ભાષાકેન્દ્રી અને સ્વકેન્દ્રી કૃતિલક્ષિતાના મૂળમાં આત્યંતિક વ્યક્તિવાદ પડ્યો છે. ચં.ટો.